ગિરનાર લીલી પરિક્રમા 2026: લાખો શ્રદ્ધાળુઓ માટે PGVCLનો માસ્ટર પ્લાન, 24x7 કંટ્રોલરૂમ સાથે 5 વૈકલ્પિક વ્યવસ્થા

ગિરનાર લીલી પરિક્રમા 2026 દરમિયાન લાખો શ્રદ્ધાળુઓને અવિરત વીજળી મળે તે માટે PGVCLની ખાસ તૈયારી. અંબાજી ફીડરનું મેન્ટેનન્સ પૂર્ણ, 5 વૈકલ્પિક વીજ વ્યવસ્થા અને 24x7 કંટ્રોલરૂમ શરૂ થશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 19 Nov 2026 09:02 AM (IST)Updated: Thu, 19 Nov 2026 09:02 AM (IST)
girnar-lili-parikrama-2026-pgvcl-electricity-control-room-junagadh

Girnar Lili Parikrama 2026: ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન ભવનાથ વિસ્તારમાં આવતા લાખો શ્રદ્ધાળુઓને વીજ પુરવઠા સંબંધિત કોઈ મુશ્કેલી ન પડે તે માટે પીજીવીસીએલ તંત્ર દ્વારા જરૂરી આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે. વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટે ફીડરનું મેન્ટેનન્સ તેમજ વૈકલ્પિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

ભવનાથ વિસ્તારમાં વીજ પુરવઠો પૂરો પાડતા અંબાજી ફીડરનું સંપૂર્ણ મેન્ટેનન્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વીજ પુરવઠામાં કોઈ વિક્ષેપ સર્જાય તો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકાય તે માટે એ જ સબ સ્ટેશનના ચાર વૈકલ્પિક વિકલ્પો તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે પાંચમા વૈકલ્પિક વિકલ્પમાં અન્ય સબ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પરિક્રમા દરમિયાન વીજ પુરવઠા સંબંધિત ફરિયાદો અને સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા માટે ભવનાથ વિસ્તારમાં પીજીવીસીએલના કમ્પાઉન્ડમાં 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવનાર છે. આ કંટ્રોલરૂમનો સંપર્ક નંબર 8799278606 રહેશે. કંટ્રોલરૂમમાં પીજીવીસીએલના સ્ટાફ ઉપરાંત કોન્ટ્રાક્ટરની ટીમ પણ જરૂરી સાધનો સાથે વોકીટોકીથી સજ્જ રહીને ઉપલબ્ધ રહેશે.

પીજીવીસીએલ દ્વારા ગિરનાર લીલી પરિક્રમામાં આવતા તમામ શ્રદ્ધાળુઓને વીજળીનો ઉપયોગ સાવચેતી અને સલામતીપૂર્વક કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે. તેમ પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર હિતેશ સોનીએ જણાવ્યું છે.