Jamnagar Dussehra 2026: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં આજે વિજયાદશમીનો પર્વ પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા વર્ષોથી નીભાવવામાં આવી રહી છે, ત્યારે આજે જામનગરમાં રાજપૂત યુવા સંઘ દ્વારા પરંપરાગત શસ્ત્રપૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા અને પૂર્વ મંત્રી હકુભા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રિવાબા જાડેજાએ પોતાની પિસ્તોલનું કંકુ-તિલકથી પૂજન કર્યું હતુ. તેમજ જામનગર સહિત દેશભરના નાગરિકોને દશેરાની શુભકામના પાઠવી હતી.
રિવાબા જાડેજાએ જણાવ્યું કે, મા જગદંબાના નવલા નોરતા પછી ઉજવાતો આ દશેરાનો પર્વ અસત્ય પર સત્યનો અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક છે. પ્રભુ શ્રીરામ અને જગત જનની માઁ આશાપુરાના ચરણોમાં સૌની સુખાકારી જળવાઈ રહે અને જીવનમાંથી અંધકાર દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વિજયાદશમીના દિવસે તલવાર સહિતના હથિયારો તેમજ રોજિંદા કામકાજના ઉપયોગમાં લેવાતા ઓજારોની પૂજા કરવાની ધાર્મિક માન્યતા છે. એવું કહેવાય છે કે, આ દિવસે શસ્ત્રોની પૂજા કરવાથી સાહસ, શક્તિ અને વિજયના આશીર્વાદ મળે છે.
