ખંભાળિયાઃ ખોટાં મરણ દાખલાને આધારે 45 વીમા મંજૂર કરાવવા પ્રયત્ન પાંચની ધરપકડ, ક્લેઇમની તપાસમાં ભાંડો ફૂટ્યો

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Wed, 24 May 2023 08:44 AM (IST)Updated: Wed, 24 May 2023 08:54 AM (IST)
get-45-insurances-approved-based-on-wrongful-death-cases-in-khambhalia-5-arrested

લોકલ ડેસ્કઃ ખંભાળિયામાં આવેલી રિલાયન્સ નીપોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં જુદા જુદા ગામોના 45 જેટલા આસામીઓના બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરી અને વીમા માટે કુલ રૂપિયા 1.03 કરોડની રકમના ખોટા ડેથ ક્લેમ મૂકવા સબબ ત્રણ સેલ્સ મેનેજર સહિત કુલ સાત શખ્સો સામે ગુનો નોંધાયો છે.

આ સમગ્ર પ્રકરણની ફરિયાદ મુંબઈના બાંદ્રા તાબેના વિક્રોલી ખાતે રહેતા અને બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ (પૂર્વ)માં આવેલી રિલાયન્સ નિપોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા વાસુદેવભાઈ દિગંબરભાઈ પુંડલીક ટીકમ દ્વારા ખંભાળિયાની બ્રાન્ચમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશ મેથુભાઈ ભરવાડ, ધના રામ નંદાણીયા અને ખીમા ચાવડા ઉપરાંત ભરત દેવાભાઈ નંદાણીયા, રાજેશ ઉર્ફે રાજુ મગનભાઈ જગતીયા, ખંભાળિયા તાલુકાના સેઢા ભાડથર ગામે રહેતા અરજણ ભીખાભાઈ આંબલીયા, કાનપર શેરડી ગામના રામ મચ્છાભાઈ વેજાભાઈ મુંધવા નામના કુલ સાત શખ્સો ઉપરાંત આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે પણ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ મુજબ, ઇન્શ્યોરન્સ કંપનીમાં વીમા પોલિસી મંજૂર થવા માટે વેરિફિકેશન કરનાર એજન્સી તરફથી કોઈ ગેરકાયદેસર તજવીજ થઈ હોવા અંગેની માહિતી મળે તો કંપનીના અધિકારી ફરિયાદી વાસુદેવભાઈ દ્વારા પોલીસ સાથે લાયઝનિંગ કરી, અભ્યાસ કરીને ગેરકાયદેસર રીતે ખોટી માહિતી આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી કરવામાં આવે છે.

વર્ષ 2008થી ડિસેમ્બર 2019 દરમિયાન ખંભાળિયાની બ્રાન્ચ ખાતે અલગ-અલગ વિમેદારની કુલ 77 વીમા પોલિસીના કલેમ થયા હતા. જે અંગે સ્થાનિક ગ્રામ પંચાયત કે કચેરી ખાતે વેરિફિકેશનમાં 32 વીમા ધારકના મરણના દાખલા ખરા હોવાનું જાહેર થયું હતું. જ્યારે અન્ય 45 વીમા પોલિસીમાં વીમાધારકના મરણના દાખલાની યોગ્ય નોંધ ન હોવાથી તેઓના મરણના દાખલા ખોટા હોવાનું ધ્યાને આવ્યું હતું.

આમ, જુદા જુદા નામની 45 વીમા પોલિસીમાં જે-તે વખતે સેલ્સ મેનેજર તરીકે બાવતા મુકેશભાઈ ભરવાડ, ધનાભાઈ નંદાન્નીયા તથા ખીમાભાઈ ચાવડા દ્વારા ગુનાહિત કાવતરુ રચી, પોતાના અંગત ફાયદા માટે વીમા ધારકોના મરણ અંગેના બનાવટી દાખલા અને દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, રિલાયન્સ નીપોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની તેમજ વીમાધારકો સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી અને ખોટા ડેથ ક્લેમ મૂકી અને કુલ રૂપિયા 1,03,15,927ની રકમના ડેથ ક્લેમ કરવામાં આવ્યા હતા.

આ અંગે પોલીસે ગુનો નોંધી ધના રામ નંદાણીયા, ભરત દેવાત નંદાણીયા, રાજેશ ઉર્ફે રાજુ મગનભાઈ જગતિયા અરજણ ભીખાભાઈ આંબલીયા અને રામ મચ્છાભાઈ મુંધવા નામના પાંચ શખ્સોની અટકાયત કરી હતી. આ કૌભાંડમાં આગળની તપાસ એસઓજી વિભાગના પીએસઆઈ પી.સી. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.