જામનગર-લાલપુર હાઈવે લોહીથી ખરડાયો: કાર, બાઈક અને રીક્ષા વચ્ચે ભયાનક ટક્કર, ત્રિપલ અકસ્માતમાં 3 લોકોના મોત

ભોળેશ્વર મહાદેવના દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓ ભરેલા વાહનનો અકસ્માત થયો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 31 Aug 2026 09:53 AM (IST)Updated: Mon, 31 Aug 2026 09:53 AM (IST)
jamnagar-lalpur-highway-chela-triple-accident-car-auto-bike-crash-police-probe
Jamnagar Triple Accident

Jamnagar Triple Accident: શ્રાવણ માસના પવિત્ર સોમવારે ભક્તિભાવ સાથે મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓના પરિવાર પર કાળ ત્રાટક્યો છે. જામનગર-લાલપુર હાઈવે પર આવેલા ચેલા ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. કાર, બાઈક અને રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 5 બાળક સહિત અન્ય સાત જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ભોળેશ્વર મહાદેવના દર્શનાર્થે ગયો હતો પરિવાર 

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતનો ભોગ બનેલા પીડિતો શ્રાવણ માસના પવિત્ર સોમવાર નિમિત્તે ભોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. મહાદેવના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજા-અર્ચના કરીને જ્યારે તેઓ ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે જ હાઈવે પર આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

ઘટનાસ્થળે ત્રણના મોત, 7 લોકો ઈજાગ્રસ્ત થયા

કાર, બાઈક અને રીક્ષા વચ્ચે થયેલી ટક્કર એટલી પ્રચંડ હતી કે ત્રણેય વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જે દરમિયાન ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નીપજ્યા છે. દુર્ઘટના સર્જાતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં 5 બાળકો અને 2 મહિલા સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડી તાત્કાલિક સારવાર અપાવવા માટે 4 જેટલી એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. હાલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 7 ઈજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, કાનૂની કાર્યવાહી

આ ગંભીર અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બચાવ કામગીરી હાથ ધરીને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરી હતી. આ સાથે જ પોલીસે વાહનોને માર્ગ પરથી હટાવીને અકસ્માત અંગે જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.