Halol News: બાલાસિનોરની હોસ્પિટલમાં દાખલ સંબંધીના ખબર-અંતર પૂછીને પરત ફરી રહેલા પાવીજેતપુરના મુવાડાના વાલ્મિકી પરિવારને ઘોઘંબા પાસે અકસ્માત નડ્યો હતો. લક્ઝરી કાર સાથે ઇકો અથડાતા 9 લોકોને ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે હાલોલ લઇ જવાયા હતા, જ્યાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે સભ્યોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય સાતમાંથી બે ઇજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, પાવીજેતપુર તાલુકાના મુવાડા ગામમાં રહેતા રાયશીંગ દિનભાઈને લકવાની અસર થઇ હતી. તેમને સારવાર અર્થે બાલાસિનોરી લકવાની હોસ્પિટલ માં છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેથી મુવાડા ગામમાં જ રહેતા કુટુંબીજનો રાયશીંગભાઈના ખબર-અંતર પૂછવા મુવાડાથી ઇકો કાર અને વેગેનાર બે ગાડીઓ લઈને બાલાસિનોરની લકવા હોસ્પિટલ પહોંચ્યા હતાં.
લકવા હોસ્પિટલથી કુટુંબીજનો રાયશીંગભાઈના ખબર-અંતર પૂછી ઇકો કાર અને વેગેનારમાં સવાર થઇ મુવાડા ગામ પરત ફરતા હતા. તે દરમિયાન ઘોઘંબા નજીક રવેરી ચોકડી પાસે તેઓની બે ગાડી પૈકી આગળ જઈ રહેલી ઇકો કારને સામેથી આવતી લક્ઝરી બસે ટક્કર મારતા અકસ્માત થયો હતો. જેમાં ઇકો કારમાં સવાર 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બેનાં હાલોલ હોસ્પિટલમાં મોત થયા હતા.
વાલ્મિકી પરિવારની ઇકો કારને નડેલા અકસ્માતમાં શંકરભાઈ દીનાભાઇ હરીજન અને ચંદુભાઈ સાબુડાભાઈ હરીજનનું મોત નીપજ્યું હતું અને અક્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા નીતિન લક્ષ્મણભાઈ સોલંકી અને મનોજ શંકરભાઈ સોલંકીને હાલોલ રેફરલ હોસ્પિટલમાંથી વદોડરાની સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે અન્ય ઇજાગ્રસ્તોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાથી તેમને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી.
