Junagadh Fair: જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં મોટી સંખ્યામાં નાગા સાધુ ઉપરાંત વિવિધ પંથ અને સંપ્રદાયના સાધુ મહાદેવની આરાધના કરવા માટે ભવનાથ પહોંચી રહ્યાં છે. માત્ર ભારતમાંથીજ નહીં પરંતુ વિદેશમાંથી પણ અનેક નાગરિકો અહીં આવ્યા છે અને સાધુ બન્યા છે. આવાજ એક સાધુ અમેરિકાના રોબર્ટ જોસેફ છે. જેઓ સનાતન ધર્મ અપનાવીને સાધુ-સંતો પાસેથી ધર્મનું જ્ઞાન મેળવી રહ્યાં છે.
અહીં અલગજ અનુભૂતિ થાય છે
ભવનાથ મેળામાં આવેલા અમેરિકાના સન્યાસીએ જણાવ્યું છે, 'હું અમેરિકાનો છું અને મારું નામ રોબર્ટ જોસેફ છે. હું પહેલીવાર શિવરાત્રીમાં અહીં આવ્યો છું. આ એક અદભૂત સ્થળ છે. અહીં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને એક અલગજ અનુભૂતિ થાય છે. હું બીજીવાર ગુજરાત આવ્યો છું. હું 2020માં ગુજરાત આવ્યો હતો અને હવે ત્રણ વર્ષ પછી 2023માં પાછો ગુજરાત આવ્યો છું. આ વખતે મે ભવનાથના મેળામાં ભાગ લીધો છે. ગીરનાર ચઢ્યો છું. દતાત્રય ગયો છું અને સાધુ સંતો પાસેથી ભારતીય સંસ્કૃતિ અને ધર્મ અંગે જ્ઞાન મેળવી રહ્યો છું.'
રોબર્ટ જોસેફ અમેરિકાના શિકાગો શહેરમાં રહે છે. સાધુ બન્યા એ પહેલા તેઓ એક યોગગુરુ અને ગિટાર વાદક હતા. તેઓ અઠવાડિયામાં ત્રણ દિવસ યોગના ક્લાસ ચલાવતા હતા. તેમણે મહંત દીપકભારતી પાસેથી ગુરુ દક્ષિણા લીધી છે. સાધુ બનવા પાછળનું કારણ એ છેકે તેઓ જ્યારે નાના હતા ત્યારે મંદિરમાં જતા હતા. શ્રી રામ જય રામ જય જય રામ સહિતની ધૂનો વગાડતા હતા. ધીમે ધીમે તેઓ સનાતન ધર્મથી પ્રભાવિત થતા ગયા અને આ વર્ષે ગુજરાત આવ્યા ત્યારે ખાસ શિવરાત્રીમાં ભાગ લેવા અહીં પહોંચ્યા હતા.
રોમના નાગરિક સનાતન ધર્મ અપનાવી સાધુ બન્યા
મૂળ ઈટાલીના રોમ શહેરના વિદેશી નાગરિક છેલ્લા ચાર વર્ષથી સનાતન ધર્મ અપનાવી સાધુ બની ગયા છે. તેમણે જણાવ્યું હતું કે તમામ ધર્મનું મૂળ સનાતન ધર્મ છે. તેમણે પોતાનું નામ શિવાની ભારતી અને અમર ભારતી જણાવ્યું હતું. ભારતમાં યોજાતા કુંભ મેળાનું અનેરુ આધ્યાત્મિક મહત્વ રહેલું છે. ત્યારે ભવનાથમાં યોજાતા શિવરાત્રીના મેળાને મીની કુંભ પણ માનવામાં આવે છે. જેના કારણે આ વિદેશી ભક્તો પહેલી વખત જૂનાગઢના મેળામાં આવ્યા છે.
