Jamnagar Angara Raas: નવલા નોરતા આવી રહ્યા છે. ત્યારે માતાજીની આરાધના કરવાનો આ શ્રેષ્ઠ મહાપર્વ છે. ત્યારે નોરતાના નવ દિવસો સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરશે. આમ જોઈએ તો, ગુજરાત અને ભારત સહિત સમગ્ર દેશમાં ગરબા વિશ્વ વિખ્યાત છે. પરંતુ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં નવરાત્રિની ઉજવણી અનોખી અને રોમાંચક હોય છે. જામનગર શહેરમાં નવરાત્રિ પર્વ પર એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખેલૈયાઓ કોઈ પણ જાતના ડર વિના હાથમાં મશાલ લઈને ધગધગતા અંગારા પર ખુલ્લા પગે 'અંગારા રાસ' રમે છે. જેને જોઈને સૌ કૌઇ રોમાંચિત થઈ જાય છે.
ભક્તોની ભક્તિ અને માતાની શક્તિનો અદ્ભુત સમન્વય
આ અદભુત ગરબા રાસનો ઇતિહાસ જોઈએ તો, જામનગર શહેરમાં રણજીતનગર વિસ્તારમાં સ્થિત લેઉવા પટેલ સમાજના ચોકમાં 'શ્રી પટેલ ગરબી મંડળ' દ્વારા છેલ્લા 80 વર્ષથી વધારે સમયથી પ્રાચીન શૈલીમાં નવરાત્રિના પાવન પર્વની ઉજવણી કરાય છે. જેની નવરાત્રિ આવતા તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ વિશેષ ગરબી મંડળની મોટી ખાસિયતોની વાત કરીએ તો, ખેલૈયાઓ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે અને સળગતી મશાલ સાથે મશાલ રાસ રમે છે. ગરબીમાં સળગતા અંગારા વચ્ચે ખુલ્લા પગે ગરબા રમતા જોઈને શ્રદ્ધાળુઓ રોમાંચનો અનુભવ કરે છે.
વર્ષથી કોઈને નથી થઈ પણ પ્રકારની ઈજા
અંગાર રાસની એક ચોંકાવનારી બાબત જણાવીએ કે, છેલ્લા 7 દાયકાથી વધારે સમયથી ચાલી આવતી પરંપરામાં આજદિન સુધી કોઈ પણ ખેલૈયાને નાની સરખી પણ પગમાં ઈજા પહોંચી નથી. યુવકો માને છે કે, આ મા અંબાની ભક્તિની શક્તિ છે જેથી તેઓ આસાનીથી રાસ રમે છે. આ પ્રાચીન ગરબીને નિહાળવા માટે જામનગર શહેર સહિત જિલ્લામાંથી દૂર દૂરથી હજારો લોકો આવે છે. ડીજે ગરબાના યુગમાં જામનગરની આ પ્રાચીન સંસ્કૃતિ, શૌર્ય અને ભક્તિનો અનોખો સંગમ છે.
તલવાર રાસ અને શૌર્યનો સંગમ
વિશાળ સ્ટેજ પર પરંપરાગત કેડિયુ અને ચોયણીના વસ્ત્રો પહેરીને યુવકો હાથમાં ત્રિશુળ, તલવાર સાથે રાસ રમવા ઉતરે છે. ત્યારે વાતાવરણ અનોખો શૌર્યરસથી ભરાઈ જાય છે. શિવાજીના હાલરડાં' અને 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું' જેવા અમર લોકગીતોના તાલ પર યુવાનો જુસ્સા સાથે તલવાર રાસ રજૂ કરે છે. ખેલૈયાઓ મસાલ રાસ રમતી વેળાએ સ્ટેજ પર સળગતી મશાલો દ્વારા સાથિયો અને ત્રિશુળ જેવા દૈવિય અને ધાર્મિક પ્રતીકોની સુંદર રચના કરે છે. આ પ્રાચીન પરંપરાએ સાબિત કર્યુ છે. ભલે ગરબાનું સ્વરુપ સમય સાથે બદલ્યું હોય. પરંતુ ગુજરાતા લોકોની સંસ્કૃત્તિ પ્રત્યેનો પ્રેમ આજેય અકબંધ અને જળવાયેલો છે.
