Jamnagar: પ્રેમપ્રકરણનો કરુણ અંજામ: પ્રેમીની પોક્સો હેઠળ ધરપકડ થતાં હતાશ પ્રેમિકાએ ટ્રેન હેઠળ ઝંપલાવી જીવ દીધો

3 મહિના પહેલા સગીરા પ્રેમી યુવક સાથે ઘરેથી ભાગી જતાં તેના પિતાએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 19 Oct 2024 07:29 PM (IST)Updated: Sat, 19 Oct 2024 07:29 PM (IST)
jamnagar-news-teenage-girl-friend-commit-suicide-by-jumping-in-front-of-train
HIGHLIGHTS
  • હાલ મૃતક સગીરાનો પ્રેમી યુવક જેલના હવાલે

Jamnagar: જામનગર નજીક કનસુમરા ગ્રામ્ય પંથકમાં એક યુવક અને સગીરા વચ્ચેના પ્રેમપ્રકરણનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં પ્રેમિકા પોતાના પ્રેમી સાથે ઘરેથી ભાગી જતાં પોલીસે બન્નેને પકડી પાડ્યા હતા. આ મામલે પ્રેમીની પોક્સો હેઠળ ધરપકડ કરીને તેને જેલમાં ધકેલી દેવામાં આવતા હતાશ પ્રેમિકાએ ટ્રેન હેઠળ પડતું મૂકીને જિંદગી ટૂંકાવી દીધી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કનસુમરા પાટીયા નજીક રહેતી 12માં ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરા સાગર ગોહિલ નામના યુવક સાથે પ્રેમસબંધમાં હતી. આજથી ત્રણેક માસ પૂર્વે સગીરા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે પોલીસે બન્નેને પકડી પાડ્યા હતા. જે બાદ સિટી. સી. ડિવિઝન પોલીસ મથકમાં પ્રેમી સાગર વિરુદ્ધ પોક્સો એક્ટ અને અપહરણ સહિતની અલગ-અલગ કલમો હેઠળ ગુનો નોંધીને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જ્યારે સગીરાને તેના માતા-પિતા પાસે મોકલી આપવામાં આવી હતી.

આ દરમિયાન ગુમસુમ રહેતી સગીરાએ સાંઢીયા પુલ નજીકની રેલવે લાઈન પર પહોંચી હતી. જ્યાંથી પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.