Vantara Jamnagar: જામનગર ખાતે આવેલ વનતારા દ્વારા 26થી 29 ઓક્ટોબર દરમિયાન 'યુરેશિયન રિજનલ એસોસિએશન ઓફ ઝૂ એન્ડ એક્વેરિયમ્સ' (EARAZA)ની વાર્ષિક કોન્ફરન્સ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વન્યજીવ સંરક્ષણ માટે વૈશ્વિક ભાગીદારીનું સુદ્રઢીકરણ થીમ આધારિત આ પરિષદમાં 30 દેશોની 98 આંતરરાષ્ટ્રીય અને ભારતની 29 ઝૂઓલોજિકલ સંસ્થાઓના અગ્રણીઓ, વેટરનરી ડૉક્ટર્સ, વૈજ્ઞાનિકો અને વન્યજીવ સંરક્ષકો એક મંચ પર એકત્રિત થયા છે.
સંગીતમય પ્રસ્તુતિ અને પરંપરાગત દીપપ્રાગટ્ય સાથે ઉદ્ઘાટન
કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ત્રણ વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર અને પર્યાવરણવિદ્ રિકી કેજ દ્વારા સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ EARAZAના પ્રમુખ સ્વેત્લાના અકુલોવા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સના પ્રો. રમણ સુકુમાર, અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના સભ્ય સચિવ ડૉ. વી. ક્લેમેન્ટ બેન દ્વારા દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
વનતારા તરફથી EARAZA સભ્યોને ‘ANTZ’ સોફ્ટવેરની ભેટ
પ્રતિનિધિઓનું સ્વાગત કરતાં વનતારાના CEO વિવાન કરાણીએ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે તમામ EARAZA સભ્યોને એક વર્ષ માટે 'ANTZ સોફ્ટવેર પ્લેટફોર્મ' વિનામૂલ્યે આપવાની ઘોષણા કરી. 'ANTZ' એ ઝુઓલોજિકલ સંસ્થાઓના સંચાલન માટેનું એક સુરક્ષિત ક્લાઉડ પ્લેટફોર્મ છે, જે 'ઓપન ડેટા એક્સચેન્જ' દ્વારા સભ્યો વચ્ચે માહિતીની સરળ આપ-લે સુનિશ્ચિત કરે છે.

દિગ્ગજોના મહત્વપૂર્ણ વક્તવ્ય
વનતારાના CEO, વિવાન કરાણીએ જણાવ્યું કે, વનતારાનો અર્થ થાય છે 'વનનો તારો'. પરંતુ એક જ તારો સમગ્ર આકાશને પ્રકાશિત કરી શકતો નથી; તેના માટે સમગ્ર નક્ષત્રમંડળની જરૂર પડે છે. અમે અહીં માત્ર અમે જે નિર્માણ કર્યું છે તેની માહિતી આપવા નથી આવ્યા, પરંતુ તમારી પાસેથી શીખવા અને સહયોગ સાધવા આવ્યા છીએ.
EARAZAના પ્રમુખ સ્વેત્લાના અકુલોવા પોતાના વક્તવ્યમાં કહ્યું કે, આજના સમયમાં વન્યજીવ સંરક્ષણ રાષ્ટ્રીય સરહદો સુધી સીમિત રહી શકે નહીં. જ્યારે સંસ્થાઓ ડેટા અને નિપૂણતાની વહેંચણી કરે છે, ત્યારે દરેક પ્રોજેક્ટ વધુ મજબૂત બને છે."
એશિયાઈ હાથી ઈકોલોજિસ્ટના પ્રો. રમણ સુકુમારે કહ્યું કે, હાથીઓએ મને શીખવ્યું છે કે સંરક્ષણ એ એક લાંબી સફર છે, જે ધીરજપૂર્વકના વિજ્ઞાન અને અનુભવોની વહેંચણીથી ચાલે છે. ભારતમાં વૈશ્વિક સમુદાયને આ ઉદ્દેશ્ય સાથે એકત્ર થયેલો જોવો પ્રોત્સાહક છે.
CZAના સભ્ય સચિવ, ડૉ. વી. ક્લેમેન્ટ બેને કહ્યું કે, ઝુઓલોજિકલ સંસ્થાઓ સંરક્ષણ, સંશોધન અને જાગૃતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પરિષદ પ્રાણી કલ્યાણના ધોરણોને ઉચ્ચ સ્તરે લઈ જવામાં મદદરૂપ થશે.
વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ અને આધુનિક પડકારો પર મંથન
પરિષદ દરમિયાન અમુર વાઘ, ઓરિએન્ટલ સ્ટોર્ક, બ્લેકિસ્ટન્સ ઇગલ-આઉલ, ગ્રેટ બસ્ટાર્ડ, બોઇગા સાપ અને હેજહોગ જેવા દુર્લભ જીવોના પુનઃસ્થાપન અંગે સરહદપારના કાર્યક્રમો પર ચર્ચા થઈ રહી છે.
આ ઉપરાંત, એશિયાના 'એલિફન્ટ ડૉક્ટર' તરીકે જાણીતા પદ્મશ્રી ડૉ. કે. કે. શર્માએ માનવ-વન્યજીવ સંઘર્ષ અંગે, મોસ્કો ઝૂના ચીફ વેટરનરી ઓફિસરે ધ્રુવીય રીંછ (Polar Bear)ના સંરક્ષણ અંગે અને ટેલિવિઝન પ્રેઝન્ટર ફોરેસ્ટ ગાલાન્ટે માસ મીડિયા દ્વારા જાગૃતિ ફેલાવવા અંગે પોતાના અનુભવો શેર કર્યા હતા.
વિચારોના મુક્ત આદાન-પ્રદાન માટે વિશેષ ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ
પરિષદમાં મુક્ત સંવાદ માટે ખાસ ત્રણ મંચ તૈયાર કરવામાં આવ્યા છે-
- ધ એલિફન્ટ ઇન ધ રૂમ (વિડિયો બૂથ): સંવેદનશીલ અને જટિલ પ્રશ્નોના જવાબો રેકોર્ડ કરવા માટે.
- ધ સોલ્યુશન સ્ટેશન: રેસ્ક્યુ, જીનેટિક્સ, બાયોસિક્યોરિટી અને પશુ કલ્યાણના પ્રશ્નો પર નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવા.
- ઇનોવેશન ઇન એક્શન: વિવિધ સંસ્થાઓ દ્વારા અમલમાં મુકાયેલા નાવીન્યપૂર્ણ વિઝન શેર કરવા માટે.
પ્રદર્શન ક્ષેત્ર: અદ્યતન ટેકનોલોજી અને આદિવાસી સંસ્કૃતિનો સંગમ
કોન્ફરન્સના પ્રદર્શન વિભાગમાં 7 દેશોના 13 પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. જેમાં કાર્લ સ્ટોર્ઝ, IDEXX, ઇન્વેન્ટા સિસ્ટમ્સ, સિગટ્યુપલ (AI માઇક્રોસ્કોપી), IMV ઇમેજિંગ અને ડેનઇન્જેક્ટ જેવી ગ્લોબલ કંપનીઓએ અત્યાધુનિક પશુચિકિત્સા સાધનો પ્રદર્શિત કર્યા છે. આ સાથે 'ટ્રાઇબ્સ ઇન્ડિયા' દ્વારા પરંપરાગત આદિવાસી હસ્તકળાનું પ્રદર્શન પણ યોજાયું છે.
વનતારા પેવેલિયનમાં ANTZ પ્લેટફોર્મના નવા ટૂલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે
Vespr: AI-આધારિત બાયોએકોસ્ટિક મોનિટર.
Smart Egg Analysis: ઇંડાનું માપ, કેન્ડલિંગ અને ધબકારા તપાસવાની ટેકનોલોજી.
Belt-Worn NFC Device: પ્રાણીઓની સંભાળના રાઉન્ડ્સની સરળ નોંધ રાખવા માટેનું બેલ્ટ ઉપકરણ.
6 મહાનુભાવોને ‘લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ્સ’ એનાયત
આ કોન્ફરન્સ દરમિયાન 'ઇન્ડિયન ઝુ યર બુક' (વોલ્યુમ 11, 2026)નું વિમોચન કરવામાં આવ્યું હતું. 29 ઓક્ટોબરના રોજ સમાપન સમારોહમાં વનતારા દ્વારા વન્યજીવ ક્ષેત્રે અપ્રતિમ યોગદાન આપનાર છ મહાનુભાવોને 'લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ્સ' એનાયત કરવામાં આવશે-
- સ્વેત્લાના અકુલોવા (જનરલ ડિરેક્ટર - મોસ્કો ઝૂ, પ્રમુખ - EARAZA)
- રેને ફ્રેનેક (સ્થાપક/ડિરેક્ટર - ક્લેબી ઝૂ, ચેક રિપબ્લિક)
- અઝેર હુસેનોવ (ડિરેક્ટર - બાકુ ઝૂ, ઉપપ્રમુખ - EARAZA)
- એસ. સી. શર્મા (સ્થાપક સભ્ય સચિવ - CZA, ભારત)
- ડૉ. ડી. એન. સિંહ (પૂર્વ CZA સભ્ય સચિવ, ભારત)
- બી. એસ. બોનાલ (પૂર્વ CZA સભ્ય સચિવ, ભારત)
સાંજે 2027ના આગામી યજમાનને EARAZAનો ધ્વજ સોંપવાની ઔપચારિક વિધિ સાથે આ 4-દિવસીય મહાસંમેલન સંપન્ન થશે.
