Halol News: પંચમહાલના હાલોલ શહેરમાં ખારી વર્દી પહેરીને પોતે પોલીસ અધિકારી હોવાનો રોપ બતાવનાર એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે. નકલી પોલીસ બનીને આ શખ્સ વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હતો. મોબાઈલ શોપમાં નકલી પોલીસ બનીને મોબાઈલ ખરીદ્યો હતો. વેપારીએ ઠગાઈ થઇ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલોલ ટાઉન પોલીસમાં મોબાઈલના વેપારી પ્રકાશ દુર્ગાજી મારવાડીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી વેપારીએ જણાવ્યું હતું કે, તે મોબાઈલ ફોન લે વેચનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવું છે. 17 ફેબ્રુઆરીના રોજ બપોરે દોઢ વાગ્યાની આસપાસ દુકાન ધરાવે છે. બપોરે દોઢ વાગ્યાની આસપાસ નકલી પોલીસ બનીને આવેલા આરોપીએ મોબાઈલ ખરીદવાની વાત કરી હતી. જેથી વેપારીએ અલગ અલગ કંપનીના મોબાઈલ બતાવ્યા હતા.
આરોપીએ 25,999 રૂપિયાનો મોબાઈલ પસંદ કર્યો હતો અને જણાવ્યું હતું કે, બેન્કમાંથી રૂપિયા ઉપાડ્યા નથી. બેન્ક બંધ થઇ ગઇ છે. ચેક લખીને આપું છું. વેપારીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ ગુજરાત પોલીસનું આઇકાર્ડ પણ બતાવ્યું હતું. જેમાં તેનું નામ અશોક ભેમાભાઈ ચૌધરી લખેલું હતું અને તે ગોધરાના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું.
જેથી વિશ્વાસમાં આવીને વેપારીએ તેને બિલ સાથે મોબાઇલ ફોન આપ્યો હતો. જ્યારે આરોપીએ વેપારીને ચેક આપ્યો હતો. જે ચેક બેંક ખાતામાં બેલેન્સ ના હોવાના કારણે બાઉન્સ થતા વેપારીને તેની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થયો હતો.
નકલી પોલીસ બનીને આવેલા ઠગે અગાઉ શિવકૃપા ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન ધરાવતા અનિલભાઇ પાવાણી પાસે એલઇ ડી ટીવી ખરીદ્યું હતું અને ચેક આપતા તે ચેક પણ બાઉન્સ થયો હોવાનું મારા ધ્યાને આવ્યું હતું. જે બેંકનો ચેક ઠગે આપ્યો હતો તે બેંકમાં તપાસ કરતા 17 ફેબ્રુઆરી, 23ના રોજ જ આ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું.
વેપારીની ફરિયાદના આધારે હાલોલ ટાઉન પોલીસે આરોપીને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં પોલીસને સફળતા મળી છે. નકલી પોલીસ બની લોકો સાથે ઠગાઇ કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી અશોકભાઇ ચૌધરી અગાઉ પણ અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકમાં નકલી પીએસઆઇ તરીકે પકડાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
