વિદ્યાસહાયક ભરતીમાં EWS ઉમેદવારોને ન્યાય આપો: SPG અધ્યક્ષ લાલજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કરી રજૂઆત

પત્રમાં લાયકાત ધરાવતા તેજસ્વી ઉમેદવારો સરકારી નોકરીની તકોથી વંચિત ન રહી જાય તે માટે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 12 Aug 2026 03:06 PM (IST)Updated: Wed, 12 Aug 2026 03:06 PM (IST)
vidyasahayak-recruitment-gujarat-spg-chief-lalji-patel-letter-to-cm-bhupendra-patel-for-ews-candidates
લાલજી પટેલ SPG

Vidyasahayak Bharti 2026: ગુજરાતમાં ધોરણ 1 થી 5 ની આશરે 11,000 વિદ્યાસહાયકોની ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં આર્થિક રીતે પછાત વર્ગ (EWS) ના ઉમેદવારો સાથે ન્યાય થાય તે માટે શ્રી સરદાર પટેલ સેવા દળ (SPG) મેદાને આવ્યું છે. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતો પત્ર પાઠવ્યો છે. પત્રમાં લાયકાત ધરાવતા તેજસ્વી ઉમેદવારો સરકારી નોકરીની તકોથી વંચિત ન રહી જાય તે માટે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે.

લાંબા સમયથી તૈયારી કરતા ઉમેદવારોના ભવિષ્યનો સવાલ

મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, ધોરણ 1 થી 5 ની વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત તાજેતરમાં જ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ભરતીમાં EWS કેટેગરીના આશરે 1,819 ઉમેદવારોએ અરજીઓ કરી છે. બીજી તરફ, ચાલુ ભરતી પ્રક્રિયામાં જિલ્લા ફેરબદલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્યભરમાં આશરે 16,000 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના સેવાઈ રહી છે. લાંબા સમયથી તૈયારી કરી રહેલા ઉમેદવારોની વયમર્યાદા પણ પૂર્ણ થઈ રહી હોવાથી તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો અનિવાર્ય છે.

અગાઉની ખાલી રહેલી 200 જગ્યાઓનો ચાલુ ભરતીમાં સમાવેશ કરવા માંગ

પત્રમાં એ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે કે, અગાઉની ભરતીઓ દરમિયાન EWS કેટેગરીની આશરે 200 જેટલી જગ્યાઓ ભરાયા વગર ખાલી રહી ગઈ હતી. જો આ જૂની ખાલી જગ્યાઓ અને વર્તમાન પ્રક્રિયામાં ઉપલબ્ધ જગ્યાઓની યોગ્ય ગણતરી કરીને ચાલુ વિદ્યાસહાયક ભરતીમાં સમાવેશ કરવામાં નહીં આવે, તો અનેક લાયક ઉમેદવારો રોજગારી મેળવવાથી વંચિત રહી જશે.

કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિર્ણય લેવા અપીલ

SPG અધ્યક્ષ લાલજીભાઈ પટેલે લોકહિતલક્ષી અભિગમ અપનાવવાની વિનંતી કરતા માંગ કરી છે કે, વર્તમાન ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ કાયદાકીય જોગવાઈઓને આધીન રહીને EWS કેટેગરી હેઠળની તમામ ખાલી જગ્યાઓ ઉમેરવામાં આવે. વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવી યોગ્ય નિર્ણય લેવામાં આવે તો જ હજારો લાયક ઉમેદવારોને રોજગારી મળી રહેશે અને EWS કેટેગરીના બંધારણીય હકોનું રક્ષણ થશે.