Gandhinagar News: વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું (Ketan Inamdar Resignation) આપતા વડોદરા જિલ્લા ભાજપમાં હડકંપ મચી ગયો હતો. પક્ષમાં કરવામાં આવતા ભરતી મેળાને લઇને જૂના પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અન્યાય થઇ રહ્વો હોવાની વાત સાથે તેમણે રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે અંતર-આત્માનો અવાજ સાંભળીને આ નિર્ણય લીધો છે. બપોરે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ તેમણે રાજીનામું પાછું ખેંચવાનું વિચાર્યું છે અને કહ્યું છેકે, સકારાત્મક જવાબ મળ્યો છે, જે પણ કંઇ છે તેનું નિરાકરણ લાવવામાં આવશે.
કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે દોઢ વાગ્યે મે ઇમેઇલ કરીને વિધાનસભાના અમારા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને મારું રાજીનામું ઇમેઇલ દ્વારા મોકલી આપ્યું હતું. જેમાં મે બે લિટીમાં લખ્યું હતું કે મારા અંતર આત્માને માન આપીને હું આ રાજીનામું આપું છું. મારા રાજીનામાની જાણ જ્યારે મારા પ્રદેશના મવડીઓને, મારા સરકારમાં સીએમથી માંડીને તમામ, મારા પ્રભારીમંત્રી અને અમારા આગેવાનોને થઇ હતી, ત્યારે તેમણે મને પૂછવામાં આવ્યું હતું કે, આ અંતરના આત્માના અવાજની વાત અંગે પૂછવામાં આવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, મારી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને પ્રભારીમંત્રી હર્ષ સંઘવી સાથે બેસીને બધી ચર્ચા થઇ છે. મે મારી બધીજ વાત તેમની સાથે કરી છે. મારી જે પણ વેદના હતી તે મે કહી છે. સંગઠન મહામંત્રી રત્નાકરે પણ મને સકારાત્મક જવાબ આપ્યો છે. આ જે પણ છે તેનું નિરાકરણ લાવીને તમને અને પાર્ટીના તમામ કાર્યકર્તાઓને સંતોષ થાય તેવું જ સંગઠન દ્વારા કરવામાં આવશે અને જે પણ નાની મોટી કોઇ વાત હશે તો સાથે બેસીને જોઇ લઇશું.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
