જામનગરમાં 'સ્વદેશી હસ્તકલા હાટ'નો પ્રારંભ: શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ ખરીદી કરી, ઓનલાઇન પેમેન્ટ ચૂકવ્યું

આ મેળાનો સમય દરરોજ સવારે 11 કલાક થી રાત્રિના 9 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.17 ઓક્ટોબર 2026 સુધી રાજ્યના વિવિધ 16 જિલ્લાના કારીગરો દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી વસ્તુઓની એક જ સ્થળેથી ખરીદી કરી શકાશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 11 Oct 2026 04:53 PM (IST)Updated: Sun, 11 Oct 2026 04:53 PM (IST)
swadeshi-hastkala-haat-opens-at-jamnagar-exhibition-ground-rivaba-jadeja-shops-and-makes-digital-payment

Jamnagar Swadeshi Hastkala Haat 2026: ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશ્નર, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ કાર્યરત ઈન્ડેક્સ્ટ-સી દ્વારા જામનગરના પ્રદર્શન મેદાન ખાતે 11થી 17 ઓક્ટોબર 2026 દરમિયાન 7 દિવસીય "સ્વદેશી હસ્તકલા હાટ" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ મેળાને ખુલ્લો મૂકી વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી, સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત સ્વદેશી વસ્તુઓની ઉત્સાહપૂર્વક ખરીદી કરી હતી અને ડિજિટલ ઈન્ડિયાના અભિગમને વેગ આપતાં ઓનલાઈન ચુકવણું કર્યું હતું.

રાજ્યના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધું જ માર્કેટીંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાના હેતુથી આ હાટનું આયોજન કરાયું છે. આ મેળાનો સમય દરરોજ સવારે 11 કલાક થી રાત્રિના 9 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, જામનગર, રાજકોટ, આણંદ, વડોદરા, દેવભૂમિ-દ્વારકા, બનાસકાંઠા, ગાંધીનગર, જુનાગઢ તેમજ ભરૂચ, બોટાદ, પોરબંદર, કચ્છ, સુરેન્દ્રનગર, સુરત અને મહેસાણા સહિતના જિલ્લાઓમાંથી 71 જેટલા કારીગરો, હસ્તકલા-હાથશાળ મંડળીઓ, સખી મંડળો અને ક્લસ્ટર્સના કારીગરો ભાગ લઈ રહ્યા છે.

આ હસ્તકલા હાટમાં કારીગરો દ્વારા ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ ચીજવસ્તુઓ જેવી કે ભરતકામ, બાંબુવર્ક, લેધરવર્ક, ઈમિટેશન જ્વેલરી, પેચવર્ક, મોતીકામ, વુલનીટીંગ, બ્લોક પ્રિન્ટીંગ અને માટીકામની સુંદર વસ્તુઓ પ્રદર્શન-સહ-વેચાણ અર્થે મૂકવામાં આવી છે. સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવા અને કલાત્મક ચીજવસ્તુઓની સીધી ખરીદી કરવા મંત્રી શ્રી રિવાબા જાડેજા તથા ઈન્ડેક્સ્ટ-સી ના કાર્યવાહક નિયામક ડો. એસ. જે. જોશી દ્વારા જામનગરની જનતાને મુલાકાત લેવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મેયર મોનીકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરેન મોનાણી, શાશક પક્ષ નેતા અમર મોદી, શહેર પ્રાંત અધિકારી સુધીર બારડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.