Junagadh News: જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ઇટાળીમાં એક લગ્નપ્રસંગમાં બબાલ થઇ હતી. ગુલાબ જાંબુ ખાલી થઇ જતાં બે જૂથ સામસામે આવી ગયા હતા. નાની અમથી વાતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધોકા અને લાકડીઓ ઉછળી હતી. મારામારીની ઘટનામાં બન્ને ગ્રૂપના 35 લોકો વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, મેંદરડાના ઇટાળીમાં લગ્ન પ્રસંગમાં જમણવાર ચાલી રહ્યો હતો. જે દરમિયાન ઇટાળીના પ્રવિણ વાળા ગુલાબ જાંબુ લેવા ગયા હતા. ત્યારે સામેવાળા શૈલેશ પરમારે ગુલાબ જાંબુ ખતમ થઇ ગયા હોવાનું જણાવ્યું હતું. ગુલાબ જાંબુ ખતમ થઇ ગયા હોવાની વાતનું પ્રવિણ વાળાને લાગી આવ્યું હતું અને તેણે શૈલેશ પરમાર સાથે બોલાચાલી થઇ હતી. બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાત ગાળાગાળી સુધી પહોંચી હતી. જોકે જે-તે સમયે મામલો શાંત પડી ગયો હતો.
લગ્ન પ્રસંગ પૂર્ણ થતાંજ સાંજે બન્ને પક્ષના લોકો એકત્ર થયા હતા અને ધોકા અને લાકડી વડે મારામારી કરી હતી. મારામારીની આ ઘટનામાં દિનેશ પરમારે પ્રવિણ વાળા સહિત 15 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ પ્રવિણ વાળાએ પણ દિનેશ પરમાર સહિત 20 સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
