TAT-HS Exam Result 2026: 30 હજાર પરીક્ષાર્થીઓ નાપાસ થતા ગાંધીનગરમાં હોબાળો, રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ વિરોધ

ગુજરાત TAT-Higher Secondary મુખ્ય પરીક્ષાના પરિણામમાં 30 હજાર ઉમેદવારો નાપાસ થતાં વિવાદ સર્જાયો છે. ઉમેદવારોએ ગાંધીનગર સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ બંને પેપરના ગુણ જાહેર કરવા અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 16 Nov 2026 11:54 PM (IST)Updated: Mon, 16 Nov 2026 11:54 PM (IST)
taths-exam-result-2026-uproar-in-gandhinagar-as-30000-candidates-fail-protest-held-before-the-state-examination-board

TAT-HS Exam Result 2026: ગુજરાતના ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં શિક્ષક બનવાનું સપનું જોતા હજારો યુવાનો માટે ટાટ હાયર સેકન્ડરી (TAT-HS) મુખ્ય પરીક્ષાનું પરિણામ આઘાતજનક સાબિત થયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આ પરિણામમાં અંદાજે 30,000 જેટલા ઉમેદવારો નાપાસ જાહેર થતાં સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ અણધાર્યા પરિણામથી નારાજ થયેલા રાજ્યભરના પરીક્ષાર્થીઓ મોટી સંખ્યામાં પાટનગર ગાંધીનગર ઉમટી પડ્યા હતા અને સેક્ટર-21 સ્થિત રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યાં હતા.

47 હજારમાંથી માત્ર 16 હજાર ઉમેદવારો જ પાસ

આ પરીક્ષાના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, રાજ્યના વિવિધ કેન્દ્રો પરથી અંદાજે 47,000 જેટલા લાયકાત ધરાવતા ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપી હતી. જોકે, બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામના આંકડા ચોંકાવનારા છે. કુલ પરીક્ષાર્થીઓમાંથી માત્ર 16 હજાર જેટલા જ ઉમેદવારો સફળ થઈ શક્યા છે, જ્યારે 30,000થી વધુ ઉમેદવારો નાપાસ થયા છે. આટલા મોટા પાયે ઉમેદવારો નાપાસ થતા મૂલ્યાંકન પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચ.ડી. ધારકોના પરિણામ પણ નબળા!

વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા ઉમેદવારોનો મુખ્ય આક્ષેપ એ છે કે, આ પરીક્ષામાં વર્ષોનો શૈક્ષણિક અનુભવ ધરાવતા શિક્ષકો, યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ અને પીએચ.ડી. (Ph.D.) જેવી ઉચ્ચ ડિગ્રી ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ બેઠા હતા. આમ છતાં, આવા ગુણવત્તાસભર ઉમેદવારોના ગુણ અપેક્ષા કરતાં ઘણા ઓછા આવ્યા છે. ઉમેદવારોનું માનવું છે કે પેપર તપાસવાની પદ્ધતિમાં કોઈ મોટી ટેકનિકલ કે વહીવટી ક્ષતિ રહી ગઈ છે, જેનો ભોગ મહેનતુ વિદ્યાર્થીઓ બની રહ્યા છે.

પરીક્ષાર્થીઓની મુખ્ય માંગણીઓ શું છે?

રાજ્ય પરીક્ષા બોર્ડના સત્તાધીશોને આવેદનપત્ર સુપરત કરીને ઉમેદવારોએ સ્પષ્ટ માંગણીઓ રજૂ કરી છે કે-

  • બંને પેપરના અલગ ગુણ: મુખ્ય પરીક્ષાના પેપર-1 અને પેપર-2ના મેળવેલા ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે, જેથી ઉમેદવારને ખ્યાલ આવે કે તે કયા વિષયમાં નબળો પડ્યો છે.
  • ઉત્તરવહી અને આન્સર કી: પારદર્શિતા જળવાઈ રહે તે માટે દરેક ઉમેદવારની તપાસાયેલી ઉત્તરવહીની નકલ અને સત્તાવાર આન્સર કી જાહેર કરવામાં આવે.
  • મૂલ્યાંકનના નિયમો: ઉત્તરવહી ચકાસણીની પદ્ધતિ અને માર્કિંગ સ્કીમના ચોક્કસ નિયમો જાહેર કરવામાં આવે.
  • વિગતવાર ડેટા: પેપર-1માં ઉપસ્થિત રહેલા અને નાપાસ થયેલા તમામ પરીક્ષાર્થીઓની વિગતવાર યાદી અને આંકડાકીય માહિતી બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવે.

તપાસની ખાતરી બાદ મામલો થાળે પડ્યો

ઉમેદવારોના ભારે રોષ અને ગાંધીનગર ખાતે થયેલી ઉગ્ર રજૂઆતને પગલે રાજ્ય પરીક્ષા બોર્ડના અધિકારીઓએ ઉમેદવારોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. બોર્ડ તરફથી ખાતરી આપવામાં આવી છે કે ઉમેદવારોની રજૂઆતો અને માંગણીઓ પર ગંભીરતાપૂર્વક વિચારણા કરીને યોગ્ય તપાસ કરવામાં આવશે. હાલ તો બોર્ડની આ ખાતરી બાદ ઉમેદવારોએ આંદોલન સ્થગિત રાખ્યું છે, પરંતુ આગામી દિવસોમાં બોર્ડ દ્વારા શું નક્કર પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.