જામનગરમાં વરસાદ ખેંચાતા ખેડૂત લાચાર! 25 વીઘામાં ઊભો મગફળીનો પાક નિષ્ફળ જતા ખેતરમાં ફેરવ્યું ટ્રેક્ટર, Video

જામનગરના ધ્રોલ તાલુકાના ખીજડીયા કાનગઢ ગામે વરસાદ ખેંચાતા 25 વીઘા મગફળીનો પાક નિષ્ફળ ગયો. પાક બચાવવાની આશા ન રહેતા ખેડૂતે ખેતરમાં ટ્રેક્ટર ફેરવી નાખ્યું.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 27 Aug 2026 12:42 PM (IST)Updated: Thu, 27 Aug 2026 12:42 PM (IST)
jamnagar-rain-shortage-farmer-plows-under-groundnut-crop-dhrol-khijadiya

Jamnagar News: જામનગર જિલ્લામાં ચાલુ વર્ષ પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ અને ગંભીર બની ગઈ છે. સિંચાઈના પાણી અને વરસાદ ખેંચાવવાથી પાક સુકાઈ રહ્યા હોય તેવી વિકટ પરિસ્થિતિ સર્જાતા જગતના તાત સમાન ખેડૂતને તૈયાર પાક પર ટ્રેક્ટર ફેરવી દેવાનો વારો આવ્યો છે. આથી ધ્રોલ તાલુકાના ખીજડીયા (કાનગઢ) ગામના ખેડૂતે પાક બાળવા માટે ભારે હૈયે પોતાના 25 વીઘા મગફળીના ખેતરમાં રોટાવેટર ફેરવી નાખ્યું છે.

ખેડૂતે મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવ્યું

ધ્રોલ તાલુકામાં આવેલા ખીજડીયા (કાનગઢ)ના ખેડૂતે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. તેણે જણાવ્યું કે, યોગ્ય સમયે વરસાદ ન થતાં અને પાણી સુકાઈ જવાથી આખો પાક નિષ્ફળ જતાં ઘણો આર્થિક માર વેઠવાનો વારો આવ્યો છે. ચાલુ સીઝનમાં 25 વીઘા ખેતરમાં મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ સમયસર વરસાદ ન થતાં પાક બળી રહ્યો હતો. તેથી આખરે ભારે હ્રદય સાથે 25 વીઘા મગફળીના પાક પર ટ્રેક્ટર ફેરવી દેવાની ફરજ પડી છે.

ખેડૂતે પોતાની વ્યથા ઠાલવી

ખેડૂતે વધુમાં જણાવ્યું કે, ખેતરમાં પાક નિષ્ફળ જવાથી ખાતર, બિયારણ, દવા અને મજૂરી બધુ થઈને કુલ 20 હજારથી વધુનું નુકસાન વેઠવું પડ્યું છે. ખેતરમાં દિવસ રાત મહેનત કરીને મોટી રકમનું રોકાણ કર્યું હોવા છતાં કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી. ખેતરમાં માત્ર 1થી 2 કલાક જેટલું સીમિત માત્રામાં પાણી ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ રોજિંદી જરુરિયાત અને પશુપાલનમાં લઈ શકાય છે.

જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગ

સરકાર અને તંત્ર સામે રોષ વ્યક્ત કરતા ખેડૂતે જણાવ્યું કે, સરકાર દ્વારા 10 કલાક વીજળીનો દાવો કરવામાં આવે છે. પરંતુ બોર કે કૂવામાં પાણી જ ન હોય તો 10 કલાક કે 24 કલાકની વીજળી શુ કામની? વરસાદ ખેંચાતા પાકને નુકસાન થતાં ખેડૂતોએ જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. કેમ કે, છેલ્લા ઘણા સમયથી જામનગર જિલ્લામાં વરસાદની અછત સર્જાઈ છે. ઉપરાંત પીડિત ખેડૂતોએ સરકાર પાસે આર્થિક વળતર અને મદદની અપીલ કરી છે.