World Record Child Mountaineer: જામનગરના 9 વર્ષીય બાળ પર્વતારોહક વિહાન ઉમેદભાઈ ચેતરિયાએ હિમાચલ પ્રદેશના 6111 મીટર ઊંચા માઉન્ટ યુનામ શિખર પર પર્વતારોહણ કરીને વિશ્વમાં 6000 મીટરથી વધુ ઊંચું શિખર સર કરનાર બીજા સૌથી નાની વયના બાળ પર્વતારોહક બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. તે બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર લખી વિહાનને અભિનંદન પાઠવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા
મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવતા પત્રમાં જણાવ્યું હતું કે, નાની ઉંમરે આવી વિષમ ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ ધ્યેય પ્રત્યેની એકાગ્રતા અને શિસ્ત દાખવી આપે બાળપણની અસીમ ઊર્જા અને વિશિષ્ટ આત્મવિશ્વાસના દર્શન કરાવવાની સાથે સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ફિટ ઈન્ડિયા” અને “ખેલો ઈન્ડિયા”ના વિઝનને સાકાર કરવામાં યુવા પેઢીની આવી સાહસવૃત્તિ અને ખેલદિલી પાયાનું બળ પુરું પાડે છે. શિખર પર "Childhood Needs Adventure, Not Addiction" ના બેનર દ્વારા બાળપણને સાહસ અને શારીરિક પ્રવૃત્તિઓ તરફ વાળવાનો જે સકારાત્મક સંદેશ આપે આપ્યો છે, તે પ્રશંસનીય છે.
આપની આ સાહસવૃત્તિ અને ખેલદિલી માટે સંસ્કાર સિંચિત કરનારા આપના માતા-પિતા તથા માર્ગદર્શકો પણ અભિનંદનને પાત્ર છે. વિહાન ભવિષ્યમાં પણ પર્વતારોહણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીને દેશ તથા રાજ્યનું નામ રોશન કરે તેવી મંગલકામનાઓ મુખ્યમંત્રીએ આ પત્રમાં વ્યક્ત કરી છે.
બાળકે મુખ્યમંત્રીનો આભાર માન્યો
વિહાને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારી આ સિદ્ધિની નોંધ લઈ મને પત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માનું છું. મુખ્યમંત્રીની પ્રસંશા થકી મારા જેવા અન્ય બાળકોને પણ પ્રેરણા મળશે. અને ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયાનું સૂત્ર સાર્થક થશે. સરકાર દ્વારા રમતગમત ઉપરાંત સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે, તે આવકાર્ય બાબત છે. વિહાનને અભિનંદન પાઠવવા બદલ તેના માતા દક્ષાબેન અને પિતા ઉમેદભાઈ ચેતરીયાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
વિહાને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ઉલ્લેખનીય છે કે,10મી સપ્ટેમ્બર 2026ના રોજ વિહાને માઉન્ટ યુનામ શિખર સફળતાપૂર્વક સર કર્યું હતું. હિમાચલ પ્રદેશના લાહૌલ પ્રદેશમાં માઉન્ટ યુનામ સર કરવામાં વિહાનને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેમાં શૂન્યથી નીચું તાપમાન, બરફના લપસણા ઢોળાવ, પથ્થરોવાળો પ્રદેશ અને ઓક્સિજનનું સ્તર ઘટી જવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ અગાઉ વિહાને હિમાચલ પ્રદેશમાં માઉન્ટ ફ્રેન્ડશીપ પીક (5,289 મીટર) સર કર્યું હતું.
વિહાને સમાજને અર્થપૂર્ણ સંદેશ પહોંચાડવા માટે શિખર પર "CHILDHOODS NEEDS ADVENTURE, NOT ADDICTION" (બાળપણને વ્યસન નહીં, સાહસની જરૂર છે) સંદેશ લખેલું બેનર પ્રદર્શિત કર્યું. આ સંદેશ દ્વારા વિહાનનો ઉદ્દેશ્ય બાળકોને મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા પર વધુ પડતું ધ્યાન આપવાના બદલે આઉટડોર પ્રવૃત્તિઓ, સાહસ અને સંશોધનમાં વધુ સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
