જામનગરમાં ફરીથી બૉલિવૂડ સ્ટાર્સનો જમાવડોઃ સલમાન ખાન બાદ શાહરુખ ખાનનું પત્ની ગૌરી સાથે આગમન, રિલાયન્સના ક્રાર્યક્રમમાં ભાગ લેશે

ગઈકાલે જામનગરમાં સલમાન ખાનના જન્મદિનની ઉજવણી કરાઈ હતી. જેમાં આખો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 29 Dec 2024 08:26 PM (IST)Updated: Sun, 29 Dec 2024 08:26 PM (IST)
jamnagar-news-shahrukh-khan-along-with-wife-gauri-arrive-at-airport
HIGHLIGHTS
  • મંગળવારથી જામનગરમાં બૉલિવૂડ સેલેબ્સની અવર-જવર

Jamnagar: જામનગરમાં અંબાણી પરિવારના આંગણે ફરી એકવખત મોટો જલસો થવા જઈ રહ્યો છે, જેના ભાગરૂપે ગત મંગળવારથી એક પછી એક બૉલિવૂડ સ્ટાર્સ જામનગરના મહેમાન બની રહ્યા છે. બે દિવસ અગાઉ શુક્રવારના રોજ સલમાન ખાનનો આખો પરિવાર જામનગર એરપોર્ટ પર પહોંચ્યો હતો, ત્યારે આજે શાહરુખ ખાન પત્ની ગૌરીખાન સાથે જામનગરનો મહેમાન બન્યો છે.

હકીકતમાં જામનગર સ્થિત ભારતની સૌથી મોટી અને વિશ્વવિખ્યાત રિલાયન્સ રિફાઈનરીને 25 વર્ષ પૂર્ણ થયા છે અને 28 ડિસેમ્બરના રોજ રિલાયન્સના સ્થાપક ધીરુભાઈ અંબાણીનો જન્મદિન તેમજ નાતાલનો પર્વ હોવાથી અંબાણી પરિવારના આમંત્રણનો સ્વીકાર કરીને બૉલિવૂડ સ્ટાર્સને જામનગરના મહેમાન બની રહ્યાં છે.

ગત મંગળવારે બૉલિવૂડ સ્ટાર કિડ્સ બાદ બુધવારના રોજ પોપ સિંગર હની સિંહ, અભિનેતા અર્જુન કપૂર અને મિરઝાન ઝાફરી જામનગર એરપોર્ટ પર સ્પોટ થયા હતા. જે બાદ શુક્રવારના રોજ સલમાન ખાનનો પરિવાર જેમાં માતા સલમા તેમજ હેલન, ભાઈ સોહેલ ખાન, બનેવી આયુષ શર્મા ઉપરાંત રિતેશ દેશમુખ અને પત્ની જેનેલિયા પણ જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં રિલાયન્સ ગ્રીન્સમાં શુક્રવારે રાતે સલમાન ખાનના જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી.

આજે બૉલિવૂડ બાદશાહ શાહરુખ ખાન, પત્ની ગૌરી અને સંતાન સાથે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. જ્યાં શાહરૂખ ખાને પોતાનો ચહેરાને હુડી વડે ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાપારાઝીઓએ તેને પકડી પાડ્યો હતો અને શાહરૂખ સર..શાહરૂખ સરના નામની બૂમો પાડી હતી. જો કે શાહરુખ ખાને કોઈ પ્રત્યુતર આપ્યા વિના રિલાયન્સ ગ્રીન્સ જવા રવાના થઈ ગયો હતો.

જણાવી દઈએ કે, અગાઉ ગત માર્ચ મહિનામાં પણ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઈવેન્ટ સમયે પણ બૉલિવૂડ ઉપરાંત સ્પોર્ટ્સ સેલિબ્રિટીઓ જામનગરની મહેમાન બની હતી.