New traffic rule: સાવધાન! ટોલ ટેક્સ બાકી હશે તો વાહન થશે બ્લેકલિસ્ટ, કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગનો નવો નિયમ

વાહન બ્લેકલિસ્ટ થવાથી અનેક સેવાઓ પર સીધી અસર પડે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 21 Mar 2026 11:55 AM (IST)Updated: Sat, 21 Mar 2026 11:55 AM (IST)
unpaid-toll-tax-vehicles-blacklist-under-central-transport-new-traffic-rule
HIGHLIGHTS
  • ટોલ ટેક્સ બાકી હશે તો વાહન થશે બ્લેકલિસ્ટ
  • કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગનો નવો નિયમ  
  • બ્લેકલિસ્ટ થયા બાદ વીમો રિન્યૂઅલ અટકી શકે

New Central Transport Rules: ભારત સરકાર દ્વારા ટોલ ટેક્સ બાકી રાખતા વાહનચાલકો સામે હવે કડક પગલાં લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમ અનુસાર, જો કોઈ વાહનધારક ટોલ ફી ચૂકવવામાં બાકી હશે, તો તેના વાહનને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

વાહન વ્યવહાર માટે નવો નિયમ

કેન્દ્રીય વાહન વ્યવહાર વિભાગ દ્વારા હવેથી ડિજિટલ સિસ્ટમ મારફતે વાહનના ટોલ બાકીદારોને ટ્રેક કરવામાં આવશે. આ નવા નિયમ અંતર્ગત કાર્યવાહી ટોલ ફી ચૂકવવામાં બાકી રહેતા વાહનધારકોને પહેલા બે વખત નોટિસ આપવામાં આવશે. જે બાદ વાહનને બ્લેકલિસ્ટ  કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

કેવી રીતે થશે બ્લેકલિસ્ટ કાર્યવાહી? 

  • પ્રથમ નોટિસ: સૌથી પહેલા વાહન માલિકને નોટિસ મોકલીને બાકી રહેલા ટોલ અંગે જાણ કરવામાં આવશે.
  • બીજી નોટિસ: જો પ્રથમ નોટિસ બાદ પણ ચૂકવણી ન થાય તો બીજી નોટિસ ફટકારી અને કડક પગલાં લેવામાં આવશે.
  • 72 કલાકનું અલ્ટિમેટમ: બીજી નોટિસ આપ્યા બાદ વાહનધારકને ચૂકવણી કરવા માટે 72 કલાકનો સમય આપવામાં આવશે.
  • અંતે, બ્લેકલિસ્ટ: જો આ 72 કલાકમાં પણ ટોલ ફીની ચૂકવણી નહીં થાય તો સંબંધિત વાહનને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે. 

જોકે, સમયસર ચૂકવણી કરી દેવામાં આવશે તો બ્લેકલિસ્ટની કાર્યવાહી અટકાવી શકાશે.

વાહન બ્લેકલિસ્ટ થયા બાદ શું થશે?

જો તમારું વાહન બ્લેકલિસ્ટ થાય છે, તો માત્ર ટોલ પ્લાઝા પરથી પસાર થવામાં જ મુશ્કેલી ઊભી થતી નથી, પરંતુ કાયદાકીય રીતે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વાહન બ્લેકલિસ્ટ થયા બાદ વાહનનું ઇન્સ્યોરન્સ (વીમા) રિન્યૂઅલ અટકી શકે છે.

આ ઉપરાંત વાહન માટે PUC સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાહનને સંબંધિત અન્ય ઓનલાઇન સેવાઓ બંધ થઈ શકે છે. વધુમાં, ટોલ પ્લાઝા પર વાહનની અવરજવર અવરોધિત થઈ જશે. આથી, વાહનચાલકોને બાકી ટોલની સમયસર ચૂકવણી કરવા તથા રેગ્યુલર ટોલ ટેક્સ ભરવા અપીલ કરવામાં આવી છે.