Vantara: શું સામાન્ય વ્યક્તિ વનતારાની મુલાકાત લઈ શક છે? વનતારા સાથે જોડાયેલા 6 સવાલના જવાબ જાણો

વનતારા (Vantara) એ માત્ર એક પ્રાણી સંગ્રહાલય કે આશ્રયસ્થાન નથી, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા વન્યજીવો માટે આશાનું એક કિરણ છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 04 Mar 2026 02:05 PM (IST)Updated: Wed, 04 Mar 2026 02:51 PM (IST)
is-vantara-open-to-visitors-frequently-asked-questions-about-vantara-jamnagar

Vantara Jamnagar: વનતારાનું નામ સાંભળતા દરેક વ્યક્તિને તેની મુલાકાત લેવાની ઈચ્છા થાય છે. કારણ કે વનતારાની જાહેરાત બાદ જાહેર કરવામાં આવેલા ફોટો-વીડિયો દરેક લોકોને વનતારા પ્રત્યે આકર્ષી રહ્યું છે. તો આજે આપણે અહીં વનતારા સાથે જોડાયેલા સવાલ જવાબ જાણીશું. સાથે એ પણ જાણીશું કે શું સામાન્ય લોકો તેની મુલાકાત લઈ શકે કે નહીં?

વનતારા (Vantara) એ માત્ર એક પ્રાણી સંગ્રહાલય કે આશ્રયસ્થાન નથી, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા વન્યજીવો માટે આશાનું એક કિરણ છે. રિલાયન્સ ફાઉન્ડેશનની જૈવવિવિધતા સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે શરૂ થયેલું આ કેન્દ્ર વન્યજીવોના બચાવ, સારવાર અને પુનર્વસન માટે સમર્પિત છે. જામનગરની ધરતી પર આકાર પામેલું વનતારા પ્રકૃતિ અને માનવ વચ્ચેના સુમેળનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

naidunia_image

પ્રશ્ન 1: ‘વનતારા’ શબ્દનો અર્થ શું છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

જવાબ: ‘વનતારા’નો અર્થ ‘વનનો તારો’ (Star of the Forest) થાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મુશ્કેલીમાં મુકાયેલા વન્ય પ્રાણીઓનો બચાવ કરવો, તેમને શ્રેષ્ઠ સારવાર આપવી અને આજીવન તેમની સંભાળ રાખવી છે. જે પ્રાણીઓ જંગલમાં પાછા ફરવા માટે સક્ષમ હોય, તેમને પુનઃ સ્થાપિત કરવાનું કામ પણ અહીં કરવામાં આવે છે. તે લુપ્ત થતી પ્રજાતિઓના સંવર્ધન માટે આધુનિક સમયના ‘નોઆઝ આર્ક’ (Noah's Ark) તરીકે કાર્ય કરે છે.

પ્રશ્ન 2: વનતારા ક્યાં આવેલું છે અને તે કયા વિસ્તારોમાં સેવા આપે છે?

જવાબ: વનતારાના પ્રાણી સંભાળ કેન્દ્રો અને અદ્યતન હોસ્પિટલો ગુજરાતના જામનગરમાં આવેલી છે. જોકે તેનું કેન્દ્ર ભારત છે, પરંતુ તે માત્ર દેશ પૂરતું સીમિત નથી. વનતારા સમગ્ર વિશ્વમાંથી મુશ્કેલીમાં મુકાયેલા પ્રાણીઓને બચાવે છે અને તેમને સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડે છે.

પ્રશ્ન 3: અહીં કેવા પ્રકારના પ્રાણીઓને બચાવવામાં આવે છે?

જવાબ: વનતારામાં એવા પ્રાણીઓને લાવવામાં આવે છે જેમને સર્કસમાં હેરાન કરવામાં આવ્યા હોય, જેમની ગેરકાયદેસર હેરફેર થઈ હોય, જેમને મજૂરી માટે મજબૂર કરવામાં આવ્યા હોય અથવા જેમના ચામડા અને રુવાંટી માટે શિકાર થયો હોય. આ ઉપરાંત પરંપરાગત દવાઓ માટે કે અન્ય ક્રૂરતાનો ભોગ બનેલા વન્યજીવોને અહીં નવું જીવન આપવામાં આવે છે.

પ્રશ્ન 4: પ્રાણીઓની સારવારમાં કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે?

જવાબ: અહીં આધુનિક તબીબી વિજ્ઞાનની સાથે પ્રાચીન ભારતીય પદ્ધતિઓનો અદભૂત સમન્વય જોવા મળે છે. વનતારામાં આધુનિક દવાઓ ઉપરાંત આયુર્વેદ, એક્યુપંક્ચર અને વિશેષ પોષણયુક્ત આહાર દ્વારા પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે. દરેક પ્રજાતિ મુજબ અલગ હોસ્પિટલ અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ અહીં કાર્યરત છે.

પ્રશ્ન 5: શું સામાન્ય નાગરિકો વનતારાની મુલાકાત લઈ શકે છે?

જવાબ: હાલમાં વનતારામાં પ્રત્યક્ષ મુલાકાત મર્યાદિત છે. કોઈપણ વ્યક્તિએ ત્યાં જવા માટે સંબંધિત સત્તાધિકારીઓની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. જોકે, લોકો વનતારાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, લિંક્ડઈન) દ્વારા પ્રાણીઓના બચાવ અને તેમની સુધારણાની વાર્તાઓ સાથે જોડાઈ શકે છે.

પ્રશ્ન 6: વનતારાના મિશનમાં સામાન્ય લોકો કેવી રીતે મદદરૂપ થઈ શકે છે?

જવાબ: લોકો સોશિયલ મીડિયા પર વનતારાના પ્રયાસોને શેર કરીને અને જાગૃતિ ફેલાવીને ‘વંતારિયન’ બની શકે છે. ટૂંક સમયમાં જ સ્વયંસેવક (Volunteer) તરીકે જોડાવાની તકો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી વન્યજીવ પ્રેમીઓ આ સેવાયજ્ઞમાં સીધો ફાળો આપી શકશે.