Jamnagar News: જામનગરમાં ધોળા દિવસે ચોરીની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. શહેરની વાસાવીરા સોસાયટીમાં આવેલા માધવ પેલેસ બિલ્ડિંગમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની મત્તા પર હાથફેરો કર્યો હતો. તસ્કરો અંદાજે રૂ. 22.40 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
ધોળા દિવસે મકાનમાંથી 22 લાખની ચોરી
વાસાવીરા સોસાયટીમાં આવેલા માધવ પેલેસ બિલ્ડિંગના બીજા માળે આ ચોરીની ઘટના બની હતી. બપોરના અરસામાં તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટ સહિતની વસ્તુઓ ફંફોસીને કિંમતી સામાનની ચોરી કરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર તસ્કરો ઘરમાંથી આશરે 22 તોલા સોનાના દાગીના અને રૂ. 25 હજાર રોકડની ચોરી કરી ગયા હતા. સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. 22.40 લાખની મત્તાની ચોરી થયાનું સામે આવ્યું છે.
ચોરીને પગલે રહીશોમાં ચિંતાનો માહોલ
ધોળા દિવસે રહેણાક વિસ્તારમાં આવેલા બિલ્ડિંગમાં ચોરીની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે દિવસ દરમિયાન બનેલી આ ઘટનાએ પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા અને સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ
ઘટનાની જાણ થતાં જ સિટી સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સિટી સી ડિવિઝનના પીઆઈ એચ.વી. રાઠોડ સહિતના પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ચોરીની ઘટનાને લઈને જરૂરી તપાસ શરૂ કરી છે. તસ્કરો કયા માર્ગે આવ્યા હતા અને ચોરી કર્યા બાદ કઈ દિશામાં ફરાર થયા તે સહિતની વિગતો મેળવવા તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ પોલીસ દ્વારા આસપાસના વિસ્તારની તપાસ સહિત અન્ય જરૂરી પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધોળા દિવસે 22.40 લાખની મત્તાની ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા પોલીસ દ્વારા વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
