Jamnagar News: હકુમતી સરવાણીયા-ધુનધોરાજી અને લાવડિયા-મકવાણા રોડનું રૂ.1.30 કરોડના ખર્ચે નવીનીકરણ શરૂ

લાંબા સમયથી રસ્તાની સપાટી બિસ્માર હોવાથી અહીં ડામર કામ અને રોડ ફર્નિશિંગની કામગીરી કરવામાં આવશે, જેથી આ વિસ્તારના વાહનચાલકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 02 Jan 2026 06:45 PM (IST)Updated: Fri 02 Jan 2026 06:45 PM (IST)
jamnagar-news-hakumati-dhundhoraji-and-lavadia-roads-upgraded-666888

Jamnagar News: જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થાને વધુ સુવિધાજનક બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા બે મહત્વના રસ્તાઓના સપાટી સુધારણાના કામો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લાના કાલાવડ અને જામનગર તાલુકાના ગ્રામ્ય માર્ગો માટે કુલ રૂ.1.30 કરોડના ખર્ચે નવીનીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

કાલાવડ તાલુકાના અગત્યના એવા 2 કિલોમીટર લાંબા હકુમતી સરવાણીયા થી ધુનધોરાજી રોડ માટે વિભાગ દ્વારા રૂ.70 લાખની રકમ ફાળવવામાં આવી છે. આ રસ્તો હકુમતી સરવાણીયાને ધુનધોરાજી તથા અન્ય ગામો સાથે જોડે છે અને તાલુકા મથક સુધી પહોંચવા માટે ખૂબ જ મહત્વનો છે. લાંબા સમયથી રસ્તાની સપાટી બિસ્માર હોવાથી અહીં ડામર કામ અને રોડ ફર્નિશિંગની કામગીરી કરવામાં આવશે, જેથી આ વિસ્તારના વાહનચાલકોને મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

બીજી તરફ, જામનગર તાલુકામાં આવેલ 1.65 કિમી લંબાઈ ધરાવતા લાવડિયા-મકવાણા-ઢંઢા રોડના ઇમ્પ્રુવમેન્ટ માટે રૂ.60 લાખનો જોબ નંબર મંજૂર કરાયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ડામર કામની સાથે સાથે જરૂરિયાત મુજબ સીસી રોડ અને રોડ ફર્નિચરની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ રસ્તો લાવડિયા, મકવાણા અને ઢંઢા ગામના લોકો માટે પરિવહનનું મુખ્ય માધ્યમ હોવાથી તેની સુધારણા ગ્રામીણ અર્થતંત્ર અને સુવિધા માટે પાયારૂપ સાબિત થશે.

પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.બી.છૈયા, નાયબ કાર્યપાલક ઇજનેર એસ.સી.બાંભણીયા તથા બી.આર. વસરાના સીધા માર્ગદર્શન હેઠળ આ બંને રસ્તાઓની કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટેના આદેશો અપાયા છે. વહીવટી તંત્રના આ હકારાત્મક અભિગમથી આગામી ટૂંકા સમયમાં જ સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોને આરામદાયક તેમજ સુરક્ષિત મુસાફરીનો લાભ મળતો થશે.