ગુજરાતનું મેપિંગ: ભારતીય સર્વેક્ષણ વિભાગે રાજ્યમાં કુલ 14,866 ગામોના નકશા તૈયાર કર્યા

કચ્છના વિશાળ રણથી સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી, ખંભાતના અખાતથી દમણ અને દીવના દરિયાઈ વિસ્તારો સુધી સમગ્ર પ્રદેશના નકશાકરણમાં નિર્દેશાલય મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 02 Nov 2026 11:37 AM (IST)Updated: Mon, 02 Nov 2026 11:37 AM (IST)
survey-of-india-completes-mapping-of-14866-villages-in-gujarat

Gandhinagar News: ભારતીય સર્વેક્ષણ વિભાગ (Survey of India)ની રાષ્ટ્રના ઇતિહાસ કરતાં પણ જૂની એક ગૌરવગાથા છે. વર્ષ 1767માં, જ્યારે ભારત પાસે ન તો પોતાનું બંધારણ હતું, ન રાષ્ટ્રધ્વજ કે ન આધુનિક નકશાકીય વ્યવસ્થા, ત્યારે સર્વેયરોની(સર્વે કરતા લોકો) એક નાનકડી ટુકડીએ દેશની ધરતીનું વૈજ્ઞાનિક માપન કરવાની ઐતિહાસિક પહેલ કરી હતી. આ પહેલમાંથી જ ભારતીય સર્વેક્ષણ વિભાગ (Survey of India)ની શરૂઆત હતી, જે આજે દેશની સૌથી જૂની વૈજ્ઞાનિક સંસ્થાઓમાંની એક અને રાષ્ટ્રીય નકશાકીય સંસ્થા તરીકે કાર્યરત છે.

'ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે' (મહાન ત્રિકોણમિતીય સર્વેક્ષણ) હાથ ધર્યું હતું

ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે કાર્યરત ભારતીય સર્વેક્ષણ વિભાગની ગુજરાત, દમણ અને દીવ ભૂ-સ્થાનિક નિદેશાલયના નિદેશક સિદ્ધાંત સેને વિગતો આપતા જણાવ્યું હતું કે,સૌથી પહેલાં થિયોડોલાઇટ્સ અને અદમ્ય ધીરજના સહારે સર્વેયરોએ ગાઢ જંગલો, વિશાળ રણપ્રદેશો અને દુર્ગમ પર્વતીય વિસ્તારોને પાર કરીને 'ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે' (મહાન ત્રિકોણમિતીય સર્વેક્ષણ) હાથ ધર્યું હતું. આ અભિયાન વિશ્વના સૌથી સાહસિક વૈજ્ઞાનિક સર્વેક્ષણોમાંનું એક હતું. આ જ સંશોધન પરંપરાએ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈના સૌપ્રથમ વૈજ્ઞાનિક માપનનો માર્ગ મોકળો કર્યો હતો. એટલું જ નહીં, ભારતના બંધારણની મૂળ નકલના મુદ્રણ કાર્યમાં પણ ભારતીય સર્વેક્ષણ વિભાગે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

નકશાકરણમાં નિર્દેશાલયની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

તેમણે કહ્યું કે,અઢી સદીથી વધુ સમય વીતી ગયો હોવા છતાં સંસ્થાનો મૂળ સંકલ્પ આજે પણ અડગ છે, દેશની ધરતીના પ્રત્યેક ઇંચનું વૈજ્ઞાનિક માપન કરવું, તેની ભૌગોલિક ઓળખ સ્થાપિત કરવી અને તેને સચોટ નકશાકીય સ્વરૂપ આપવું.

ગુજરાત, દમણ અને દીવમાં ગાંધીનગર સ્થિત અમારું નિર્દેશાલય આ રાષ્ટ્રીય સંકલ્પને સતત આગળ ધપાવી રહ્યું છે. કચ્છના વિશાળ રણથી સૌરાષ્ટ્રના દરિયાકિનારા સુધી, ખંભાતના અખાતથી દમણ અને દીવના દરિયાઈ વિસ્તારો સુધી સમગ્ર પ્રદેશના નકશાકરણમાં નિર્દેશાલય મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.

ભારત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વતંત્રતાની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ વિકાસયાત્રામાં સચોટ ભૌગોલિક માહિતી અને વિશ્વસનીય નકશાકીય માળખું અનિવાર્ય પાયાની ભૂમિકા ભજવે છે. કારણ કે સુનિયોજિત વિકાસની શરૂઆત જમીનની સાચી ઓળખ અને ચોક્કસ માપનથી જ થાય છે.

દરેક નકશાનો અદૃશ્ય, પરંતુ મજબૂત પાયો

કોઈપણ નકશો માત્ર રેખાઓ અને સીમાઓનું ચિત્ર નથી; તેની પાછળ ચોકસાઈ, વૈજ્ઞાનિક પદ્ધતિ અને વિશ્વસનીય ભૌગોલિક સંદર્ભનું મજબૂત માળખું કાર્યરત હોય છે.આ હેતુસર સમગ્ર રાજ્યમાં આડા અને ઊભા નિયંત્રણ બિંદુઓ (Horizontal and Vertical Control Points) સ્થાપિત કરવામાં આવ્યા છે. આ બિંદુઓ દરેક નકશાને ચોક્કસ ભૌગોલિક સંદર્ભ પ્રદાન કરે છે. પૂરગ્રસ્ત વિસ્તારોના નકશાકરણથી લઈને બંધોની સુરક્ષાનું મૂલ્યાંકન, તેમજ રસ્તાઓ, પુલો અને નહેરો જેવી માળખાકીય સુવિધાઓના નિર્માણ સુધી વિવિધ ક્ષેત્રોના ઇજનેરો આ આધારનો ઉપયોગ કરે છે.

વર્ષ 1890નો ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે (GTS) બેન્ચમાર્ક આ વૈજ્ઞાનિક પરંપરાના ઐતિહાસિક વારસાનું પ્રતીક છે. બીજી તરફ, વડીનાર, પોરબંદર, ઓખા અને કંડલા ખાતે સ્થાપિત ભરતી-ઓટ માપન વેધશાળાઓ દરિયાની સપાટીમાં થતા ફેરફારો અને દરિયાઈ ગતિવિધિઓનું સતત નિરીક્ષણ અને રેકોર્ડિંગ કરે છે.

આ ઉપરાંત, જિયોડેટિક એસેટ રજિસ્ટર્સના પ્રકાશન દ્વારા નિયંત્રણ બિંદુઓની વિગતો ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ગુજરાતમાં કાર્યરત સરકારી વિભાગો, સંસ્થાઓ, ઇજનેરો અને સર્વેયરો વિશ્વસનીય ભૌગોલિક સંદર્ભના આધારે પોતાની કામગીરી હાથ ધરી શકે છે.

નિર્દેશાલયની જવાબદારી માત્ર આંતરિક વિકાસ પૂરતી મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાના મહત્ત્વપૂર્ણ પાસાં સાથે પણ જોડાયેલી છે. સુરક્ષિત સરહદો રાષ્ટ્રની સ્થિરતા અને પ્રગતિનો આધાર છે. આ દિશામાં ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદનું નકશાકરણ કરવામાં આવ્યું છે. સાથે જ ભારત અને ગુજરાતના રાજકીય નકશાઓ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવામાં આવે છે, જેથી નાગરિકો પોતાની ધરતીની ભૌગોલિક અને રાજકીય ઓળખને પોતાની ભાષામાં સમજી શકે.

પરંપરાગત નકશાકરણને આધુનિક ડિજિટલ યુગ સાથે જોડવાના ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં કુલ 102 કન્ટિન્યુઅસલી ઓપરેટિંગ રેફરન્સ સ્ટેશન્સ (CORS) સ્થાપિત કરવામાં આવ્યાં છે.

આ સ્ટેશનો સર્વેયરો, ઇજનેરો, ખેડૂતો અને ડ્રોન સંચાલકોને રિયલ ટાઇમમાં સેન્ટિમીટર સ્તરની ચોકસાઈ સાથે સ્થાન નિર્ધારણની સુવિધા પૂરી પાડે છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય તથા દમણ અને દીવમાં કુલ 1,042 વપરાશકર્તાઓએ આ સુવિધા માટે નોંધણી કરાવી છે. આ આધુનિક ડિજિટલ માળખું આત્મનિર્ભર ભારતના નિર્માણમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

મુખ્ય નકશાકીય અને ડિજિટલ ઉત્પાદનો

ઓપન સિરીઝ મેપ્સ અને ડિજિટલ નકશાકીય ઉત્પાદનો.
ગુજરાતનો રાજકીય નકશો (ગુજરાતી આવૃત્તિ).
વડીનાર, પોરબંદર, ઓખા અને કંડલા ખાતે ભરતી-ઓટ માપન વેધશાળાઓ.
વર્ષ 1890નો ગ્રેટ ટ્રિગોનોમેટ્રિકલ સર્વે (GTS) બેન્ચમાર્ક.
ગુજરાતમાં સ્થાપિત કન્ટિન્યુઅસલી ઓપરેટિંગ રેફરન્સ સ્ટેશન્સ (CORS).

વિભાગીય સીમાઓથી આગળ: વિકસિત ભારતના નિર્માણમાં નકશાકરણનું યોગદાન

વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થઈ શકે, જ્યારે વિકાસનો લાભ દેશના છેવાડાના માનવી સુધી પહોંચે. આ દિશામાં 'સ્વામિત્વ યોજના' (SVAMITVA) એક મહત્ત્વપૂર્ણ પહેલ છે.

આ યોજનામાં ટેક્નિકલ ભાગીદાર તરીકે ભારતીય સર્વેક્ષણ વિભાગે ગુજરાતનાં ગ્રામીણ વસવાટ વિસ્તારોનું નકશાકરણ પૂર્ણ કરીને કુલ 14,866 ગામોના નકશા તૈયાર કર્યા છે. આ કામગીરીના પરિણામે ગ્રામ્ય પરિવારોને પેઢીઓથી તેઓ જે મકાનોમાં વસવાટ કરે છે, તેના કાયદેસર માલિકી હકના દસ્તાવેજો પ્રાપ્ત કરવાનો માર્ગ સુગમ બન્યો છે.

આ પહેલ મિલકતની માલિકી અંગેની સ્પષ્ટતા અને સુરક્ષા પૂરી પાડવાની સાથે મિલકતના આધારે ધિરાણ મેળવવાની તકો ઊભી કરે છે અને ગ્રામીણ અર્થતંત્રને વધુ સક્ષમ બનાવે છે.

ગ્રામીણ વિકાસની આ જ દિશામાં હવે શહેરી અને માળખાકીય વિકાસને પણ ચોક્કસ નકશાકીય આધાર પૂરો પાડવામાં આવી રહ્યો છે.

નગર રચના અને મૂલ્યાંકન વિભાગ (Town Planning and Valuation Department – TPVD) માટે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR) કોરિડોરનું નકશાકરણ કરવામાં આવી રહ્યું છે. આ કોરિડોર દેશના આધુનિક પરિવહન અને માળખાકીય વિકાસની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.

તે જ રીતે, અમૃત 2.0 (AMRUT 2.0) યોજના અંતર્ગત આ વિભાગ માટે 55 શહેરોનું નકશાકરણ હાથ ધરવામાં આવ્યું છે. તૈયાર થનારા નકશાઓ શહેરોની GIS આધારિત વિકાસ યોજનાઓ (Development Plans) અને માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે મજબૂત આધાર પૂરો પાડશે. તેના પરિણામે પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, શહેરી માળખાકીય સુવિધાઓ અને હરિયાળા વિસ્તારોના વિકાસનું વધુ વૈજ્ઞાનિક તથા સુવ્યવસ્થિત આયોજન શક્ય બનશે.

સ્વામિત્વ યોજના (SVAMITVA) અને અમૃત 2.0 (AMRUT 2.0)

આ બંને પહેલ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના વિકાસને સચોટ ભૂ-સ્થાનિક માહિતી સાથે જોડવામાં આવી રહ્યો છે. એક તરફ ગામડાંમાં મિલકતના અધિકારોને સ્પષ્ટતા મળી રહી છે, તો બીજી તરફ શહેરોના ભવિષ્યના વિકાસ માટે વૈજ્ઞાનિક આયોજનનો પાયો તૈયાર થઈ રહ્યો છે.

સ્વચ્છ અને વિશ્વસનીય ઊર્જા વ્યવસ્થાના નિર્માણમાં પણ ભારતીય સર્વેક્ષણ વિભાગનું યોગદાન વિસ્તરી રહ્યું છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) માટે કાકરાપાર ખાતે 121 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં LiDAR ટેક્નોલોજી આધારિત સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામગીરી દેશની ઊર્જા સુરક્ષા અને મહત્ત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સના આયોજનને જરૂરી ભૌગોલિક આધાર પૂરો પાડે છે. આગામી તબક્કામાં વધુ 183 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સર્વેક્ષણ હાથ ધરવાની તૈયારી ચાલી રહી છે.

શહેરી જમીનના રેકોર્ડનું આધુનિકીકરણ કરવા માટે કેન્દ્ર સરકારના ભૂમિ સંસાધન વિભાગ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે 'નકશા' (NAKSHA) પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ શહેરોનું નકશાકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પહેલ દ્વારા શહેરી વિસ્તારોમાં જમીન અને મિલકતના રેકોર્ડને વધુ સચોટ, પારદર્શક અને આધુનિક બનાવવાની દિશામાં કાર્ય થઈ રહ્યું છે. પરિણામે શહેરી નાગરિકોને પણ મિલકતની માલિકી અંગે વધુ સ્પષ્ટતા અને વિશ્વસનીય દસ્તાવેજીકરણનો લાભ મળી શકશે.

વર્ષ 2047 તરફની વિકાસયાત્રા: પરંપરાથી આધુનિક ટેક્નોલોજી સુધી

એવરેસ્ટનાં હિમાચ્છાદિત શિખરોથી લઈને કચ્છના વિશાળ ખારાપાટ સુધી, ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારતની ભૌગોલિક ઓળખને વૈજ્ઞાનિક ચોકસાઈ સાથે વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત કરવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી છે.

ગુજરાત, દમણ અને દીવમાં કાર્યરત નિર્દેશાલયની ટીમો ડ્રોન, LiDAR, GNSS અને GIS જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ગૌરવશાળી પરંપરાને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ રહી છે.

વર્ષ 1767થી આજ સુધી સમય બદલાયો, સાધનો બદલાયાં અને ટેક્નોલોજીમાં ક્રાંતિકારી પરિવર્તનો આવ્યાં; પરંતુ ભારતીય સર્વેક્ષણ વિભાગનો મૂળ ઉદ્દેશ્ય અડગ રહ્યો છે દેશની ધરતીનું સચોટ નકશાકરણ, વિશ્વસનીય ભૌગોલિક માહિતીનું સર્જન અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસને વૈજ્ઞાનિક આધાર પૂરો પાડવો.

વિકસિત ભારત @2047ની સંકલ્પનાને સાકાર કરવામાં દરેક નકશો, દરેક સર્વેક્ષણ અને દરેક ભૌગોલિક માહિતીનું પોતાનું આગવું મહત્ત્વ છે. આ જ દૃઢ સંકલ્પ સાથે ભારતીય સર્વેક્ષણ વિભાગ દેશની વિકાસયાત્રામાં સતત સહભાગી બની રહ્યો છે.

આમ,ભારતીય સર્વેક્ષણ વિભાગ એ‌ રાષ્ટ્રના નકશાકરણ, નાગરિકોનું સશક્તીકરણ અને વિકસિત ભારત @2047ના નિર્માણમાં અવિરત યોગદાન આપી રહ્યું છે.