Diljit Dosanjh in Girnar: ગ્લોબલ પંજાબી સિંગર દિલજીત દોસાંઝ આગામી 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાના સુરોનો જાદુ પાથરવા જઈ રહ્યા છે. જોકે, આ મેગા કોન્સર્ટ પહેલાં દિલજીત ગુજરાતની સંસ્કૃતિ, પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના રંગે રંગાયેલા જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા દિલજીતે સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યા બાદ આજે (18 નવેમ્બર) વહેલી સવારે જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર બિરાજમાન મા અંબાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું.
રોપવે મારફતે પહોંચ્યો ગિરનાર, પગથિયાં ચડવાની વ્યક્ત કરી ઈચ્છા
મળતી વિગતો અનુસાર, દિલજીત દોસાંઝ આજે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોતાની ટીમ સાથે ભવનાથ તળેટી ખાતે પહોંચ્યો હતો. ત્યાંથી તે રોપવેમાં સવાર થઈને ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિર સુધી ગયો હતો. મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના અને માતાજીના દર્શન કર્યા બાદ દિલજીત ભક્તિભાવમાં લીન દેખાયો હતો. દર્શન બાદ તેણે "જય માતાજી, જય ગિરનારી"નો જયઘોષ કર્યો હતો. આ તકે તેણે પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે- દિલી ઈચ્છા તો ગિરનારના પગથિયાં ચડીને પગે ચાલીને માતાજીના દ્વારે આવવાની હતી. તેણે અંદાજે અડધો કલાકથી વધુ સમય ગિરનારના શાંત અને પવિત્ર વાતાવરણમાં વિતાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર શેર કર્યો ખાસ વીડિયો
દિલજીતે પોતાની આ આધ્યાત્મિક યાત્રાનો એક સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં તે ગિરનારની સીડીઓ પર ચાલતા અને અંબાજી મંદિરમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરતો નજરે પડે છે. રસપ્રદ વાત એ છે કે, દિલજીતે વીડિયોના કેપ્શનમાં ગિરનારના ભૌગોલિક ઈતિહાસનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે આ પર્વતની રચના આશરે 66 મિલિયન વર્ષ પહેલાં થઈ હતી. તેનો આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
કાઠિયાવાડી થાળીની મહેમાનગતિથી દિલજીત થયો ખુશખુશાલ
ગિરનાર પહેલાં મંગળવારે દિલજીતે સાસણ ગીરના જંગલમાં સફારીની મજા માણી હતી અને એશિયાટિક સિંહોને નિહાળ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેને ગુજરાતનું પ્રખ્યાત કાઠિયાવાડી ભોજન પણ દાઢે વળગ્યું હતું. કાઠિયાવાડી થાળી આરોગતી વખતનો તેનો એક રમૂજી વીડિયો પણ ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જ્યારે પીરસનાર વ્યક્તિ દ્વારા ભોજનની શરૂઆતમાં જ મીઠાઈ પીરસવામાં આવી, ત્યારે દિલજીતે હસતાં-હસતાં રમૂજ કરી હતી કે- અરે, જમવાનું શરૂ થાય તે પહેલાં જ મીઠાઈ આવી ગઈ? જો શરૂઆતમાં જ મીઠું ખાઈ લઈશું તો પછી બાકીનું ભોજન કેવી રીતે ખાઈશું? કાઠિયાવાડી વાનગીઓનો સ્વાદ માણ્યા બાદ સિંગરે ગુજરાતી મહેમાનગતિના વખાણ કરતાં કહ્યું કે, ગુજરાતનું ભોજન અત્યંત સ્વાદિષ્ટ છે અને જે લોકો હજુ સુધી ગુજરાત નથી આવ્યા તેમણે અહીં આવીને આ અદભૂત સ્વાદની મજા ચોક્કસ લેવી જોઈએ.
'ઓરા ઈન્ડિયા ટૂર 2026' અંતર્ગત દેશભરમાં ધૂમ
ઉલ્લેખનીય છે કે દિલજીત દોસાંઝ હાલ પોતાની 'ઓરા ઈન્ડિયા ટૂર 2026' (Aura India Tour 2026) અંતર્ગત ભારતના વિવિધ મહાનગરોમાં લાઈવ કોન્સર્ટ કરી રહ્યો છે. 21 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઐતિહાસિક શો કર્યા બાદ તે 27 નવેમ્બરે મુંબઈ, 29 નવેમ્બરે બેંગલુરુ અને 5 ડિસેમ્બરે લખનઉમાં પોતાના ચાહકોને ઝૂમાવશે.
