રાજેન્દ્રસિંહ પરમાર, Gandhinagar: ગાંધીનગર મહાનગરપાલિકામાં 38 બેઠકો જીતીને ભાજપે સત્તા તો જાળવી રાખી છે, પણ જીત બાદ અસલી સંગ્રામ હવે સત્તાના શિખરે બેસનારા ચહેરા છે. અનામત રોસ્ટર મુજબ આ વખતે ગાંધીનગરને OBC મેયર (Gandhinagar Municipal Corporation OBC Mayor) મળવાના છે, ત્યારે કમલમના ગલિયારાઓમાં સૌથી મોટો સવાલ એ ઘૂંટાઈ રહ્યો છે કે શું?
વર્ષો જૂના વોર્ડ નંબર 5નો દબદબો જળવાઈ રહેશે, કે પછી 2027ની વિધાનસભા ચૂંટણીના જ્ઞાતિગત સમીકરણો સાધવા માટે પક્ષ કોઈ નવો જ ચહેરો સામે લાવશે? જ્ઞાતિ પ્રભુત્વ અને રાજકીય શતરંજનો સંપૂર્ણ અહેવાલ.
આ પણ વાંચો
ગાંધીનગર મનપા: OBC મેયર પદ માટે જ્ઞાતિ સમીકરણોનું મોટું ગણિત
ચૌધરી અને ઠાકોર સમાજ: ગ્રાઉન્ડ લેવલ પર સૌથી વધુ સંખ્યાબળ ધરાવતી વોટબેંક.
નાયી / સેન સમાજ: બિન-વિવાદાસ્પદ અને નાના OBC વર્ગને સાધવાનો માસ્ટરસ્ટ્રોક?
ત્રિ-સ્તરીય સત્તા બેલેન્સ: મેયર (OBC) + ડેપ્યુટી મેયર + સ્ટેન્ડિંગ કમિટી.
ગાંધીનગરના રાજકીય ઇતિહાસ પર નજર કરીએ તો, સ્થાપના કાળથી જ વોર્ડ નંબર 5નો દબદબો રહ્યો છે. પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાથી લઈને હંસાબેન મોદી, પ્રવિણ પટેલ અને રીટાબેન પટેલ સુધીના 4-4 મેયર આ જ એક વોર્ડમાંથી આવ્યા છે.
2026ની ચૂંટણીમાં પણ વોર્ડ નંબર 5 પર ભાજપે કબ્જો જાળવી રાખ્યો છે, પરંતુ આ વખતે મેયર પદ OBC અનામત ફાળવાતા જ પરંપરાગત સત્તાના કેન્દ્ર અને નવી જ્ઞાતિગત માંગ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ગાંધીનગરમાં મેયર પદ સંભાળી ચૂકેલા નેતા શું કહે છે?
સારા કામના આધારે મેયરની પસંદગી કરવામાં આવે છેઃ મહેન્દ્રસિંહ રાણા
આ અંગે ગાંધીનગર મનપાના પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે, મેયરની વરણી માટે મોવડી મંડળ તરફથી નિરીક્ષકો મૂકવામાં આવ્યા હતા. ગઈકાલે જ તમામ કોર્પોરેટરો ઉપરાંત ભાજપના પદાધિકારીઓએ તેમને સાંભળ્યા છે. હવે તે તમામની સમીક્ષા કરવામાં આવશે, જે બાદ પાર્લિયામેન્ટરી બોર્ડમાં દરેકના પર્ફોમન્સને જોઈને આખરી નિમણૂંક આપવામાં આવશે. આમ ભાજપમાં સારા કામના પર્ફોમન્સના આધારે મેયરની પસંદગી કરવામાં આવતી હોય છે.

ભાજપના દરેક સમાજને સાચવીને મેયર બનાવવામાં આવે છેઃ હિતેશ મકવાણા
જ્યારે પૂર્વ મેયર હિતેશ મકવાણાએ જણાવ્યું કે, ગાંધીનગરએ ગુજરાતનું પાટનગર છે. આથી સમગ્ર રાજ્યને ધ્યાનમાં રાખીને પાર્ટી મેયરની પસંદગી કરતી હોય છે. દરેક સમાજ તેમજ છેવાડાની પંક્તિમાં બેઠેલો સમાજ પણ વિકાસથી વંચિત ના રહી જાય અને તે સત્તામાં ભાગીદાર થાય તેવી ભાજપનું રૂપરેખા હોય છે.
હું પણ એક નાના સમાજમાંથી આવું છું. મને પણ ભાજપે ગાંધીનગરના પાંચમા મેયર બનવાની તક આપી હતી. ભાજપ દરેક સમાજોને સાચવીને તેમાંથી કોઈ એક વ્યક્તિને તારવીને મેયર બનાવતી હોય છે. જેમાં દરેક લોકો સાથે મળીને ગાંધીનગરના વિકાસમાં પોતપોતાનું યોગદાન આપતા હોય છે.

| વર્ષ / ટર્મ | મેયરનું નામ | વિજેતા વોર્ડ | વિશેષ નોંધ |
| 2011 | મહેન્દ્રસિંહ રાણા | વોર્ડ નં. 5 | ગાંધીનગર મનપાના પ્રથમ મેયર |
| 2015 | હંસાબેન મોદી | વોર્ડ નં. 5 | મહિલા પ્રતિનિધિત્વ અને પરંપરા યથાવત |
| 2016 | પ્રવીણ પટેલ | વોર્ડ નં. 5 | હેટ્રિક નોધાવનાર વોર્ડ |
| 2019 | રીટાબેન પટેલ | વોર્ડ નં. 5 | વોર્ડ નં. ૫ નો ચોથો વિજય |
| 2021 | હિતેશ મકવાણા | વોર્ડ નં. 8 | પરંપરા તૂટી, નવો વોર્ડ અસ્તિત્વમાં આવ્યો |
| 2024 | મીરાબેન પટેલ | વોર્ડ નં. 10 | પાછલી ટર્મના મહિલા મેયર |
2026 GMC ચૂંટણી: સત્તાનું નવું ગણિત અને સમીકરણો
કુલ બેઠકો: 44
ભાજપની 38 બેઠકો (સ્પષ્ટ બહુમતી)
કોંગ્રેસ/અન્ય: 06 બેઠકો
મેયર પદ અનિવાર્યપણે પછાત વર્ગ માટે ફિક્સ.
ગાંધીનગરની ચૂંટણી પર રાજ્યની આગામી ચૂંટણીની સીધી અસર.
વોર્ડ-6માં કોંગ્રેસની ક્લીન સ્વીપ
ભાજપનું નવું સેફ મોડેલ ગણિતઃ પાટનગરમાં જ્ઞાતિ સમીકરણો
ચૌધરી / આંજણા સમાજ - વોર્ડ નં. 1, 2, 4, 8, 9, 10: ગાંધીનગર મનપાના ગ્રામ્ય અને સેક્ટરના વિસ્તારો (જેમ કે પાલજ-ધોળાકુવા, કુડાસણ, રંધેજા) માં પટેલ અને ઠાકોર પછી ચૌધરી/અંજના સમાજની મોટી વસતી અને પ્રભુત્વ છે. ઉત્તર ગુજરાતના સમીકરણો સાધવા માટે પક્ષ આ કાર્ડ રમી શકે.
ઠાકોર સમાજ (OBC અનામત હેઠળ) - વોર્ડ નં. 1, 2, 4, 6, 7, 8, 10, 11: ગાંધીનગરના મોટાભાગના વોર્ડ્સમાં (ખાસ કરીને રંધેજા, પેથાપુર, અંબાપુર, ભાટ-ખોરજ) ઠાકોર સમાજના મતદારો સૌથી વધુ સંખ્યામાં છે. જો પક્ષ સીધું સંખ્યાબળ જુએ તો આ સમાજમાંથી કોઈને તક મળી શકે.
સેન / નાયી / અન્ય નાના OBC- વોર્ડ નં. 10, 5, 4, 6: બિન-વિવાદાસ્પદ અને બેલેન્સિંગ ફેક્ટર: મોટી જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષને ટાળવા માટે ભાજપ હંમેશાં નાના અને સંગઠનનિષ્ઠ OBC વર્ગને પ્રાધાન્ય આપે છે. વોર્ડ 10 કે 5માં નાયી/સેન કે અન્ય સમુદાયના મતોનું સામાજિક સંતુલન સારું છે.
મનપાના મતદાર ડેટા પર નજર કરીએ તો, ગાંધીનગરના ગ્રામ્ય પટ્ટા અને નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ઠાકોર અને ચૌધરી/આંજણા સમાજનું મોટું રાજકીય વર્ચસ્વ છે. વોર્ડ 4 અને 9માંથી મહેશ ચૌધરી જેવા પ્રભાવશાળી નેતાઓ દાવેદાર છે, જે ઉત્તર ગુજરાતના સમીકરણો સાધી શકે છે.
બીજી તરફ, મોટી જ્ઞાતિઓ વચ્ચેના જૂથવાદથી બચવા ભાજપ હંમેશાં નાના અને સંગઠનનિષ્ઠ વર્ગને પ્રાધાન્ય આપે છે. એવામાં વોર્ડ નંબર 10 ના ધર્મેન્દ્ર નાયીનો દાવો મજબૂત બને છે. જ્યારે વોર્ડ 5ના પરંપરાગત ચહેરા કનૈયાલાલ દેસાઈ ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તા તરીકે રેસમાં મજબૂત છે.

રેસમાં રહેલા મેયર પદના ઉમેદવારો તથા તેમના સારા અને નરસા કારણો
ધર્મેન્દ્ર નાયી (વોર્ડ નં. 10)
સારા કારણો
- સેન/નાયી સમાજમાંથી આવતા હોવાથી મજબૂત સામાજિક સંતુલન.
- બિન-વિવાદાસ્પદ અને સ્વચ્છ છબી ધરાવતો યુવા ચહેરો.
- વોર્ડ-10માંથી સંગઠન સાથે મજબૂત પકડ.
નરસા કારણો
- પરંપરાગત મોટી વોટબેંક (ચૌધરી/ઠાકોર) ની સરખામણીએ જ્ઞાતિગત સંખ્યાબળ મર્યાદિત.
- હાઇકમાન્ડ જો મોટી જ્ઞાતિને પ્રાધાન્ય આપે તો રેસમાં પાછળ પડી શકે.
કનૈયાલાલ દેસાઈ (વોર્ડ નં. 5)
સારા કારણો
- 'મેયર વોર્ડ' ગણાતા વોર્ડ નં. ૫ ની પરંપરાગત તાકાત.
- ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોમાં સીધી સ્વીકાર્યતા અને સક્રિયતા.
- OBC અનામતની તમામ શરતોમાં સંપૂર્ણ ફીટ.
નરસા કારણો
- જો પક્ષ 'નો-રિપીટ વોર્ડ' ની નીતિ અપનાવે તો દાવો નબળો પડી શકે.
- અન્ય વરિષ્ઠ સભ્યો તરફથી આંતરિક સ્પર્ધાનો સામનો કરવો પડે.
મહેશ ચૌધરી (વોર્ડ નં. 4 /9)
સારા કારણો
- આંજણા/ચૌધરી સમાજનું ગાંધીનગર પંથકમાં મોટું રાજકીય વર્ચસ્વ.
- ઉત્તર ગુજરાતના સમીકરણો સાધવા માટે પક્ષ માટે ઉત્તમ પસંદગી.
- મજબૂત અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિત્વ.
નરસા કારણો
- જો અન્ય પદાધિકારીઓમાં આ સમાજને પ્રતિનિધિત્વ મળે તો સંતુલન જાળવવા પદ બદલાઈ શકે.
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ માટે પણ દાવો હોવાથી દ્વિધા સર્જાઈ શકે.
જો ઠાકોર સમાજ માંથી મેયર બને તો
સારા પરિણામો
- આ સમાજમાંથી મેયર બનવાથી પક્ષની સૌથી મોટી વોટબેંકને સીધો અને સચોટ રાજકીય સંદેશ મળે.
- આગામી સમયમાં આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, પાટનગર અને ઉત્તર ગુજરાતના પટ્ટામાં પ્રભાવશાળી ઠાકોર સમાજને સત્તાના શીર્ષ સ્થાને બેસાડવાથી પાર્ટીનું રાજકીય પલડું વધુ મજબૂત બની શકે છે.
- ગાંધીનગર મનપામાં કુલ 11 વોર્ડ પૈકી 8 વોર્ડમાં ઠાકોર સમાજ જમીની સ્તરે સારો જનસંપર્ક ધરાવતા હોવાથી વહીવટી અને સંગઠનાત્મક સંકલનમાં સરળતા રહે છે.
નરસા પરિણામો
- આંતરિક પક્ષીય અસંતુલન
- જો મેયર પદ ઠાકોર સમાજને ફાળવવામાં આવે, તો અન્ય ઓબીસી સમુદાયો (જેમ કે ચૌધરી, નાયી, રબારી કે પ્રજાપતિ સમાજ) ને સત્તામાં ઓછું પ્રતિનિધિત્વ મળ્યાની ભાવના પેદા થઈ શકે છે, જેનાથી આંતરિક અસંતોષ જાગી શકે.
ગાંધીનગર શહેર (સેક્ટરો) અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચે વિકાસના મુદ્દાઓ અલગ હોય છે. જો ગ્રામ્ય પ્રભુત્વ ધરાવતો ચહેરો મેયર બને, તો સેક્ટર વિસ્તારના કોર્પોરેટરો સાથે વહીવટી પ્રાથમિકતાઓને લઈને મતભેદો ઊભા થવાની સંભાવના રહે છે.
ભાજપ સામાન્ય રીતે 'સૌનો સાથ, સૌનો વિકાસ' ની રાષ્ટ્રીય છબી ધરાવે છે, પરંતુ જો માત્ર સંખ્યાબળના આધારે મોટી જ્ઞાતિને જ પદો અપાય, તો વિપક્ષ દ્વારા તેને જ્ઞાતિવાદી સમીકરણો સાથે જોડીને ટીકા કરવાનો અવસર મળી શકે છે.

આ ચૂંટણીમાં ભાજપ માટે કેટલાક ગણિત પણ બદલાયા છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસે તમામ 4 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કરતા ભાજપનો ગઢ તોડ્યો છે, જેથી આ વોર્ડ મેયર પદની રેસમાંથી આપોઆપ ફેંકાઈ ગયો છે.
આ ઉપરાંત વોર્ડ નંબર 2 અને 7માં ભાજપની પેનલ તૂટી હોવાથી હાઇકમાન્ડ જોખમ લેવા માગશે નહીં. ભાજપનું મોવડીમંડળ 4-0ની સંપૂર્ણ પેનલ જીતનાર વોર્ડ પર જ પસંદગીનો કળશ ઢોળશે.
ભાજપ સરપ્રાઈઝ આપવા માટે માસ્ટરઃ પ્રશાંત ગઢવી
આ સંદર્ભે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ જણાવ્યું કે, ગાંધીનગર મનપાના વોર્ડ નંબર 5માંથી જ અત્યાર સુધી મેયર મળ્યા છે. જો કે આ વખતે ભાજપ અન્ય વોર્ડમાંથી ચૂંટાયેલા મેયરની વરણી કરી શકે છે.
ખાસ કરીને જે ઉમેદવારે કાંટાની ટક્કર સહન કરી છે, પાર્ટી માટે ઘણાં સમયથી કામ કર્યું હોય, કમિટમેન્ટમાં રહી ચૂક્યા હોય, OBC હોય અને સંઘમાંથી આવતા હોય તેવા કોઈને મેયર બનાવી શકે છે. જો કે ભાજપ સરપ્રાઈઝ આપવામાં માસ્ટર છે. આથી નબળા મેયર અને સબળા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપી શકે છે.
ભાજપ માટે મેયરની પસંદગી માત્ર મનપા પૂરતી સીમિત નથી, પણ આવનારી 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મોટું ગણિત છે. પક્ષ આ વખતે 'એક વોર્ડ - એક હોદ્દો' ની નીતિ અપનાવી શકે છે.
જો મેયર પદ OBC કેટેગરીમાંથી ફાળવાય, તો ડેપ્યુટી મેયર તરીકે શહેરી વિસ્તારના જનરલ કે મહિલા ચહેરાને તક મળશે. જ્યારે નાણાકીય પાવર ધરાવતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મેયર પદથી વંચિત રહેલા પ્રભાવશાળી નેતાને ગોઠવીને સંતુલન સાધવામાં આવશે.
હવે જોવાનું એ રહેશે કે, ભાજપ મોવડીમંડળ દર વખતની જેમ અણધાર્યો નિર્ણય લઈને ચોંકાવી દે છે કે પછી જ્ઞાતિ અને વોર્ડના પરંપરાગત ગણિત પર જ ભરોસો મૂકે છે. સત્તાના આ સંગ્રામનું ચિત્ર ટૂંક સમયમાં જ સ્પષ્ટ થશે.
ગાંધીનગર મનપામાં ભલે 38 બેઠકોની મજબૂત બહુમતી ભાજપ પાસે હોય, પરંતુ OBC મેયર તરીકે કોને બેસાડવા તેનો આખરી નિર્ણય જ્ઞાતિગત સંતુલન અને 2027ના રાજકીય લક્ષ્યાંકોને આધારે મોવડી મંડળમાંથી જ લેવાશે.
