ખંભાળિયાઃ સલાયાના 12 યુવાનોએ બોગસ સર્ટીફિકેટને આધારે દુબઈમાં નોકરી મેળવી, કૌભાંડની તપાસ થશે

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 04 May 2023 10:00 AM (IST)Updated: Thu, 04 May 2023 10:00 AM (IST)
khambhalia-12-youths-from-salaya-got-jobs-in-dubai-on-the-basis-of-bogus-certificates-the-scam-will-be-probed

લોકલ ડેસ્કઃ સલાયામાં ઝડપાયેલા વહાણનાં નાવિકની નોકરી માટે ધોરણ 10ની ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડની તપાસ દ્વારકા જિલ્લા SOG દ્વારા મુંબઈ સુધી કરવામાં આવશે. સલાયામાં દુકાન ધરાવતા અને કોમ્પ્યુટર જોબવર્ક કરતા આ શખસે બનાવેલી ડુપ્લીકેટ માર્કશીટનાં આધારે સલાયાના 12 જેટલા યુવાનોએ દુબઈમાં નોકરી મેળવી હોવાનું બહાર આવ્યુ છે. તેમજ મુંબઈ ખાતેના વધુ એક આરોપીને તેણે 17 લાખ ટ્રાન્ઝેકશન કરી મોકલ્યા હોવાનું પણ ખૂલ્યુ છે. હાલમાં તો આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે.

વહાણમાં નાવિકનાં પદ માટે નોકરી મેળવવા માટે સલાયા ગામનાં કેટલાક યુવાનોને સ્થાનિક શખસે ધોરણ 10ની ગુજરાત બોર્ડની ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપ્યાનું કૌભાંડ ગઈકાલે દ્વારકા જિલ્લા SOGએ પકડી પાડયુ હતું. જેમા સલાયામાં દુકાન ધરાવતા અને કોમ્પ્યુટર જોબવર્ક કરતા અજીમ અકબર સાલેમામદ કુંગડાને ઝડપી લીધો હતો. તેની પાસેથી 66 બનાવટી માર્કશીટ પણ મળી આવી હતી.

આ ડુપ્લીકેટ માર્કશીટનાં બદલામાં જે તે આસામીઓ પાસેથી 35થી 40 હજાર લેતો હતો. આ બનાવ અંગે PSI શિંગરખિયાએ જણાવ્યું હતું કે હાલમાં તો આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો છે. આરોપીની પુછપરછમાં આ બનાવટી સર્ટીફિકેટનાં આધારે 10થી 12 યુવાનો દુબઈમાં નોકરી કરતા હોવાનુ બહાર આવ્યુ છે. તેમજ આરોપીએ મુંબઈ ખાતેના એમ પી સિંઘ નામના શખસને 17 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેકશન કર્યુ હોવાનું ખૂલ્યુ છે. આ કૌભાંડની તપાસ SOG દ્વારા મુંબઈ સુધી કરવામાં આવશે. ત્યારે જ કેટલી ડુપ્લીકેટ માર્કશીટ બનાવી છે તે અંગેની વિગતો બહાર આવશે.