જિયોની ધમાકેદાર એન્ટ્રીથી ઝૂમી ઉઠ્યું ધીરુભાઈનું વતન ચોરવાડ! 25 હજાર લોકોએ માણ્યું ભોજન અને લોકડાયરાની જમાવટ કરી

ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં જિયો પ્લેટફોર્મ્સના ઐતિહાસિક લિસ્ટિંગની ભવ્ય ઉજવણી. 25 હજારથી વધુ લોકો માટે સમૂહ ભોજન અને લોકડાયરો યોજાયો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 29 Oct 2026 04:50 PM (IST)Updated: Thu, 29 Oct 2026 04:50 PM (IST)
chorwad-celebrates-jio-platforms-listing-with-grand-festivities

Celebration of Jio Share Listing: જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઇશ્યુનું 21 ટકા કરતાં વધારે પ્રીમિયમ સાથે ધમાકેદાર અને ઐતિહાસિક લિસ્ટિંગ થતાં ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડ ખાતે દ્વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે રાત્રે ચોરવાડમાં 25,000 કરતાં વધારે ગ્રામજનો માટે સમૂહ પ્રીતિભોજન અને ત્યારબાદ ગુજરાતના ખ્યાતનામ લોકસાહિત્યકારોનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ પ્રસંગે અંબાણી પરિવારના પ્રતિનિધિ તરીકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

1995ની ચોરવાડ મુલાકાત અને જૂની યાદો તાજી થઈ

કાર્યક્રમોની ઉજવણી દરમિયાન ચોરવાડવાસીઓને અંબાણી પરિવારના જ સભ્ય હોવાની અનુભૂતિ કરાવતાં પરિમલ નથવાણીએ ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે ધીરુભાઈ અને કોકિલાબેન સાથે વર્ષ 1995માં ચોરવાડ અને કુકસવાડાની ત્રિ-દિવસીય મુલાકાતને યાદ કરી હતી, તેમજ તે સમયના સાથીઓ અને સાક્ષીઓને પણ મંચ પરથી આદરપૂર્વક સંબોધ્યા હતા.

naidunia_image

"ધીરુભાઈનું સપનું મુકેશભાઈ અને નવી પેઢીએ સાકાર કર્યું"

અત્યંત ભાવુક સ્વરે પરિમલ નથવાણીએ જણાવ્યું કે- ધીરુભાઈના ડ્રીમ પ્રોજેક્ટ સમી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જે રીતે વૈશ્વિક હરણફાળ ભરી છે, તે જ રીતે તેમના સ્વપ્ન એવા જિયો પ્લેટફોર્મ્સે પણ વૈશ્વિક સ્તરે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. અંબાણી પરિવારના મોભી મુકેશભાઈ અને તેમના સંતાનો— આકાશ, ઈશા અને અનંતે આ સપનાને અકલ્પનીય પ્રગતિ સાથે સાકાર કર્યું છે, જે માત્ર અંબાણી પરિવાર જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.

તેમણે ઉમેર્યું કે, રિલાયન્સના આઈપીઓ વખતે રોકાણકારોએ ધીરુભાઈ પર જે વિશ્વાસ મૂક્યો હતો, તે જ અકબંધ વિશ્વાસ આજે જિયોના ધમાકેદાર લિસ્ટિંગ પરથી સાબિત થાય છે.

વતન પ્રત્યેનો પ્રેમ અને પેઢી દર પેઢી જળવાયેલો વારસો

પરિમલ નથવાણીએ યાદ અપાવ્યું કે- ધીરુભાઈ જ્યારે રિલાયન્સનો આઈપીઓ લાવ્યા ત્યારે તેમણે ચોરવાડવાસીઓને શેર આપવાથી લઈ તેમની તમામ નાની-મોટી ખુશીઓમાં સહભાગી બનાવ્યા હતા. આજે જિયો પ્લેટફોર્મ્સની સફળતામાં પણ અંબાણી પરિવારની બીજી અને ત્રીજી પેઢીએ સંયુક્ત રીતે વતનની પરંપરા જાળવી રાખી છે.

આ ઉપરાંત તેમણે વર્ષ 2017થી કાર્યરત ધીરુભાઈ અંબાણી મેડિકલ અને કોમ્પ્યુટર સેન્ટર, એચ.જી.અંબાણી ગર્લ્સ હાઇસ્કૂલ તથા કુકસવાડામાં નવનિર્મિત એચ.જી.અંબાણી હાયર સેકન્ડરી સ્કૂલ સહિતની સુવિધાઓનો ઉલ્લેખ કર્યો હતો.

naidunia_image

રાજભા ગઢવી, ઉર્વશીબેન અને હિતેશ અંટાળાએ જમાવટ કરી

અંતમાં, પરિમલ નથવાણીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની તક આપવા બદલ અંબાણી પરિવારનો આભાર માન્યો હતો તથા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રિલાયન્સ પરિવાર વતી વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

naidunia_image

કાર્યક્રમમાં 25,000થી વધુ ગ્રામજનોએ સમૂહ પ્રીતિભોજન માણ્યું હતું. ત્યારબાદ યોજાયેલા લોકડાયરામાં જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવી અને ઉર્વશીબેન રાદડિયાએ પોતાની આગવી શૈલીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે હાસ્ય કલાકાર હિતેશ અંટાળાએ પોતાની તળપદી હાસ્ય રજૂઆતથી સૌને ખડખડાટ હસાવ્યા હતા. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા તથા ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

naidunia_image

naidunia_image