જામનગર.
Jamnagar News: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડોઢિયા ગામના ગામના ખેડૂતે આધુનિક ખેતી કરી એક નવો રાહ ચીંધ્યો છે. ડોઢિયા ગામના કમલેશભાઈ જોબનપુત્રાએ 53 વીઘામાં શેરડીનો પાક વાવ્યો છે. જો કે ખાસ વાત એ છે કે, શેરડીના પાકમાં રાસાયણિક દવા તેમજ રાસાયણિક ખાતરોનો ઉપયોગ નથી કર્યો અને ગાય આધારિત ખેતી કરી વિઘે 18 ટન શેરડીનું સારું એવું ઉત્પાદન કર્યું છે.
કમલેશભાઈ જોબનપુત્રા છેલ્લાં 5 વરસથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. શેરડીનો પાક પાક્યા બાદ કમલેશ જોબનપુત્રા પોતાની વાડીએ ઓર્ગેનિક ગોળ બનાવવાનું શરૂ કર્યું છે. બજારમાં મળતી અનેક વસ્તુમાં મોટા પ્રમાણમાં ભેળસેળ જોવા મળતી હોય છે. એવામાં કમલેશભાઈ જોબનપુત્રા એ પોતાની વાડીમાં ગોળ બનવાનો રાબડો શરૂ કર્યો છે. તેઓ રોજ 2600 KG ગોળ બનાવી રહ્યા છે. ઓર્ગેનિક ગોળ સ્વાસ્થ્ય માટે સારો હોવાથી લોકો પણ ખરીદી કરી રહ્યા છે. બજારમાં kg ગોળ 60 રૂપિયા છે. જ્યારે આ ગોળ એક કિલોના 100 ભાવ રાખવામાં આવ્યો છે.
શેરડીનો પાક વાડીએ લાવ્યા બાદ ગોળ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. શેરડીમાંથી રસ બનાવ્યા બાદ તેને ગરમ કરવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, ગોળ બનાવામાં ઇંધણ તરીકે જે શેરડીના છોડા નીકળે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે ખેડૂતને ગોળ પકવવા માટે કોઈ ઇંધણ ખરીદવાની પણ જરૂર રહેતી નથી.
જે બાદ રસમાં રહેલો કચરો અને રસમાં રહેલી મલાઈ દૂર કરવામાં આવે છે. ગોળમાં કોઈપણ જાતની દવા નાખ્યા વિના ઓર્ગેનિક ગોળ બનાવવામાં આવે છે. હાલ બજારમાં દેશી ઓર્ગેનિક ગોળ મળવો ખૂબ અઘરો છે, ત્યારે જામનગરના આંગણે ખેડૂતે આ ઓર્ગેનિક ગોળ બનાવ્યો છે.
ખેડૂતે જણાવ્યું કે, શેરડીના પાકમાં એક પણ જાતની રાસાયણિક દવાનો ઉપયોગ કર્યો નથી. જો કે ખાતર પણ તેમણે શેરડીના પાકમાં નાખ્યું નથી. હાલ શેરડીના પાક માંથી સીધા ઓર્ગેનિક ગોળ બનાવવામાં આવે છે. ગોળ બનવાની પદ્ધતિમાં 80 જેટલા લોકોને પણ ખેડૂત દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે.