Crocodile Attack: હાલોલના તાડીયા ડેમ નજીક પશુ ચરાવતા યુવક પર મગરનો હુમલો, છલાંગ મારી પાણીમાં ખેંચી જતા યુવકનું મોત

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 06 Apr 2023 05:31 PM (IST)Updated: Thu, 06 Apr 2023 05:31 PM (IST)
crocodile-attack-on-youth-grazing-cattle-near-tadia-dam-in-halol

Halol News: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા તાડીયા ડેમમાં બપોરના સમયે પશુ ચરાવવા ગયેલા યુવકે પશુઓને ચરાવી પશુઓને પાણી પીવડાવા તાડીયા ડેમમાં ઉતર્યો હતો, ત્યારે અચાનક ડેમમાંથી મગરે છલાંગ મારી યુવક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને તરવૈયાઓએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરતા પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલોલ તાલુકાના વાઘબોર્ડ ગામ ખાતે રહેતા પર્વત નાયક અને તેમના પત્ની ગામ નજીક આવેલ તાડીયા ડેમ ખાતે ભેંસો ચરાવવા ગયા હતા. બપોરના સમયે ભેંસો ચરાવી તાડીયા ડેમમાં ભેંસોને પાણી પીવડાવા ઉતર્યો હતા તે દરમિયાન અચાનક ડેમમાંથી મગરે છલાંગ મારી પર્વત નાયક પર હુમલો કર્યો હતો. પર્વતભાઈને મગર મોઢામાં પકડી પાણીમાં ખેંચી ગયો હતો. પર્વતભાઈના પત્નીએ સમગ્ર ઘટના અંગે ગામના લોકોને ફોન કરતા ગ્રામજનો તાડીયા ડેમ ખાતે દોડી આવ્યા હતા.

તાડીયા ડેમ ખાતે મોટી સંખ્યામાં દોડી આવેલા ગ્રામજનોએ પર્વતભાઈને શોધવા પાણીમાં મચ્છી પકડવાની જાળ નાખતા જાળમાં પર્વતભાઈ અને મગર ફસાઈ ગયા હતા. ગ્રામજનોએ ભારે જેહમતથી જાળને ખેંચી હતી પરંતુ જાળમાં વજન વધી જતા જાળ ફાટી ગઈ હતી અને મગર જાળમાંથી છટકી ડેમમાં ભાગી ગયો હતો.

મચ્છી પકડવાની જાળમાં ફસાઈ રહેલ પર્વતભાઈને ભારે જેહમત બાદ ગ્રામજનોએ બહાર કાઢ્યા હતા પરંતુ મગરના હુમલાના કારણે પર્વતભાઈનું મોત નીપજ્યું હોવાની જાણ થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ હાલોલ રૂરલ પોલીસને કરવામાં આવતા હાલોલ રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પર્વતભાઈના મૃતદેહને પીએમ અર્થે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.