Girnar Parikrama 2026: ગિરનાર પરિક્રમા 2026ની તારીખ, રૂટ અને અંતરની સંપૂર્ણ વિગતો

વર્ષ 2026 માં 20 નવેમ્બરથી યોજાનારી ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ અને અંતર ઉપરાંત યાત્રિકો માટે પાણી-ભોજન અને રહેવાની વ્યવસ્થા માટેના સ્થળો વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે વાંચો ગુજરાતી જાગરણનો આ અહેવાલ.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 16 Nov 2026 04:51 PM (IST)Updated: Mon, 16 Nov 2026 04:51 PM (IST)
girnar-lili-parikrama-2026-dates-route-map-distance-and-how-to-reach-junagadh

Girnar Lili Parikrama 2026 Dates, Route Map and Distance: હિમાલયથી પણ જૂના ગણાતા ગરવા ગિરનાર પર્વતની ફરતે 20 નવેમ્બર, શુક્રવાર 2026 એટલે કે કારતક સુદ અગિયારસથી પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કારતક પૂર્ણિમા એટલે 24 નવેમ્બર સુધી ચાલનારી પાંચ દિવસીય ધાર્મિક યાત્રામાં ગુજરાતના વિવિધ જિલ્લા સહિત અન્ય રાજ્યોમાંથી આવતા લાખો પરિક્રમાર્થીઓ જૂનાગઢના ગાઢ જંગલો અને પહાડી માર્ગો પર પગપાળા ગિરનાર પર્વતની પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે.

ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા

ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન પદયાત્રીઓને ગિરનારની ગોદમાં ઘણા ધાર્મિક અને પવિત્ર સ્થળોના દર્શન કરવાનો અવસર મળે છે. પરિક્રમાનો પદમાર્ગ આશરે 36 કિમી છે. જેની શરૂઆત અને સમાપન ભવનાથની તળેટી ખાતે થાય છે. ત્યારે ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ અને અંતર તથા પરિક્રમાના ચાર પડાવો અને મુખ્ય પહાડી ઘોડીઓ અને પવિત્ર ધાર્મિક દર્શનીય સ્થળોની વિગતવાર અને સચોટ માહિતી જાણવા માટે વાંચો આ અહેવાલ.

ગિરનારની લીલી પરિક્રમાનો ઈતિહાસ અને મહત્વ

દર વર્ષે દેવ દિવાળીના પવિત્ર અવસરે પાંચ દિવસીય લીલી પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. ગિરનાર પરિક્રમાનો પ્રારંભ કાર્તિક સુદ અગિયારસએ થાય છે, અને તે કારતક પૂર્ણિમાના રોજ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન ગીર જંગલ વિસ્તારનો આ માર્ગ માત્ર 5 થી 10 દિવસ માટે જ ખુલ્લો મૂકવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે.

ગિરનાર પરિક્રમા માર્ગ અને અંતર (Girnar Parikrama Route and Distance)

ગિરનારની લીલી પરિક્રમાનો માર્ગ આશરે 36 કિલોમીટર લાંબો છે અને તે ગિરનાર પર્વતની પ્રદક્ષિણા કરે છે.

રૂટ અંતર
ભવનાથથી ઝીણા બાવાની મઢી 12 km
જીણાબાવાની મઢીથી માળવેલા 8 km
માળવેલાથી બોરદેવી 8 km
બોરદેવીથી ભવનાથ 8 km
  • ભવનાથ તળેટીથી ઝીણા બાવાની મઢી: આ પવિત્ર અને દિવ્ય ધાર્મિક યાત્રાનીશરૂઆત ભવનાથ તળેટીથી થાય છે. પદયાત્રીઓએ અહીંથી ઈટાવા ઘોડી તરફ પ્રસ્થાન કરવાનું રહે છે. દુર્ગમ રસ્તાઓ પાર કરીને આશરે 12 કિલોમીટરનું અંતર કાપીને ઝીણા બાવાની મઢી સુધી પહોંચાય છે. આ વિસ્તારમાં આવેલ હસનાપુર ડેમ નજીક એક સ્થળ પદયાત્રીઓના રાત્રિ રોકાણ માટે સારું મનાય છે.
  • ઝીણા બાવાની મઢીથીમાવળેલાનો માર્ગ: ઝીણા બાવાની મઢીથીપદયાત્રીઓએ કઠિન માર્ગ કાપવાનો હોય છે. આ માર્ગ પર ચંદ્ર મૂળેશ્વર આવે છે. ત્યારબાદ સરખડીયા હનુમાનજી દાદાનું મંદિર આવે છે. શ્રદ્ધાળુઓ અહીંથી દર્શન કરીને આગળ વધીને માળવેલા પહોંચે છે, જોકે, વન્ય વિસ્તાર હોવાથી પદયાત્રીઓએ વિશેષ કાળજી રાખવાની રહેશે.
  • માળવેલાથી બોરદેવી: પદયાત્રીઓ માટે લીલી પરિક્રમાનો સૌથી કપરો અને મુશ્કેલ તબક્કો મનાય છે. કેમ કે, અહીં નળપાણીની ઘોડી શરૂ થાય છે. કઠિન ઉતાર-ચઢાણ પાર કરીને શ્રદ્ધાળુઓ જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે બોરદેવી માતાજીનામંદિરે પહોંચે છે.
  • બોરદેવીથી ભવનાથ તળેટી: બોરદેવી માતાજીનું મંદિર લીલી પરિક્રમાનો અંતિમ અને મુશ્કેલ પડાવ છે. અહીંથી ભવનાથ તળેટી આશરે 8 કિમી જેટલી દૂર છે. જ્યાં શ્રદ્ધાળુઓ પહોંચે ત્યારે આ અતિ પવિત્ર લીલી પરિક્રમાનેવિધિવત રીતે સંપન્ન માનવામાં આવે છે.

લીલી પરિક્રમાના મુખ્ય પડાવો અને ઘોડીઓ

યાત્રાળુઓની સુવિધા માટે પરિક્રમા રૂટ પર મહત્વની જગ્યાઓ પર તાજા પાણી, ભોજન અને રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે.

સ્થળ અંતર
કાળકાનો વડલો 2 km
જીણાબાવાની મઢી 2.5 km
માળવેલાની ધોડી 6 km
માળવેલાની જગ્યા 8.5 km
સુરજકુંડની જગ્યા 10.5 km
સુખનાળા 12 km
નાગદેવતાના સ્થાનક પાસે 15 km
બોરદેવી ત્રણ રસ્તા 18 km
બોરદેવીની જગ્યા 20 km

રસ્તામાં જોવા મળશે જૂનાગઢનો સૌથી મોટો ડેમ

યાત્રાળુઓ 'ઈટવા ઘોડી' થઈને ગાઢ જંગલમાંથી પસાર થાય છે અને ઝીણા બાવાની મઢી પહોંચે છે. આ સ્થળ હસનાપુર ડેમની બાજુમાં આવેલું છે, જે જૂનાગઢનો સૌથી મોટો ડેમ છે. સામાન્ય રીતે, શ્રદ્ધાળુઓ અહીં રાત વિતાવે છે. આ રૂટ પર ચંદ્ર મૂળેશ્વર મંદિર આવેલું છે. અહીં વન વિભાગની પરવાનગી વિના પ્રવેશ કરી શકતા નથી. આ સ્થળને રાણિયો કુવો તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં સિંહ દર્શન થવાની સંભાવના પણ રહે છે.

પરિક્રમા દરમિયાન સિંહ દર્શન થવાની શક્યતા ક્યાં?

ઝીણા બાવાની મઢીથી આગળનું સ્થળ માળવેલા છે, જ્યાં સુંદર મંદિર છે. યાત્રાળુઓ માટે માળવેલા પહોંચવાના બે વિકલ્પો ઉપલબ્ધ છે - સીધા માળવેલા પહોંચવું અથવા સરખડિયા હનુમાન થઈને માળવેલા પહોંચવું. ગાઢ જંગલથી ઘેરાયેલું સરખડિયા હનુમાન જૂનાગઢનું શ્રેષ્ઠ હનુમાન મંદિર માનવામાં આવે છે. અહીં યાત્રાળુઓ ઘણીવાર સિંહની ગર્જના સાંભળી શકે છે અને હરણ પણ જોઈ શકે છે. સરખડિયા હનુમાનથી સૂરજ-કુંડની મુલાકાત પણ લઈ શકાય છે.

પરિક્રમામાં આવતી ઘોડી શું છે, શા માટે ચડવી મુશ્કેલ?

માળવેલાથી બોરદેવી માળવેલા પહોંચ્યા પછી, શ્રદ્ધાળુઓ નળપાણીની ઘોડી નીચે ઉતરીને 'બોરદેવી' પહોંચે છે. 'ઘોડી' પર્વતમાળાના આકાર જેવી હોય છે, જેમાં ઉતરતા પહેલા ઊંચાઈ પર ચઢવું પડે છે. ઢાળવાળી હોવાથી આ સ્થળોએ સર્જાતા અકસ્માતોની સંખ્યા મહત્તમ હોય છે, જેથી યાત્રાળુઓએ અત્યંત સાવધાની રાખવી જરૂરી છે. બોરદેવી ભવનાથ તળેટીથી 8 કિમી દૂર આવેલું છે અને પરિક્રમાનો છેલ્લો વિસામો છે.

રૂટ પરના મહત્વના મંદિર-મસ્જિદ અને ધાર્મિક સ્થળો

અંતે, આ ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી તરફ પ્રયાણ કરે છે. પરિક્રમાનો માર્ગ અનેક મંદિરો, આશ્રમો, મસ્જિદો અને અન્ય ધાર્મિક સ્થળોમાંથી પસાર થાય છે. જેમ કે, ભવનાથ મંદિર, નેમિનાથ મંદિર, અંબા માતા મંદિર, ગુરુ દત્તાત્રેય મંદિર (10,000 પગથિયાં ઉપર) ભરતજીનો ગુફા આશ્રમો, મસ્જિદ અને જૈન દેરાસરો. ગુરુ દત્તાત્રેયને હિન્દુ ત્રિમૂર્તિ દેવતાઓ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરનું માનવ સ્વરૂપ માનવામાં આવે છે.

ગિરનાર-જૂનાગઢ કેવી રીતે પહોંચશો?

ગિરનાર જૂનાગઢ શહેરથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે.

  • રોડ માર્ગ: જૂનાગઢ ગુજરાતના અનેક શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. અહીં ગુજરાત ST બસ, ખાનગી વાહનો અને પોતાની કાર દ્વારા પહોંચી શકાય છે.
  • રેલ માર્ગ: સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન જૂનાગઢ ખાતે છે, જે ગિરનારથી 5 કિમી દૂર છે. ગુજરાતના વિવિધ જિલ્લા અને અન્ય રાજ્યોથી જૂનાગઢ આવવા માટે ટ્રેનો ઉપલબ્ધ છે.
  • હવાઈ માર્ગ: જૂનાગઢમાં એરપોર્ટ નથી. સૌથી નજીકનું એરપોર્ટ પોરબંદર ખાતે છે, જેનું અંતર આશરે 86 કિમી છે.