Bhesan Gram Panchayat Election 2026: ગ્રામ પંચાયતની આગામી ચૂંટણીના ભણકારા વાગતા જ ભેસાણ પંથકના ગામડાઓમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને સરપંચ પદના દાવેદારોએ અત્યારથી જ લોબિંગ શરૂ કરી દીધું છે. આ દરમિયાન જુનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ચૌધરી (IAS) દ્વારા ભેસાણ તાલુકાની ગ્રામ પંચાયતો માટે અનામત બેઠકોની ફાળવણીનું આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-6 હેઠળ 03 નવેમ્બર 2026ના રોજ આ મહત્વપૂર્ણ હુકમ બહાર પાડવામાં આવ્યો છે.
50% મહિલા અનામત અને 27% SEBC બેઠકોનો અમલ
કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા હુકમ મુજબ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં મહિલાઓ માટે 50% અનામતની જોગવાઈનો અમલ કરવામાં આવ્યો છે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC/OBC) માટે 27% સુધીની અનામત બેઠકોની જોગવાઈ ફાળવવામાં આવી છે. આ તમામ અનામત અને બેઠકોની વારાફરતી ફાળવણી સને 2011ની વસ્તી ગણતરીના આંકડાકીય વિગતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવી છે.
ભેસાણ તાલુકાની 37 ગ્રામ પંચાયતોમાં કુલ 316 બેઠકોનું વર્ગીકરણ
ભેસાણ તાલુકા હેઠળ આવતી 37 ગ્રામ પંચાયતોમાં સભ્યોની કુલ 316 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોનું વર્ગીકરણ નીચે મુજબ છે-
- અનુસૂચિત જાતિ (SC):કુલ 40 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાંથી 14 બેઠકો અનુસૂચિત જાતિની મહિલાઓ માટે અનામત રહેશે.
- અનુસૂચિત આદિજાતિ (ST):કુલ 1 બેઠક નક્કી કરવામાં આવી છે, જે ST મહિલા માટે અનામત રહેશે.
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC):કુલ 74 બેઠકો ફાળવવામાં આવી છે, જેમાં 40 બેઠકો SEBC મહિલાઓ માટે અનામત રખાઈ છે.
- બિન અનામત (સામાન્ય):કુલ 188 બેઠકો સામાન્ય વર્ગ માટે છે, જેમાંથી 105 બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
2011ની વસ્તી ગણતરીના આધારે ત્રીજી સામાન્ય ચૂંટણી માટે ઉપયોગ
આ જાહેરનામું સને 2011ની વસ્તી ગણતરી બાદ થયેલ વોર્ડ રચના અને સીમાંકન આધારિત ત્રીજી સામાન્ય ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવશે. અગાઉ સને 2021ના હુકમ કે 2025ના સુધારા હુકમથી ફાળવેલ બેઠકો બાદ જો બીજી સામાન્ય ચૂંટણી યોજાયેલ ન હોય અથવા બેઠકોનો ઉપયોગ થયેલ ન હોય, તો સૌપ્રથમ સને 2021ના હુકમ અને 2025ના સુધારા મુજબની બેઠકોનો ઉપયોગ કરવાનો રહેશે.
મામલતદાર અને વહીવટીતંત્રને સૂચના
આ જાહેરનામું કચેરીના નોટિસ બોર્ડ ઉપર તથા ભેસાણ તાલુકાના તમામ ગામોમાં પ્રસિદ્ધ કરવા માટે મામલતદાર ભેસાણ સહિતના સ્થાનિક અધિકારીઓને અહેવાલ મોકલવા આદેશ અપાયો છે. આ ઉપરાંત રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી જુનાગઢ, પ્રાંત અધિકારી વિસાવદર અને તાલુકા વિકાસ અધિકારી ભેસાણ સહિતના સંબંધિત તંત્રને નકલ રવાના કરવામાં આવી છે.
