Shri Vajpayee Bankable Yojana: PM મોદીના 'વિકસિત ભારત' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘શ્રી વાજપાઈ બેંકેબલ યોજના’ રાજ્યના યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2021થી 2025 સુધીમાં 1.42 લાખ કરતા વધુ લાભાર્થીઓને રૂ. 1,243 કરોડ કરતા વધુની સબસિડી સહાય આપવામાં આવી છે. જેમાં ગત નાણાકીય વર્ષ 2025-26માં કુલ 47,462 લાભાર્થીઓને રૂ. 466 કરોડની સબસિડી સહાય આપવામાં આવી છે. આમ, આ યોજના થકી છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના હજારો પરિવારો આર્થિક રીતે પગભર બન્યા છે.
ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ યોજનાને વધુ વ્યાપક બનાવી છે. રાજ્યના શહેરી અને ગ્રામીણ બેરોજગારોને સ્વરોજગારી પૂરી પાડતી ‘શ્રી વાજપાઈ બેંકેબલ યોજના’ અંતર્ગત આપવામાં આવતી લોન મર્યાદા જે પહેલા રૂ. 8 લાખ હતી, તે વર્ષ 2025-26થી વધારીને રૂ. 25 લાખ કરવામાં આવી છે.
આ લોનમાં રાજ્ય સરકાર દ્વારા જનરલ કેટેગરીના યુવાનોને મહત્તમ રૂ. 3.75 લાખ તેમજ SC, ST અને દિવ્યાંગો માટે મહત્તમ રૂ. 5 લાખ સુધીની સબસિડી સહાય આપવામાં આવે છે.
‘શ્રી વાજપાઈ બેંકેબલ યોજના’ હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા યુવા સાહસિકોને બેંક મારફત ધિરાણ અને સરકાર તરફથી સબસિડી સહાય આપવામાં આવે છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં 25 થી 40 ટકા સુધી તથા શહેરી વિસ્તારમાં 20 થી 30 ટકા સુધીની સબસિડી સહાય કેટેગરી મુજબ આપવામાં આવે છે.
શહેરોથી લઈને ગામડાંઓ સુધી હજારો યુવાઓના જીવનમાં ક્રાંતિ લાવતી 'શ્રી વાજપાઈ બેંકેબલ યોજના' લાખો નાગરિકોને આત્મનિર્ભર બનાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર કરી રહી છે.
આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ અને પારદર્શી છે. જેનો લાભ લેવા માંગતા ઉમેદવારો ઓનલાઈન પોર્ટલ https://blp.gujarat.gov.in/ પર અરજી કરી શકે છે. આ યોજના હેઠળ મળવાપાત્ર સહાયની રકમ બેંક દ્વારા લોન મંજૂર થયા બાદ લાભાર્થીના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે.
રાજ્યના 18 થી 65 વર્ષની વયના અને ઓછામાં ઓછું ધોરણ-4 પાસ અથવા વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ કે સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ મેળવેલી હોવી જરૂરી છે અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ હોવો જોઇએ અથવા વારસાગત કારીગર હોવા જોઇએ. આ યોજનામાં કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી, જેથી વધુમાં વધુ નાગરિકો તેનો લાભ લઈ શકે.
'શ્રી વાજપેયી બેંકેબલ યોજના'ના લાભાર્થી: રોહિતભાઈ પ્રજાપતિ
અમદાવાદના બાવળા વિસ્તારના રહેવાસી રોહિતભાઈ પ્રજાપતિ અમદાવાદમાં વધી રહેલા બાંધકામને ધ્યાનમાં રાખીને ઈંટ સપ્લાયના વ્યવસાયમાં રહેલી તકોને ઓળખી ગયા હતા. તેઓ પોતાનો ઈંટ બનાવવાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા, પરંતુ સૌથી મોટો પડકાર મૂડી એટલે કે નાણાંની વ્યવસ્થાનો હતો. જેથી પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે તેમણે બેંક લોન લેવાનું વિચાર્યું.
આ દરમિયાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, અમદાવાદ દ્વારા આયોજિત એક સેમિનારમાં તેમને સરકારની 'શ્રી વાજપેયી બેંકેબલ યોજના' વિશે વિગતવાર માહિતી મળી. આ યોજના હેઠળ વ્યવસાય શરૂ કરવા માટે લોન પર સબસિડી મળવાપાત્ર હતી, જે તેમના માટે આશાનું કિરણ બની.
આ અંગે પ્રતિભાવ આપતા રોહિતભાઈએ જણાવ્યું હતું કે, સરકારની આ યોજના થકી જ હું મારો ઈંટ બનાવવાનો વ્યવસાય સફળતાપૂર્વક શરૂ કરી શક્યો છું. આ સહાય મારા ધંધાના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે, જે બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.
