Gujarat UPSC Incentive Scheme: ગુજરાતનું તેજસ્વી યુવાધન કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા લેવામાં આવતી અખિલ ભારતીય મુલ્કી સેવા પરીક્ષાઓમાં વધુને વધુ સફળતા મેળવે અને વૈશ્વિક સ્તરે રાજ્યનું નામ રોશન કરે તેવા ઉમદા હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
જે અંતર્ગત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 24 જૂન 2026 ના રોજ બહાર પાડવામાં આવેલા એક વિશેષ ઠરાવ મુજબ, સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) અને તેના હેઠળના તાલીમ કેન્દ્રોમાં તૈયારી કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી પ્રોત્સાહન રકમમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
તાલીમ દરમિયાન મળવાપાત્ર સ્ટાઈપેન્ડ
નવા સુધારા મુજબ, અમદાવાદ સ્થિત SPIPA અને તેના હસ્તકના કેન્દ્રોમાં UPSC પ્રિલિમ પરીક્ષાના તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવતા તમામ યુવક-યુવતીઓને હવે પ્રતિ માસ 4,000 રૂપિયાનું પ્રોત્સાહન (સ્ટાઈપેન્ડ) આપવામાં આવશે. આ સહાય વધુમાં વધુ 7 માસ સુધી અથવા UPSC દ્વારા પરીક્ષા લેવાય ત્યાં સુધી, જે બે માંથી ઓછું હોય તે સમયગાળા માટે મળવાપાત્ર રહેશે.
પરીક્ષાના વિવિધ તબક્કે મળતી પ્રોત્સાહન રકમ
સરકારે UPSCની પરીક્ષાના દરેક તબક્કાને સફળતાપૂર્વક પાર કરનાર ઉમેદવારો માટે પ્રોત્સાહનનું નવું માળખું તૈયાર કર્યું છે. જેમાં મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતા યુવતીઓ માટે વધુ રકમ નિર્ધારિત કરવામાં આવી છે:
- પ્રિલિમ પરીક્ષા પાસ કરવા પર: જે ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા પાસ કરશે તેમને યુવકો માટે 35,000 રૂપિયા અને યુવતીઓ માટે 50,000 રૂપિયાની સહાય મળશે. તાલીમ દરમિયાન મળેલ માસિક સ્ટાઈપેન્ડની રકમ આમાંથી બાદ કરવામાં આવશે.
- મુખ્ય પરીક્ષા પાસ કરવા પર: મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર યુવકોને 45,000 રૂપિયા અને યુવતીઓને 55,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.
- આખરી પસંદગી થવા પર: UPSC માં અંતિમ રીતે પસંદગી પામનાર યુવકોને 75,000 રૂપિયા અને યુવતીઓને 1,00,000 રૂપિયાની રકમ એનાયત કરવામાં આવશે.
આમ, તમામ તબક્કાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર એક યુવકને કુલ 1,55,000 રૂપિયા અને એક યુવતીને કુલ 2,05,000 રૂપિયાનું કુલ પ્રોત્સાહન સરકાર તરફથી પ્રાપ્ત થશે. સ્વપ્રયત્ને તૈયારી કરીને પરીક્ષા આપતા ઉમેદવારોને પણ આ મુજબ જ પ્રોત્સાહન રકમ મળવાપાત્ર થશે.
બિન-ડોમિસાઇલ ઉમેદવારો માટે વિશેષ જોગવાઈ
જે ઉમેદવારો ગુજરાત રાજ્યના ડોમિસાઇલ (મૂળ નિવાસી) નથી, પરંતુ ગુજરાતમાં અભ્યાસ અથવા નોકરી કરે છે અને SPIPA ના ઇન્ટરવ્યુ (પર્સનાલિટી ટેસ્ટ) તાલીમ વર્ગમાં જોડાયેલા હોય, તેવા ઉમેદવારોની આખરી પસંદગી થવા પર યુવકોને 25,000 રૂપિયા અને યુવતીઓને 35,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતના મધ્યમ અને સામાન્ય વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક ટેકો મળશે અને તેઓ કોઈ પણ અવરોધ વિના સિવિલ સર્વિસીઝની તૈયારી કરી શકશે. આ ઠરાવ નાણાં વિભાગની મંજૂરી બાદ રાજ્યપાલશ્રીના હુકમથી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
