Pavagadh Temple: 20 માર્ચથી પાવાગઢ મંદિરે શ્રદ્ધાળુંઓ છોલેલુ શ્રીફળ અર્પણ નહીં કરી શકે, ભાવિકોમાં નારાજગી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 14 Mar 2023 01:07 PM (IST)Updated: Tue, 14 Mar 2023 01:07 PM (IST)
from-march-20-devotees-will-not-be-able-to-offer-shelled-shrifal-at-the-pavagadh-temple

Halol News: સુપ્રસિદ્ધ પાવાગઢ યાત્રા ધામ ખાતે પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં તેવો નિર્ણય કરતા વિવાદનો મધપૂડો છણછેડાયો છે. વેપારીઓ અને ભક્તોમાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લેવામાં આવેલ નિર્ણયથી ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજી બાજુ સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદના સ્થાને ચીકીના પ્રસાદનો વિવાદ હજુ શાંત થયો નથી, ત્યાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા લાગુ કરવામાં આવેલ નિર્ણયથી વધુ એક મંદિરમાં વિવાદ ઉભો થયો છે .

પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી 20 માર્ચથી યાત્રા ધામ ખાતે આવતા તમામ ભક્તો છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકશે નહીં. વેપારીઓ પર પણ છોલેલા શ્રીફળનું વેચાણ કરવા પર પ્રતિબન્ધ મુકવામાં આવ્યો છે. જો કોઈ વેપારી યાત્રાધામ ખાતે છોલેલું શ્રીફળનું વેચાણ કરશે. તો તેની સામે યાત્રાધામ ને સ્વચ્છ રાખવામાં સાથ સહકાર નહીં આપી ગંદકી કરવા બદલ સરકારના સંબંધિત અધિકારી દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આગામી તારીખ 20 માર્ચ સોમવારથી યાત્રાધામ પાવાગઢ ખાતે આવતા કોઈપણ શ્રદ્ધાળુ મંદિરમાં છોલેલું શ્રીફળ નહિ લાવી શકે. આખું શ્રીફળ માતાજીના ચરણોને સ્પર્શ કરાવી ઘરે લઇ જવાનું રહેશે. પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ ફરમાન કરવામા આવ્યું છે અને છોલેલું શ્રીફળ મંદિરમાં શ્રદ્ધાળુ લઈને ન આવે તે માટે શક્તિદ્વારથી ચેકિંગ હાથ ધરવામાં આવશે.

હોળીના બીજા દિવસે યાત્રાધામ પાવાગઢ ખાતે કચરાના ઢગલામાં આગ લાગી હતી. જે કારણોસર પાવાગઢ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે, પરંતુ આ નિર્ણયને પગલે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સફાઈનો કૉન્ટ્રાક્ટ આપ્યો હોવા છતાં સફાઈ નથી થઇ રહી તેવા વેપારીઓએ આક્ષેપ કર્યા હતા.