Jio IPO Listing Ceremony: અનંત અંબાણીની સ્પીચ વખતે રડી પડ્યા મુકેશ અંબાણી, વાંચો એવું તે શું કહ્યું

અનંત અંબાણીએ દાદા સ્વ. ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીના સંઘર્ષ અને વિઝનને યાદ કરીને જણાવ્યું હતું કે, જિયો માત્ર એક બ્રાન્ડ નથી પરંતુ ભારત આશીર્વાદ અને દરેક ભારતીયના સપનાનું પ્રતીક છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 28 Oct 2026 11:39 AM (IST)Updated: Wed, 28 Oct 2026 12:41 PM (IST)
jio-ipo-listing-ceremony-anant-ambani-emotional-speech-mukesh-ambani-nse
અનંત અંબાણીનું ભાષણ NSE

Jio IPO Listing Ceremony: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (Jio Platforms Limited) ના ઐતિહાસિક લિસ્ટિંગ સમારોહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ ખૂબ જ ભાવુક, પ્રેરણાદાયી અને દિલ જીતી લે તેવું સંબોધન કર્યું હતું. તેમણે બિઝનેસને 'પૂજા' ગણાવીને જિયોની સફળતાનો શ્રેય દેશના 53 કરોડ ગ્રાહકો, ગ્રાઉન્ડ સ્ટાફ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના વિઝનને આપ્યો હતો. દિલ જીતી લે તેવા અનંત અંબાણીના સંબોધન પર મુકેશ અંબાણી રડી પડ્યા હતા. સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉડ્યો હતો.

અનંત અંબાણીએ દાદા સ્વ. ધીરુભાઈ અંબાણી અને પિતા મુકેશ અંબાણીના સંઘર્ષ અને વિઝનને યાદ કરીને જણાવ્યું હતું કે, જિયો માત્ર એક બ્રાન્ડ નથી પરંતુ ભારત આશીર્વાદ અને દરેક ભારતીયના સપનાનું પ્રતીક છે.

અનંત અંબાણીના સંબોધનની મુખ્ય વાતો

મંચ પર ઉપસ્થિત તમામ આદરણીય વડીલો, અમારા અતિ મૂલ્યવાન શેરહોલ્ડર્સ, સ્ટોક એક્સચેન્જના સાથીઓ, ભાગીદારો અને મિત્રો, આપ સૌને મારા સાદર પ્રણામ અને જય શ્રી કૃષ્ણ.

આજે મારા સંબોધનની શરૂઆત હું એ શબ્દથી કરવા માંગુ છું જે આજે સૌથી વધુ મહત્વ ધરાવે છે, 'આભાર'. જિયો પર વિશ્વાસ મૂકનારા અને આજનો આ ઐતિહાસિક દિવસ શક્ય બનાવનારા લાખો લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર.

આજે એક્સચેન્જ પર વાગતી આ ઘંટડી મારા માટે કોઈ મંદિરની ઘંટડી સમાન છે. કારણ કે મારા માટે બિઝનેસ એ પૂજા છે અને દરેક પૂજાનો અંત પ્રસાદથી થાય છે. અમે આ દિવસ ભગવાન ગણેશજી, દ્વારકાનાથજી, શ્રીનાથજી, બાલાજી અને જીવંત દેવી ભારત માતાના ચરણોમાં અર્પણ કરીએ છીએ. પ્રસાદ હંમેશા વહેંચવામાં આવે છે, અને આજે જિયો સમગ્ર ભારત સાથે વહેંચાઈ રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, ભારતની સૌથી મોટી મૂડી તેના સપના છે. અહીં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે. અહીં હાથ ખાલી હોઈ શકે છે પરંતુ આંખો ક્યારેય ખાલી નથી હોતી.

વર્ષો પહેલા ચોરવાડના એક સાધારણ ઘરથી પણ એક સપનું નીકળ્યું હતું. એક છોકરો જે એડનમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો. ના પૈસા હતા, ના કોઈ ઓળખાણ. અમારા આદરણીય દાદાજી ધીરુભાઈ અંબાણીએ દુનિયાને બતાવ્યું કે એક સાધારણ ભારતીય પણ અસાધારણ સપનું જોઈ શકે છે.

ત્યારબાદ અમારા પિતાજીએ સપનું જોયું કે ભારત દુનિયામાં કોઈનાથી પાછળ નહીં રહે. જામનગરની બંજર કહેવાતી જમીન પર તેમણે દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ઊભી કરીને બતાવી. તેમણે સાબિત કર્યું કે જ્યારે ભારત કંઈક બનાવે છે ત્યારે આખી દુનિયા જુએ છે.

પછી આવ્યું નવું ભારત, યુવા ભારત અને એક નવું સપનું – દરેક હાથમાં ઈન્ટરનેટ અને દરેક ગામમાં આખી દુનિયા! આ સપનાનું નામ હતું Jio. આ સપનાનું બીજ ઈશા દીદીએ વાવ્યું અને આકાશ ભાઈએ તે બીજને પોતાનું સપનું બનાવી લીધું.

Jio ને આખા દેશે આશીર્વાદ આપ્યા. માએ કહ્યું 'જિયો મારા લાલ', દાદીએ કહ્યું 'જુગ જુગ જિયો', અને દોસ્તોએ કહ્યું 'જિયો યાર'. Jio કદાચ દુનિયાનું પહેલું એવું નામ છે જે પોતે એક આશીર્વાદ છે.

જ્યારે કોરોના સમયે આખી દુનિયા રોકાઈ ગઈ હતી, સ્કૂલો બંધ થઈ પરંતુ ભણતર ના રોકાયું. બેટો ઘર છોડીને શહેર ગયો પરંતુ મા દૂર ના થઈ – શાકભાજી કેટલી વાર ચડાવવાની છે તે માએ વિડીયો કોલ પર શાકનો રંગ જોઈને બતાવી દીધું. આજે ભગવાનના દિવ્ય દર્શન પણ ઘરે બેઠા મેળવવાનું સૌભાગ્ય મળે છે. એક નાના શહેરની છોકરી, એક મોબાઈલ ફોન અને લાખો લોકો તેને સાંભળવા લાગ્યા – આજે તેમને ઈન્ફ્લુએન્સર કહેવાય છે. હજારો માઈલ દૂર સરહદ પર ઊભેલો જવાન વિડીયો કોલ પર ઘરે બોલ્યો 'મા હું ઠીક છું'. મુંબઈનો મોટો ડોક્ટર રાજસ્થાનના પાલીના ગંભીર દર્દીને જીવતદાન આપી રહ્યો છે – વચમાં બસ એક કનેક્શન Jio!

Jio આંખે દેખાતું નથી પરંતુ ભારતના દરેક ડિજિટલ સપનામાં ધડકે છે. Jio પર ભરોસો કરનારા Jio પરિવારના 53 કરોડ સભ્યોને અમારું સૌથી પહેલાં સાદર નમન. Jio તમે બનાવ્યું છે, અને તમારા સપના પૂરા કરવા એ જ અમારું સપનું છે.

આજે ઈશા દીદી, આકાશ ભાઈ અને હું તમારી સામે ત્રણ શરીર પરંતુ એક આત્મા બનીને ઊભા છીએ. રિલાયન્સ નવા સપના જોવાનું ચાલુ રાખશે, પરંતુ તેના મૂળિયાં એ જ રહેશે: મારા દાદાજીનું સપનું, મારા દાદીના આશીર્વાદ, મારા પિતાનું માર્ગદર્શન અને મારી માતાના નમ્રતા તથા સંભાળના સંસ્કાર.

જિયો પરિવારના દરેક સભ્ય – ફીલ્ડ ટીમ, વરસાદ અને તાપમાં ટાવર પર ચડતા ટેકનિશિયનો, એન્જિનિયરો, સર્વિસ સ્ટાફ, સ્ટોર ટીમો અને અમારા તમામ રિટેલ ભાગીદારો – આજે Jio જે કંઈ પણ છે તે આપ સૌની મહેનતને કારણે છે. આ દિવસ તમારો છે.

અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીજીનો ખૂબ ખૂબ આભાર, જેમના ડિજિટલ ઈન્ડિયાના વિઝને જિયોને તેનો ઉદ્દેશ્ય આપ્યો. આદરણીય મોદીજી, આપને અમારા કોટી કોટી પ્રણામ.

મને પૂરો વિશ્વાસ છે કે આવનારો કાલ ભારતનો છે અને ભારતનો કાલ તેના યુવાનોનો છે. વિકસિત ભારતના આ સપનાને સાચું કરવામાં અમે સૌથી આગળ ઊભેલા મળીશું.