Jamnagar News: જામનગર શહેરના ધારાસભ્ય અને ગુજરાતના નવા મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ રીવાબા જાડેજાનું ગઈ મોડી રાત્રે પોતાના ગૃહનગર જામનગરમાં આગમન થયું હતું. મંત્રી પદે બિરાજમાન થયા બાદ આ તેમની પ્રથમ જામનગર મુલાકાત હોવાથી શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જામનગરના ધારાસભ્યએ રાજ્યકક્ષાના મંત્રી તરીકેની નવી જવાબદારી સંભાળ્યા બાદ તેમના આગમનને વધાવવા માટે જામનગરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.
રીવાબા જાડેજા જ્યારે પોતાના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે ત્યાં પણ તેમના સ્વાગત માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને તેમના નિવાસસ્થાન, પંચવટી સોસાયટી સ્થિત બંગલા પર વહેલી સવારથી જ પ્રશંસકો અને કાર્યકરોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. તેમના ઘર પર ફટાકડા ફોડીને અને પુષ્પવર્ષા કરીને તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. ઘરે પહોંચતા જ રીવાબાનું કંકુ તિલક કરીને પારંપરિક રીતે આવકાર આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો, સ્નેહી-સંબંધીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે રીવાબા જાડેજાની સાથે તેમના પતિ અને જાણીતા ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ પણ આ સ્વાગત સમારોહનો હિસ્સો બન્યા હતા. જાડેજા દંપતિએ બંગલાના દરવાજે ઊભા રહીને દૂર દૂરથી આવેલા તમામ પ્રશંસકો અને સમર્થકોનો આભાર માન્યો હતો.
