Halol News: પંચમહાલના હાલોલ તાલુકા માં રહેતા અને મોટર ગેરેજનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાત ચલાવતા પરિવાના મોભીના પુત્રએ વ્યાજે લીધેલા રૂપિયાની વસુલી માટે બેફામ બનેલા વ્યાજખોરોએ જીવલેણ હુમલો કર્યો હતો. ઘરે પહોંચી ગાળો આપી તીક્ષ્ણ હથિયારથી તેના અને તેના પરિવાર પર હુમલો કરતા લોહિથી લથપથ હાલતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે હાલોલ બસસ્ટેન્ડ પાસેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હાલોલ ટાઉન પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી.
વ્યાજખોરોના હુમલાનો ભોગ બનેલા ફિરોજભાઈ ઘાંચીના પત્ની રુકશાનાબેન ફિરોજભાઇ ઘાંચીએ હાલોલ ટાઉન પોલીસ મથકમાં જાણવ્યું હતું કે, હું પરિવાર સાથે હાલોલ ખાતે બાદશાહ બાવાની દરગાહ પાસે સંયુક્ત પરિવાર સાથે રહીએ છીએ. ગત રાત્રીના અમે જમીને ઘરે સુતા હતા તે દરમિયાન રાત્રે એક વાગ્યે લીમડી ફળીયામાં રહેતો ફરહાન યુનુશ લીમડીયા, સાહિલ અમજદ લીમડીયા ઉર્ફે પાતરી, અને યુનુશ મુસા લીમડીયા અમારા ઘરે આવ્યા હતા.
રાત્રીના એક વાગે ત્રણ ઈસમો ઘરમાં ગેરકાયદે પ્રવેશી તમારા છોકરા ફઝલે અમારી પાસેથી રૂપિયા લીધેલા છે, તે અમને આપી દો તેમ કહી ગાળો બોલવાનું શરૂ કરી દેતા મારા પતિ ફિરોઝભાઇએ તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયેલા ફરહાને મારા પતિ ફિરોઝભાઇને ચપ્પુ મારી દીધું હતું. અન્ય ઈસમોએ મારા પતિને મારવાનું શરૂ કરી દેતા મારા પતિને બચાવવા હું વચ્ચે પડતા તેઓએ મને પણ માર માર્યો હતો.
મારા છોકરાઓએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેથી લોકટોળા ભેગા થઇ જતા ત્રણેય સ્થળ પરથી નાસી છુટ્યા હતા. ઘટનામાં મારા પતિ અને પુત્રના હાથમાં ચપ્પુ વાગ્યું હતું. સમગ્ર મામલે હાલોલ લીમડી ફળીયામાં રહેતા ફરહાન યુનુશ લીમડીયા, સાહિલ અમજત લીમડીયા ઉર્ફે પાતરી, અને યુનુશ મુસા લીમડીયા વિરુદ્ધ હાલોલ ટાઉન પોલીસે ગુનો નોંધી ત્રણેયને આરોપીઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે. માથાભારે સાહિલ ઉર્ફે પાતરી અમજદ લીમડિયા અગાઉ હુમલા-મારામારીના કેસમાં તડીપાર કરાયો હતો અને તેણે જેલમાં રહી વીડિયો વાયરલ કર્યો હતો.
