Jamnagar: કાલાવડના મોટા ભાડુકિયામાં ખેડૂત પાસેથી કપાસ ખરીદીમાં ભારીએ 4 કિલોનું ગોલમાલ, છેતરપિંડી ઝડપાઈ જતાં મોટી બબાલ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 09 Apr 2024 12:08 PM (IST)Updated: Tue, 09 Apr 2024 12:08 PM (IST)
jamnagar-in-the-purchase-of-cotton-from-a-farmer-in-a-large-tenancy-of-kalavad-there-was-a-huge-scandal-of-4-kg-fraud-was-caught

Jamnagar News: જામનગરના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયામાં ખેડૂતો પાસેથી કપાસ ખરીદી રહેલી ગોંડલની એક વેપારી પેઢીના માણસોએ કપાસ જોખતી વખતે કરેલી છેતરપિંડી ઝડપાઈ જતાં મોટી બબાલ મચી ગઈ હતી. આ પ્રકરણમાં પેઢીના પઢાવેલા પોપટોને ખેડૂતોએ મેથીપાક પણ ચખાડ્યો હતો. આ બબાલ દરમિયાન પોલીસકર્મીઓ પણ આવી પહોંચ્યા હતાં. આ મામલામાં અંતે સમાધાન થયાની ચર્ચાઓ છે. સમાધાનમાં 3 લાખ રૂપિયાની લેતીદેતી થઈ હોવાનું પણ કહેવાય છે. આ બનાવે કાલાવડ પંથક સહિત સમગ્ર જિલ્લામાં ચકચાર અને ચર્ચાઓ ફેલાવી છે.

આ પ્રકરણની મોટા ભાડુકિયા તથા કાલાવડ પંથકમાં થતી ચર્ચાઓમાં એવું જાણવા મળે છે કે, ગોંડલની કોઈ વેપારી પેઢીનો ટ્રક અને આ પેઢીના માણસો એક દલાલ મારફતે મોટા ભાડુકિયા ગામમાં ખેડૂતો પાસેથી ઘરે બેઠાં કપાસ ખરીદવા આવેલાં. આ ખરીદી દરમિયાન પેઢીના પઢાવેલા પોપટો તોલમાપ કરીને કપાસની ભારીઓ ટ્રકમાં ચઢાવી રહ્યા હતાં. આ તોલમાપ કરનારાઓ બહારના હોવાનું બહાર આવ્યું છે. તોલમાપ વખતે આ શખ્સો એક એક ભારીએ 4 કિલો વધારાનો કપાસ ગુપચાવી લઈ કપાસ વેચનાર ખેડૂતો સાથે છેતરપિંડીઓ કરી રહ્યા હતાં. આ પૈકીનો એક શખ્સ આ ગોલમાલ કરતો ઝડપાઈ જતાં, ખેડૂતો અને આ વેપારી પેઢીના આ પોપટો વચ્ચે મોટી બબાલ થઈ હતી. ગ્રામજનોએ આ શખ્સને ધોલધપાટ કરતાં તેણે ભારીએ 4 કિલોના ગોલમાલ કર્યાનો ગુનો કબૂલી લીધો હતો. આ બનાવને કારણે મોટા ભાડુકિયા સહિત કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાત વાયુવેગે ફેલાઈ જતાં, બબાલ દરમિયાન કાલાવડ પોલીસ પણ આવી પહોંચી હોવાનું ગ્રામજનોની ચર્ચાઓમાં જાણવા મળે છે.

ગ્રામજનોની ચર્ચાઓ મુજબ, 3 પોલીસકર્મીઓ બનાવના સ્થળે જિપ લઈને પહોંચી ગયા હતાં. આખરે સમજાવટને અંતે આ વેપારી પેઢીના પઢાવેલા પોપટોએ જે.ડી.કોટન નામની પેઢીના દલાલ નૈમિષભાઈ ઉર્ફે ભોલાભાઈ સાથે વાતચીત કરીને આખો મામલો પોલીસની મધ્યસ્થી વડે 3 લાખમાં સૂલટાવી લીધો હોવાની પણ ચર્ચાઓ છે. વેપારી પેઢીએ પોતાની આ કારીગરી જાહેર ન થઈ જાય તે માટે આ સમાધાન કરેલું પરંતુ એ દરમિયાન સમગ્ર મામલાના એક કરતાં વધારે વીડિયોઝ વાયરલ થઈ જતાં આ આખો મામલો હાલ કાલાવડ સહિત સમગ્ર જિલ્લામાં ચર્ચાઓમાં છે.