યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિઓ આજે જામનગરમાં: રિલાયન્સ રિફાઇનરીની લેશે મુલાકાત; મુકેશ અંબાણી સાથે બેઠકની શક્યતા

ઊર્જા સહયોગ, ક્રૂડ ઓઇલ અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા થઇ શકે છે. અમેરિકી ડેલિગેશનની મુલાકાતને લઈને તંત્ર એલર્ટ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વિશાળ કોન્વોય તહેનાત કરાયો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 21 Oct 2026 01:16 PM (IST)Updated: Wed, 21 Oct 2026 01:16 PM (IST)
marco-rubio-in-jamnagar-today-visit-to-reliance-refinery-meeting-with-mukesh-ambani-possible

Marco Rubio Jamnagar Visit: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના વરિષ્ઠ નેતા અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિઓ આજે ગુજરાતના ઔદ્યોગિક પાટનગર સમાન જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા છે. માર્કો રુબિઓ તારીખ 20થી 22 ઓક્ટોબર દરમિયાન ભારતના સત્તાવાર પ્રવાસે છે, જે અંતર્ગત તેઓ આજે જામનગર સ્થિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વપ્રસિદ્ધ વિશાળ ઓઇલ રિફાઇનરી સંકુલની સમીક્ષા કરશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્લાન્ટ વિઝિટ પૂર્ણ કર્યા બાદ તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે પણ ઔપચારિક તેમજ વ્યાપારિક બેઠક યોજે તેવી પ્રબળ શક્યતા છે. આ હાઇ-પ્રોફાઇલ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે ગ્લોબલ એનર્જી સિક્યોરિટી, ઊર્જા સહયોગ, ક્રૂડ ઓઇલ સપ્લાય ચેઇન અને વ્યૂહાત્મક રોકાણ જેવા અતિમહત્વના ક્ષેત્રો અંગે વિગતવાર ચર્ચા થઈ શકે છે.

અમેરિકી વિદેશ મંત્રીની આ ઉચ્ચ સ્તરીય મુલાકાતને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. સમગ્ર રૂટ પર અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવી દેવાયું છે અને વીઆઇપી મૂવમેન્ટ માટે સજ્જ વિશાળ કોન્વોય સાથે પ્રોટોકોલ મુજબની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.