ધ્રોલમાં પાટીદાર સમાજનું સ્નેહમિલન: સંતાનો પર 18 વર્ષ સુધી નિયંત્રણ જરૂરી-જેરામબાપા; રુપાલાએ આપ્યું કચ્છના આહિર સમાજનું ઉદાહરણ

પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે, હું કચ્છના આહિર સમાજનું ઉદાહરણ એટલે જ આપું છું કે તે લોકોએ એવો ઠરાવ કર્યો છે કે આખા કચ્છમાં લગ્નની તિથિ એક જ હોય અને મેનુ પણ એક જ હોય.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 19 Feb 2026 05:44 PM (IST)Updated: Thu, 19 Feb 2026 05:46 PM (IST)
jamnagar-news-parshottam-rupala-cites-kutch-ahir-community-as-model-of-unity

Jamnagar News: જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે તાજેતરમાં કડવા પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમ નિમિત્તે એક અનોખો માહોલ સર્જાયો હતો. સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યો વચ્ચે, પૂર્વ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને, સમાજની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની દિશા અંગે ગંભીર મંથન થયું. આ પ્રસંગે, જેરામબાપાએ ભૂલાઈ રહેલી પ્રાચીન પરંપરાઓ અને સંસ્કાર સિંચનના મહત્વ પર ભાવુક અપીલ કરી, જ્યારે રૂપાલાએ કચ્છના આહિર સમાજની એકતાનું ઉદાહરણ ટાંકીને સમાજને આધુનિક સમયને અનુરૂપ પરિવર્તન સ્વીકારીને પ્રગતિ કરવા હાકલ કરી હતી. સમગ્ર વાતાવરણ સમાજ ઉત્થાનના સંકલ્પ અને ભવિષ્ય માટેની આશાથી ભરેલું હતું.

પ્રાચીન પરંપરાઓ આજે ભૂલાઈ રહી છે

કડવા પાટીદાર સમાજના અગ્રણી જેરામબાપાએ સમાજને સંબોધતા જણાવ્યું કે, ઋષિમુનિઓ અને વડીલો દ્વારા સ્થપાયેલી પ્રાચીન પરંપરાઓ આજે ભૂલાઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દીકરીઓના ઉછેર દરમિયાન મોળાક્ત અને જયા પાર્વતી વ્રત જેવી પ્રણાલીઓ તેમને સાસરીના અલગ રીતિ-રિવાજો અને રહેણીકહેણીમાં અનુકૂળ થવા માટે તૈયાર કરતી હતી, પરંતુ હવે તે ભૂલાઈ ગઈ છે.

જેરામબાપાએ જૂના લોકગીતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "કેસરિયો વર દેજે, સસરો સુવાદિયો દેજે" જેવા ગીતો પણ સમાજમાંથી વિલુપ્ત થઈ રહ્યા છે, જે સુખી દાંપત્ય જીવનની કામના કરતા હતા. તેમણે સ્વીકાર્યું કે શિક્ષણ સમાજના વિકાસ માટે અનિવાર્ય છે અને સંપત્તિ પણ આવી છે, પરંતુ તેની સાથે વૈચારિકતાની ખામી સમાજને મોટું નુકસાન પહોંચાડી રહી છે, જેના કારણે શિક્ષણની સાથે પરંપરાઓનું જતન પણ અત્યંત જરૂરી છે.

દીકરો હોય કે દીકરી નિયંત્રણ રાખવું જરુરી

જેરામબાપાએ વધુમાં જણાવ્યું છે કે માતા-પિતાએ પોતાના સંતાનો, પછી તે દીકરો હોય કે દીકરી, 18 થી 20 વર્ષની ઉંમર સુધી તેમના પર નિયંત્રણ અને દેખરેખ જાળવી રાખવી અનિવાર્ય છે. તેમણે મહિલા સંગઠનોને મજબૂત બનવા અને પોતાના તાલુકામાં છૂટાછેડાનો એક પણ કેસ ન થાય તેવો દ્રઢ સંકલ્પ લેવા હાકલ કરી હતી.

વધુમાં, જેરામબાપાએ સમાજમાંથી વ્યસનો દૂર કરવા અને મહિલાઓને બિનજરૂરી ફેશનથી મુક્ત થવા પર ભાર મૂક્યો હતો. તેમણે ગુરુકુળના વિદ્યાર્થીઓનું ઉદાહરણ ટાંકીને જણાવ્યું હતું કે જો વિદ્યાર્થીઓ નિર્વ્યસની રહી શકતા હોય, તો માતાઓ ચોક્કસપણે પોતાના સંતાનોમાં બાળપણથી જ નિર્વ્યસની સંસ્કારનું સિંચન કરી શકે છે, ભલેને પરિવારના અન્ય સભ્યો વ્યસની હોય.

વધારાનો સંભારો પણ ન મળે; તેને ખરો 'સમાજ' કહેવાય

પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું છે કે, "હું કચ્છના આહિર સમાજનું ઉદાહરણ એટલે જ આપું છું કે તે લોકોએ એવો ઠરાવ કર્યો છે કે આખા કચ્છમાં લગ્નની તિથિ એક જ હોય અને મેનુ પણ એક જ હોય. તમે ગમે ત્યાં જમો, મેનુમાં કોઈ ફેરફાર ન હોય, વધારાનો સંભારો પણ ન મળે; તેને ખરો 'સમાજ' કહેવાય. આપણે પણ આવી નાની-મોટી બાબતોને જીવનમાં ઉતારીને એક ઉત્તમ સમાજનું નિર્માણ કરવું જોઈએ. જેની ઉપર માં ઉમિયાની આટલી મોટી કૃપા છે અને જેની ખ્યાતિ વિશ્વભરમાં પ્રસ્થાપિત થઈ ચૂકી છે, તેવા આપણા સમાજમાં આવેલી નાની-મોટી અડચણો કે અવગુણો ગાવાને બદલે આપણે ફરીથી સાચા માર્ગે ચાલવાની કોશિશ કરીએ.

સંજોગોને અનુરૂપ નવા પ્રયાસો વિકસાવીએ

તેમણે વધુમાં કહ્યું કે, માતાજી સદાય આપણી સાથે જ છે. 'આ ન કરો, તે ન કરો' કે 'તેઓ આવા છે, પેલા તેવા છે' એવું સતત કહ્યા કરવાને બદલે, 'હવેથી આપણો સમાજ આ રીતે ચાલશે' તેવી સુંદર વાતોને ફરીથી પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરીએ. આપણા પૂર્વજોએ વર્ષો પહેલા સમાજ માટે જે ઉમદા વિચારો કર્યા હતા, તેનો અર્થ જ એ છે કે સમાજમાં પરિવર્તન જરૂરી છે. જો આપણે નવા સમય અને સંજોગોને અનુરૂપ નવા પ્રયાસો વિકસાવીશું, તો ચોક્કસપણે સમાજને ફાયદો થશે.

દીકરીઓ વ્યસનમુક્તિના આંદોલનનું નેતૃત્વ સ્વીકારે

આપણે 'એક રૂપિયા' વાળી વાતને સમાજમાં દ્રઢ કરીએ. સિદસર એ આખા સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ છે, તેને સૌરાષ્ટ્રના કડવા પાટીદારોના 'કોર્પસ ફંડ' માટેનું માધ્યમ બનાવીને ભવિષ્યની પેઢી માટે એક સુંદર રસ્તો તૈયાર કરીએ. આ સાથે જ મારી દીકરીઓને બે હાથ જોડીને વિનંતી છે કે, તેઓ વ્યસનમુક્તિના આંદોલનનું નેતૃત્વ સ્વીકારે અને પોતાના પરિવારની સાચી 'ઉમૈયા' બને.