જૂનાગઢ મનપાના અધિકારી હરસુખ રાદડિયા સામે ACBનો સકંજો, 1.74 કરોડની અપ્રમાણસર મિલકત મામલે ગુનો દાખલ

એસીબીની એફઆઈઆર મુજબ, હરસુખ રાદડિયા સામે વર્ષ 2020માં અમદાવાદ એસીબીને એક ગુપ્ત અરજી મળી હતી. આ અરજીના આધારે તપાસ જૂનાગઢ એસીબીને સોંપવામાં આવી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 10:33 AM (IST)Updated: Wed 31 Dec 2025 10:33 AM (IST)
acb-arrests-junagadh-municipal-corporation-officer-harsukh-radadiya-files-case-in-disproportionate-assets-worth-rs-1-74-crore-665165

Junagadh News: જૂનાગઢ મહાપાલિકાના મેલેરિયા વિભાગમાં બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી હરસુખ રાદડિયા ભ્રષ્ટાચારના ગંભીર આરોપોમાં ઘેરાયા છે. જૂનાગઢ એસીબી (Anti-Corruption Bureau) દ્વારા કરવામાં આવેલી તપાસમાં અધિકારી પાસે તેમની કાયદેસરની આવક કરતા 62.8 ટકા વધુ એટલે કે આશરે ₹1.74 કરોડની બેહિસાબી મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે એસીબીના પી.આઈ. જે.બી. કરમુર દ્વારા સત્તાવાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તપાસનો સમયગાળો અને કલેક્શનની વિગતો

એસીબીની એફઆઈઆર મુજબ, હરસુખ રાદડિયા સામે વર્ષ 2020માં અમદાવાદ એસીબીને એક ગુપ્ત અરજી મળી હતી. આ અરજીના આધારે તપાસ જૂનાગઢ એસીબીને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીના વર્ષ 2009 થી 2021 સુધીના 12 વર્ષના 'ચેક પીરીયડ'નું અવલોકન કરવામાં આવ્યું હતું. આ સમયગાળામાં તેઓ જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પંચાયતની મેલેરિયા શાખામાં પણ કાર્યરત હતા.

62.8 ટકા વધુ મિલકતનો ખુલાસો

તપાસ દરમિયાન એસીબીએ CBIની ગાઈડલાઈન મુજબ એ.બી.સી.ડી. પત્રકો તૈયાર કર્યા હતા. જેમાં નીચે મુજબની વિગતો ચકાસવામાં આવી હતી:

  • અધિકારીના પગાર-ભથ્થાની આવકના સ્ત્રોતો.
  • બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ અને નાણાકીય લેવડદેવડ.
  • સબ રજીસ્ટ્રાર કચેરીમાં અધિકારી અને તેમના પરિવારના નામે નોંધાયેલી મિલકતોના દસ્તાવેજો.

આ તમામ વિગતોના આધારે જાણવા મળ્યું કે અધિકારીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી કુલ ₹1,74,32,085 ની અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી છે. જ્યારે અધિકારીને આ સંપત્તિ અંગે સંતોષકારક ખુલાસો પૂછવામાં આવ્યો, ત્યારે તેઓ નિષ્ફળ રહ્યા હતા.

ફાયનાન્સીયલ એડવાઈઝરની નિગરાનીમાં કાર્યવાહી

એસીબી બ્યુરોના ફાયનાન્સીયલ એડવાઈઝરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા અહેવાલ બાદ આખરે ભ્રષ્ટ અધિકારી સામે ગાળિયો કસાયો છે. હાલમાં આ હાઈ-પ્રોફાઈલ કેસની ઊંડાણપૂર્વકની તપાસ પી.આઈ. બી.કે. ગમારને સોંપવામાં આવી છે. આ ઘટનાએ જૂનાગઢ મહાપાલિકા અને સરકારી તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. આવનારા દિવસોમાં આ મિલકતો ક્યાંથી અને કેવી રીતે મેળવવામાં આવી તે અંગે વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.