Harsh Sanghavi South Korea Visit: ગુજરાત માટે વૈશ્વિક સ્તરેથી રોકાણ મેળવવાના વધુ એક મોટા ખુશખબર સામે આવ્યા છે. વિશ્વની ટોપ 20માંથી 18 અગ્રણી બ્યુટી બ્રાન્ડ્સ માટે ફોર્મ્યુલેશન તૈયાર કરતી દક્ષિણ કોરિયાની ગ્લોબલ પાર્ટનર કંપની કોસ્મેક્સ ગુજરાતમાં જંગી રોકાણ કરવાની તૈયારીમાં છે. જાપાનના સફળ પ્રવાસ બાદ દક્ષિણ કોરિયા પહોંચેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સિઓલ ખાતે યોજેલી મહત્વપૂર્ણ બેઠકો બાદ સિદ્ધિ હાંસલ થઈ છે.
સિયોલ ખાતે 10 વન ટુ વન બેઠકો યોજાઈ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દક્ષિણ કોરિયાના સિયોલ ખાતે વૈશ્વિક કંપનીઓના વડાઓ સાથે 10 મહત્વની વન ટુ વન અને રાઉન્ડ ટેબલ બેઠકો યોજી હતી. આ બેઠકમાં દક્ષિણ કોરિયાના કોસ્મેટિક્સ માર્કેટમાં 25 ટકા જેટલો મોટો હિસ્સો ધરાવતી કોસ્મેક્સ કંપનીએ ભારતના કોસ બ્યુટી ક્ષેત્રમાં રોકાણ કરવા માટે ભારે રસ દાખવ્યો છે. કંપનીએ આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 પહેલા ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવવાની જાહેરાત પણ કરી છે.
ગુજરાત બ્યુટી અને ફેશન હબ બનશે
દક્ષિણ કોરિયાના માત્ર કોસ્મેટિક્સ જ નહીં. પરંતુ ફેશન અને ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણી ઉત્પાદકો અને સંશોધનકર્તાઓએ પણ ગુજરાતમાં મૂડીરોકાણ કરવાની તીવ્ર ઇચ્છા વ્યક્ત કરી છે. અત્યાર સુધી ફાર્મા, કેમિકલ્સ, ટેક્સટાઇલ્સ, સેમિકન્ડકટર અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ડંકો વગાડનાર ગુજરાત હવે વૈશ્વિક સ્તરે ફેશન અને કોસ બ્યુટી સેક્ટરનું નવું ગ્લોબલ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે.
લીગલ ફર્મ્સ સાથે ખાસ પરામર્શ
આ પ્રવાસ દરમિયાન પ્રથમવાર ગુજરાતના ડેલિગેશને દક્ષિણ કોરિયાની અગ્રણી લીગલ ફર્મ્સ (કાયદાકીય કંપનીઓ) સાથે બેઠક યોજી હતી. બેઠકમાં 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' અને રાજ્યના કાયદા-નિયમો અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી, જેથી વાઈબ્રન્ટ સમિટ-2027માં મૂડીરોકાણના MoU (સમજુતી કરાર) થયા બાદ પ્રોજેક્ટ્સને વિલંબ વગર ઝડપથી જમીન પર ઉતારી શકાય.
