Jamnagar: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક સ્વ. ધીરૂભાઈ અંબાણીની જન્મજયંતિ તેમજ આગામી નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ખાસ અવસરે જામનગર એરપોર્ટ પર આજે સવારથી જ બૉલિવૂડ સ્ટાર્સ અને દિગ્ગજ ખેલાડીઓનું આગમન શરૂ થઈ ગયું છે.
સૂર્યકુમાર યાદવ પરિવાર સાથે ‘વનતારા’ની મુલાકાત લેશે
ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આજે પોતાના પરિવાર સાથે જામનગર એરપોર્ટ પર ઉતર્યો હતો. જ્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ સૂર્યાકુમાર યાદવ સહપરિવાર અનંત અંબાણીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'વનતારા' ની મુલાકાત લઈને વન્યજીવોના સંરક્ષણ માટે થઈ રહેલા કાર્યો નિહાળી શકે છે.
જામનગરમાં બૉલિવૂડ સ્ટાર્સનો જમાવડો
ક્રિકેટરોની સાથે જ બૉલિવૂડના કલાકારોએ પણ જામનગરની ધરતી પર પગ મૂક્યો હતો. સુપરસ્ટાર સલમાન ખાન, સલમાનની બહેન અર્પિતા ખાન, બનેવી આયુષ શર્મા અને જાણીતા અભિનેતા રિતેશ દેશમુખ પણ જામનગર પહોંચ્યા હતા. એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીત બાદ તમામ સેલિબ્રિટીઝ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રિલાયન્સ ટાઉનશિપમાં જવા રવાના થયા હતા.
