Gir Safari: પ્રવાસીઓની માંગને પગલે સાસણ ગીર સફારી આજથી ખુલ્લો, જાણો ટાઈમિંગ અને બુકિંગ વિશે

સફારી પાર્ક 16 ઑક્ટોબરના રોજ ખુલ્લો મૂકવામાં આવે છે, તેને આ વર્ષે એક સપ્તાહ વહેલો એટલે કે આજથી (7 ઑક્ટોબર) જ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 07 Oct 2025 09:03 AM (IST)Updated: Tue, 07 Oct 2025 01:32 PM (IST)
gir-national-park-safari-reopens-today-timings-price-booking-details
HIGHLIGHTS
  • હાયર ઓથોરિટીના આદેશ અનુસાર ગીર સહિત રાજ્યના તમામ નેશનલ સેન્ચ્યુરી પાર્ક 7 ઑક્ટોબરથી ખુલ્લા મુકાયા છે.
  • સામાન્ય રીતે 16 જૂનથી 15 ઑક્ટોબર સુધી ચાર મહિના માટે પાર્ક બંધ રાખવામાં આવે છે.

Gir National Park Safari: એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગણાતા સાસણ ગીર નેશનલ પાર્કના પ્રવાસીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સામાન્ય રીતે જે સફારી પાર્ક 16 ઑક્ટોબરના રોજ ખુલ્લો મૂકવામાં આવે છે, તેને આ વર્ષે એક સપ્તાહ વહેલો એટલે કે આજથી (7 ઑક્ટોબર) જ પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે પ્રવાસીઓ હવે દિવાળીના તહેવારો પહેલાં જ સિંહ દર્શનનો લાભ લઈ શકશે.

પાર્ક વહેલો ખોલવાના મુખ્ય કારણો

વન વિભાગના અધિકારી મોહન રામ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, હાયર ઓથોરિટીના આદેશ અનુસાર ગીર સહિત રાજ્યના તમામ નેશનલ સેન્ચ્યુરી પાર્ક 7 ઑક્ટોબરથી ખુલ્લા મુકાયા છે.

સામાન્ય રીતે 16 જૂનથી 15 ઑક્ટોબર સુધી ચાર મહિના માટે પાર્ક બંધ રાખવામાં આવે છે. આ સમયગાળો મુખ્યત્વે ચોમાસાની ઋતુનો હોય છે, જે વન્યજીવોના પ્રજનન ગાળા દરમિયાન તેમને ખલેલ ન પહોંચાડવા અને જંગલના રસ્તાઓની જાળવણી માટે જરૂરી હોય છે. જોકે, આ વર્ષે ચોમાસું લગભગ પૂરું થઈ ગયું હોવાથી, વન્યજીવ સપ્તાહની ઉજવણી અને પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

જોકે, વન વિભાગના આંતરિક સૂત્રો મુજબ, ગીર સફારી પાર્ક વહેલો ખોલવા પાછળ એક મોટું કારણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સંભવિત મુલાકાત છે. રાષ્ટ્રપતિ 10 અને 11 ઑક્ટોબર દરમિયાન ગીર જંગલની બે દિવસીય મુલાકાત લે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને પ્રોટોકોલ અને વ્યવસ્થાના ભાગરૂપે પાર્ક વહેલો ખુલ્લો મુકાયો હોવાનું માનવામાં આવે છે.

સફારી પાર્કનો સમય

પહેલો સ્લોટ સવારે 6.30થી 9.30 વાગ્યા સુધી, બીજો સ્લોટ સવારે 9.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી અને ત્રીજો સ્લોટ બપોરે 3.00 વાગ્યાથી સાંજ 6.00 વાગ્યા સુધી રહેશે.

સફારીમાં વ્હીકલ પરમિટનો ચાર્જ

સોમવારથી શુક્રવાર દરમિયાન 6 વ્યક્તિએ વ્યક્તિ દીઠ 800 રૂપિયા અને વિદેશી વ્યક્તિ દીઠ 650 રૂપિયા. સોમવારથી શુક્રવાર એક્સ્ટ્રા ચાઈલ્ડ દીઠ 100 રૂપિયા અને વિદેશી ચાઈલ્ડ દીઠ 1640 રૂપિયા. શનિવાર, રવિવાર અને તહેવારના દિવસોમાં 6 વ્યક્તિ દીઠ 1000 રૂપિયા અને વિદેશી વ્યક્તિ દીઠ 8200 રૂપિયા. શનિવાર, રવિવાર અને તહેવારના દિવસે એક્સ્ટ્રા ચાઈલ્ડ દીઠ 125 રૂપિયા અને વિદેશી વ્યક્તિ દીઠ 2050 રૂપિયા. સોમવારથી શુક્રવાર એક સ્લોટમાં 50 પરમિટ એટલે કે દિવસ દરમિયાન ત્રણ સ્લોટમાં 150 પરમિટ ઈશ્યૂ કરાશે. શનિવાર, રવિવાર અને તહેવારના દિવસોમાં એક સ્લોટમાં 60 પરમિટ એટલે કે દિવસ દરમિયાન 180 પરમિટ ઈશ્યૂ કરાશે.

ગીર જંગલ સફારી જીપ્સીના ચાર્જિસ

A કેટેગરીની 4 સિટિંગ કેપેસિટીવાળી જીપ્સીનો 2500 રૂપિયા, A કેટેગરીની 6 સિટિંગ કેપેસિટીવાળી જીપ્સીનો 3500 રૂપિયા અને A કેટેગરીની 8 સિટિંગ કેપેસિટીવાળી જીપ્સીનો 4500 રૂપિયા ચાર્જ છે.

ઓનલાઈન બુકિંગ અને અન્ય આકર્ષણો

સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓ વન વિભાગની સત્તાવાર વેબસાઈટ https://girlion.gujarat.gov.in પરથી તમામ જરૂરી માહિતી મેળવી શકે છે અને ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકે છે.

ચોમાસામાં સારો વરસાદ થતાં જંગલની સુંદરતા વધુ ખીલી ઉઠી છે. પ્રવાસીઓ અહીં સિંહ ઉપરાંત દીપડા, ઝરખ, સાબર, ચિત્તલ, નીલગાય જેવા અનેક પ્રાણીઓનું નિવાસસ્થાન છે. પક્ષીપ્રેમીઓ માટે પણ ગીર સ્વર્ગ સમાન છે, જ્યાં 300થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે.

જૂનાગઢ નજીક આવેલો ગિરનાર સફારી પાર્ક પણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે વન વિભાગે અલગ-અલગ ભાષાના તાલીમબદ્ધ ગાઈડ પણ મૂક્યા છે, જે જંગલની રોમાંચક માહિતી પૂરી પાડશે.