Seva Yatra From Vadnagar To Varanasi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની ભવ્ય અને સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આગામી ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં "સેવા સંકલ્પ અભિયાન" હાથ ધરાશે.
આ અભિયાનના આગોતરા પર્વ રૂપે આવતીકાલ તા. ૧૩ સપ્ટેમ્બરથી રાજ્યભરમાં "વડનગરથી વારાણસી સેવાયાત્રા" બાઇક રેલીનો શુભારંભ થશે. મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી નરેશ પટેલ નવસારીના પવિત્ર ઉનાઈ માતાજીના મંદિર ખાતેથી આ સેવાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે.
તે જ રીતે, રાજ્યના અન્ય મુખ્ય યાત્રાધામો ખાતેથી પણ સેવાયાત્રાનો પ્રારંભ થશે. સોમનાથ ખાતેથી મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. પાવાગઢ ખાતેથી રાજ્ય મંત્રી કમલેશ પટેલ પ્રસ્થાન કરાવશે. શામળાજી ખાતેથી રાજ્ય મંત્રી પ્રવિણ માળી તથા રાજ્ય મંત્રી પીસી બારંડા યાત્રાને પ્રસ્થાન કરાવી યાત્રામાં દિવસ દરમિયાન જોડાશે.
૪ પવિત્ર ધામોથી નીકળેલી યાત્રા ૧૬મીએ વડનગર પહોંચશે
આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ૧૩ સપ્ટેમ્બરના રોજ ઉનાઈ માતાના મંદિર, શામળાજી, સોમનાથ અને અંબાજી એમ ૪ અલગ-અલગ પવિત્ર સ્થળોએથી પ્રસ્થાન પામેલી આ બાઇક યાત્રાઓ ૧૬ સપ્ટેમ્બરે વડનગર ખાતે પહોંચશે.
પ્રત્યેક યાત્રામાં ૨૫ થી ૩૦ બાઇક સ્વાર, એક સુસજ્જ LED વાન અને એક પવિત્ર કળશ રથ જોડાશે. યાત્રાના માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ આ કળશમાં એકત્રિત કરવામાં આવશે. LED વાન મારફતે વડાપ્રધાનના કુશળ નેતૃત્વ હેઠળ ગુજરાત અને ભારતે સાધેલી વિકાસની અભૂતપૂર્વ યાત્રાની ઝાંખી ગામે-ગામ રજૂ કરાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સેવાકીય પ્રવૃત્તિઓથી ગુંજશે ગુજરાત
મંત્રીએ જણાવ્યું હતું કે, આ ચાર દિવસીય યાત્રા દરમિયાન રૂટ પર આવતા ગામોમાં રક્તદાન કેમ્પ, વ્યાપક સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવી વિવિધ જનહિતકારી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે. ચાર દિવસીય યાત્રામાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, વિવિધ પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો ઉત્સાહભેર જોડાશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની પ્રેરક ઉપસ્થિતિમાં મહાઆરતી
યાત્રાના પ્રથમ તબક્કાના અંતે વડનગર ખાતે કળશમાં એકત્રિત પવિત્ર જળથી શ્રી હાટકેશ્વર મહાદેવનો ભવ્ય જળાભિષેક કરાશે. ૧૭ સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ગરિમામય ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે ૫૦૦થી વધુ સાધુ-સંતો અને ૧૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓની હાજરીમાં ભાવભરી મહાઆરતી યોજાશે.
બીજો તબક્કો: વડનગરથી વારાણસી પવિત્ર પ્રયાણ મહાઆરતી બાદ શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ લઈને યાત્રાના દ્વિતીય તબક્કાનો પ્રારંભ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અલગ-અલગ ૧૦ રૂટ પર વડનગરથી વારાણસીની સેવાયાત્રાને ફ્લેગ ઓફ કરાવશે. સાથોસાથ, વારાણસીથી પણ વડનગર માટે ૧૦ કળશ યાત્રાઓ રવાના થશે.
આ ૨૦ દિવસીય સેવાકીય યાત્રા દરમિયાન માર્ગમાં આવતી તમામ પવિત્ર નદીઓનું જળ કળશમાં સંચિત કરવામાં આવશે. વારાણસી ખાતે યાત્રાના સમાપન સમયે આ પવિત્ર જળથી બાબા કાશી વિશ્વનાથ મહાદેવનો ભવ્ય જળાભિષેક કરીને રાષ્ટ્રના કલ્યાણની પ્રાર્થના કરવામાં આવશે.
