Godhra Civil Hospital Fire: ગોધરા ખાતે આવેલી મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલના દવા સ્ટોર રૂમમાં મધ્યરાત્રિના સમયે અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. આકસ્મિક રીતે લાગેલી આગને પગલે સમગ્ર હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જોકે, બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી.
હોસ્પિટલમાં 200 દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા
ઘટના સમયે હોસ્પિટલના જુદા જુદા વોર્ડમાં 200થી વધુ દર્દીઓ સારવાર હેઠળ દાખલ હતા. આગના ધુમાડા ચોમેર પ્રસરી જતાં દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. પરંતુ હોસ્પિટલ સ્ટાફ અને તંત્રની ત્વરિત કાળજી અને સમયસૂચકતાના કારણે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે સમયસર બહાર નીકાળી લેવામાં આવ્યા હતા. તંત્રના સાહસિક પ્રયાસોથી એક મોટી હોનારત અને જાનહાનિ ટળી હતી.
કિંમતી દવાનો જથ્થો બળીને ખાખ થયો
ફાયર બ્રિગેડની ટીમે ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગની આ ચોંકાવનારી ઘટનામાં સ્ટોર રૂમમાં રાખવામાં આવેલો કિંમતી દવાઓનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કયું કારણ હતું તે જાણી શકાયું નથી, જેથી સબંધિત વિભાગ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
હોસ્પિટલની સુરક્ષા-વ્યવસ્થા સામે સવાલો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરા સિવિલ હોસ્પિટલના આ જ મેડિકલ સ્ટોર રૂમમાં અગાઉ 10 જુલાઈ 2025ના રોજ પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં લાખો રૂપિયાની કિંમતી દવાઓ નાશ પામી હતી. આશ્ચર્યજનક બાબત એ છે કે, તે સમયે થયેલા આર્થિક નુકસાન અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ સત્તાવાર આંકડો કે વિગત જાહેર કરવામાં આવી નથી. ત્યારે એક જ જગ્યાએ ફરીથી આગ લાગતા હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
