વ્હાલી દીકરી યોજના: દીકરીના જન્મથી લઈને અભ્યાસ અને લગ્ન સુધી મળશે 1.10 લાખ રૂપિયાની સહાય, જાણો વિગત

ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને ધો.1, ધો.9 અને 18 વર્ષે કુલ 1.10 લાખની સહાય મળે છે. જાણો જરૂરી દસ્તાવેજો, આવક મર્યાદા અને ઓનલાઈન-ઓફલાઈન અરજી કરવાની સરળ પદ્ધતિ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 16 Nov 2026 05:12 PM (IST)Updated: Mon, 16 Nov 2026 05:12 PM (IST)
vahli-dikri-yojana-gujarat-get-rupees-1-lakh-10-thousands-aid-for-daughters

Vahli Dikri Yojana Gujarat: સમાજમાં દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, તેમના શિક્ષણનો વ્યાપ વધારવા અને બાળલગ્ન જેવા દૂષણોને અટકાવવાના ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 7 વર્ષથી 'વ્હાલી દીકરી યોજના' કાર્યરત કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ મહત્વકાંક્ષી યોજના હેઠળ અત્યાર સુધીમાં 2.78 લાખથી વધુ દીકરીઓને 3,000 કરોડ રૂપિયાથી વધુની માતબર આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. જો તમારા પરિવારમાં પણ 2 ઓગસ્ટ 2019 પછી દીકરીનો જન્મ થયો હોય, તો તમે સરકારની આ કલ્યાણકારી યોજનાનો લાભ લઈ શકો છો.

શું છે વ્હાલી દીકરી યોજના અને કેવી રીતે મળે છે સહાય?

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને તેના જીવનના ત્રણ મહત્વપૂર્ણ તબક્કામાં કુલ 1.10 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે પ્રથમ હપ્તા તરીકે 4,000 રૂપિયા અને ધોરણ 9માં પ્રવેશ મેળવે ત્યારે બીજા હપ્તા તરીકે 6,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ દીકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે તેના ઉચ્ચ અભ્યાસ અથવા લગ્ન સહાય પેટે ત્રીજા અને અંતિમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે.

યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

સરકારની આ યોજનાનો લાભ ચોક્કસ માપદંડોમાં આવતા પરિવારોને જ આપવામાં આવે છે. આ યોજના માટે દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 કે તે પછીના સમયગાળામાં થયેલો હોવો ફરજિયાત છે. નિયમ મુજબ દંપતીની પ્રથમ બે દીકરીઓને જ આ સહાય માટે પાત્ર ગણવામાં આવે છે. આ ઉપરાંત, અરજદાર પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

યોજના હેઠળ ફોર્મ ભરતી વખતે અરજદારે કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કરવાના રહે છે-

  • દીકરીનું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતાનું આધાર કાર્ડ
  • પરિવારની વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો આધારભૂત પુરાવો
  • દીકરીના નામનું બેંક એકાઉન્ટ (પાસબુકની વિગત)
  • ધોરણ 1 અને ધોરણ 9ના તબક્કાની સહાય માટે શાળા પ્રવેશનો પુરાવો

ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરવાની સરળ પ્રક્રિયા

પાત્રતા ધરાવતા વાલીઓ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમોથી અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવા માટે રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ emahilakalyan.gujarat.gov.in પર જઈને જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરીને ફોર્મ સબમિટ કરી શકાય છે. જો કોઈ અરજદાર ઓનલાઈન પ્રક્રિયા ન કરી શકે, તો તેઓ પોતાના વિસ્તારની નજીકની આંગણવાડી, આઈસીડીએસ (ICDS) / સીડીપીઓ (CDPO) કચેરી અથવા ગ્રામ પંચાયત ખાતે જઈને ઓફલાઈન ફોર્મ ભરીને જમા કરાવી શકે છે.

અરજી ફી અને સહાય ચૂકવણીની પદ્ધતિ

આ યોજનાની સૌથી મહત્વની બાબત એ છે કે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, એટલે કે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. અરજી જમા કરાવ્યા બાદ સબંધિત વિભાગ દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. અરજી મંજૂર થાય તો અરજદારને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ (SMS) દ્વારા જાણ કરવામાં આવે છે અને સહાયની તમામ રકમ કોઈપણ વચેટિયા વિના સીધી DBT (Direct Benefit Transfer) મારફતે લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.