જામનગરમાં પોણા કરોડના દારૂ પર ફર્યું બુલડોઝર, છેલ્લા 3 મહિનામાં જપ્ત થઈ અધધ 17,257 બોટલ

છેલ્લા ત્રણ મહિનામાં પોલીસે જપ્ત કરેલા 75.27 લાખ રૂપિયાના દારૂના જથ્થાને નષ્ટ કરવામાં આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 27 Oct 2026 05:22 PM (IST)Updated: Tue, 27 Oct 2026 05:22 PM (IST)
jamnagar-police-prohibition-drive-liquor-destruction-worth-rupees-75-lakh

Jamnagar Crime News: જામનગર શહેરમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન કડક અમલવારી વચ્ચે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર શહેરના સિટી-A, સિટી-B અને સિટી-C ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા 3 મહિના દરમિયાન વિવિધ કેસોમાં પકડવામાં આવેલા વિદેશી દારૂ અને બીયરના જથ્થાનો કાયદેસર પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો છે.

ત્રણેય પોલીસ ડિવિઝન દ્વારા જપ્ત કરેલા અંદાજે 75.27 લાખ રૂપિયાના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી તેને નષ્ટ કરવામાં આવ્યો હતો. આ દારૂના જથ્થાનાનાશની કામગીરી RTO કચેરી નજીક આવેલી સરકારી જમીન પર હાથ ધરવામાં આવી હતી.

નિર્ધારિત કાનૂની પ્રક્રિયા મુજબ યોજાયેલી આ કાર્યવાહી દરમિયાન જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી એસ.ડી. બારડ, શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (Deputy SP) જે.એન. ઝાલા (જયવીરસિંહ ઝાલા), ત્રણેય પોલીસ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પ્રોહિબિશન શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર પોલીસે છેલ્લા 3 મહિના દરમિયાન હાથ ધરેલા વિવિધ દરોડામાં આ જથ્થો કબજે કર્યો હતો. 75 લાખ રૂપિયાથી વધુ મૂલ્ય ધરાવતી 15,000 થી વધુ બોટલોનો નાશ કર્યા બાદ ડેપ્યુટી SP જયવીરસિંહ ઝાલાએ આ સમગ્ર કાર્યવાહી અંગે મીડિયાને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.