Girnar Lili Parikrama 2026: જૂનાગઢમાં આગામી તા.20થી 24 નવેમ્બર દરમિયાન યોજાનારી ગિરનાર લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટવાના છે, ત્યારે પરિક્રમા માર્ગ પર સ્વચ્છતા જળવાઈ રહે અને વન્યજીવોને નુકસાન ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. પરિક્રમા દરમિયાન અન્નક્ષેત્રોનું સંચાલન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ પ્લાસ્ટિકમુક્ત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અને પરવાનગીની શરતોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.
અન્નક્ષેત્રોને વન વિભાગની સૂચના
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન દર વર્ષે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાળુઓની સુખાકારી અને ભોજન-પ્રસાદની વ્યવસ્થા માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવે છે. આ અન્નક્ષેત્રોના સંચાલકોએ પરવાનગીમાં દર્શાવેલી તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
પ્લાસ્ટિક બનાવટો પર પ્રતિબંધ
આ ઉપરાંત, ગુજરાત હાઇકોર્ટ દ્વારા PIL નં. 06/2023ના કેસમાં આપવામાં આવેલા દિશાનિર્દેશો તથા અગ્ર મુખ્ય વન સંરક્ષકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. 25/01/2000ના હુકમ અનુસાર વન્યપ્રાણી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિકની વસ્તુઓ, પેકિંગ મટિરિયલ સહિતની પ્લાસ્ટિક બનાવટો લઈ જવા તથા તેનો ગમે ત્યાં ફેંકવા પર પ્રતિબંધ છે.
નિયમ ભંગ કરનારને દંડ
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના તા. 22/05/2019ના પરિપત્ર અન્વયે પણ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિકની બનાવટો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમોનો ભંગ કરનાર સામે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની કલમ 29 તથા 35 હેઠળ ગુનો બને છે અને મહત્તમ દંડનીય કાર્યવાહી થઈ શકે તેમ હોય તે બાબતે ધ્યાને લઈ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તકેદારી રાખવા જણાવ્યું છે.
