ગાંધીનગર.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવી છે. હવે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથની ઘડીઓ ગણાઈ રહી છે. એવામાં ચૂંટણીમાં અપક્ષ જીતેલા 3 અપક્ષ ધારાસભ્યોએ બેઠક કરતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે. એવું કહેવાય છે કે, આ ત્રણેય અપક્ષ ધારાસભ્યો ભાજપને સમર્થન આપી શકે છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બાયડ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધવલસિંહ ઝાલા, વાઘોડિયા બેઠક પરથી ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ ધાનેરા બેઠક પરથી ચૂંટાયેલા માવજીભાઈ દેસાઈ વચ્ચે બેઠક મળી હતી. ખુદ ધવલસિંહ ઝાલાએ પોતાના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેઓ માવજીભાઈ દેસાઈ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જોવા મળી રહ્યાં છે.
જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ટિકિટ ના આપતાં ધવલસિંહ ઝાલા અને માવજીભાઈ દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડ્યા હતા. જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ પહેલા ભાજપ સાથે જ જોડાયેલા હતા, પરંતુ પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના કારણે પાર્ટીમાંથી તેમની હકાલ પટ્ટી કરવામાં આવી હતી.
આ ચૂંટણીમાં વાઘોડિયા બેઠક પર ભાજપ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયા પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાગ લીધો હતો અને ટિકિટ માટે દાવેદારી પણ કરી હતી. જો કે ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને મેન્ડેટ આપ્યું હતુ.
અગાઉ મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ કહી ચૂક્યાં છે કે, જે ઉમેદવારોએ પાર્ટી સાથે બળવો પોકારીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, તેમના માટે ભાજપના દ્વારા બંધ થઈ ગયા છે. પાટીલે કહ્યું હતું કે, અપક્ષ ઉમેદવારો જીતશે, તો પણ તેમને ભાજપમાં ફરીથી લેવામાં નહીં આવે. એવામાં આ ત્રણેય અપક્ષ ધારાસભ્યો જો ભાજપને ટેકો આપે છે કે કેમ? તે જોવું રહ્યું.
